4 - મારી ભીતર એક કર્કોટક વસે / ઉર્વીશ વસાવડા
મારી ભીતર એક કર્કોટક વસે,
એજ મારી સર્વ ઇચ્છાઓ ડસે,
સૂર્ય થાવાનો કરું હું યત્ન જ્યાં,
મધ્યબિંદુ તેજનું બીજે ખસે.
જે ઘડે છે શબ્દનાં આભૂષણો,
એ જ સાચા શબ્દને તાવે કસે.
પથ્થરોનું શહેર છે આખુંય આ,
કાચઘરમાં શી રીતે કોઈ વસે.
સૌ પરીક્ષિત જેમ બેઠા છે અહીં,
કાળ તક્ષક શી ખબર કોને ડસે.
0 comments
Leave comment