2 - ફૂલ પાસે ગઝલ લખાવું છું / પ્રસ્તાવના / વહાલ વાવી જોઈએ / હિતેન આનંદપરા


      પહેલા ગઝલસંગ્રહ ‘મારા હિસ્સાનો સૂરજ’માં ‘આંખથી તું બોલ હું સમજી જઈશ / આ ગઝલમાં તો સમજ પડતી નથી’ લખનાર શાયર બીજા ગઝલસંગ્રહમાં ‘જે રીતે અહીયાં જીવાયું હોય છે / કાવ્ય એનું ક્યાં લખાયું હોય છે ?’ લખે ત્યારે એમની નમ્રતાનો સહજ પરિચય મળી રહે છે. જો કે એમની પાસે કહેવા જેવું ઘણું છે અને આ જે કહેવા જેવું છે, તે કહેવા કરતાં લખવું વધારે ફાવે એવા સ્વભાવના આ શાયરને બીજા ગઝલસંગ્રહના પ્રાગટ્ય નિમિત્તે મિત્રભાવે મુબારકબાદ.

      કુમળી ઉંમરનાં આઘાતો સહીને, સતત પ્રેમની શોધમાં રહેતી વ્યક્તિ, જાતને ઓળખવાની મથામણ કરે ત્યારે ગઝલ અભિવ્યક્તિનો સહારો બની રહે છે. ગૌરાંગ ઠાકરની ગઝલ પ્રત્યેની નિષ્ઠા, શાંત રહીને નક્કર કામ કરવાની પ્રતિબદ્ધતા અને નદીમાં પોતાના નામનો દીવો અનાક્રમક થઈ વહેતો મૂકવાની ખાનદાની ખરેખર સ્પર્શી જાય એવી છે. ગઝલનો અભ્યાસ એમની રુચિ છે, સંવેદના એમની મૂડી છે અને અભિવ્યક્તિ એમની જુદી છે. આ શાયર અંદરથી કેટલો સભર છે એનો ખ્યાલ આવી પંક્તિઓ પરથી આવે :
અત્તરની પાલખી લઈ ઊભો હશે પવન પણ,
તારાથી દોસ્ત કેવળ બારી સુધી જવાશે ?

      મુશાયરામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે તેમની જમાવટ મુશાયરાને ઉગારે છે એ મેં બે પ્રસંગે અનુભવ્યું. સુરતમાં ‘દિવ્ય ભાસ્કર’ આયોજિત મુશાયરાની વાત છે. મુશાયરો હજી તો બાકાયદા શરૂ થાય ત્યાં જ લાઈટ ગઈ. હોલમાં માઈક વગર જોરથી બોલીને ગઝલની બારીકીઓ લોકો સમક્ષ રજૂ કરવાનું કામ અઘરું હતું. મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી. મંચની સામે શેરની બે પંક્તિની જેમ બે મીણબત્તીઓ ગોઠવવામાં આવી.... અને મુશાયરાની શી વલે થશે એની ફિકરમાં સૌ શાયરો હતાં. પણ, બે પંક્તિઓ રજૂ થઇ ને એ ફિકર હવામાં ઓગળી ગઈ. ગૌરાંગ ઠાકરે પૂરેપૂરા વિશ્વાસથી આછા અજવાસમાં તેમના વિચારો તરતા મૂક્યા. મત્લાથી જ તેમણે ઊંચકી લીધેલું વાતાવરણ પછી તો જાહોજલાલી થઈને ઝળકી ગયું.

      ગઝલના વિશાળ ગામમાં પોતાનું પાકું ઘર બાંધવાનો અવસર મળે એ દરેક નવા ગઝલકારની ઈચ્છા હોય છે. આ ગઝલકારની એ ઈચ્છા ફળી એ અમારા મિત્રો માટે આનંદની ઘટના છે. પહેલાં ગઝલસંગ્રહને ‘કવિ શ્રી મનહરલાલ ચોકસી સ્મૃતિ પુરસ્કાર’ અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યાં છે અને આ બીજો સંગ્રહ પ્રગટ થવા જઈ રહ્યો છે ત્યારે શુકનવંતા સમાચાર આવ્યા છે કે ગૌરાંગ ઠાકરને આઈ.એન.ટી. દ્વારા યુવા શાયરોને અપાતો પ્રતિષ્ઠિત ‘શયદા એવોર્ડ’ વર્ષ ૨૦૦૯ માટે એનાયત થયો છે. એટલે આનંદની આ ઘટના આનંદનો ઉત્સવ બની જાય છે.

      બીજા ગઝલસંગ્રહનાં પ્રાગટ્ય પ્રસંગે એમના જ શબ્દોમાં કહું તો :
મને કામ દીધું પ્રકાશિત થવાનું,
આ મારાથી મારે પરિચિત થવાનું.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

      ખરેખર ખુદનો પરિચય મેળવવો બહુ અઘરો હોય છે અને આ જાતને સમજવાની ગડમથલ માટે, જીવનની સંકુલતાને બારીકીઓને પામવાં માટે ગઝલનું માધ્યમ જેને ફાવ્યું છે તેઓ અંદરથી ન્યાલ થયા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એક સારો શેર પોતાનું આગવું આયુષ્ય લઈને જન્મે છે. ગૌરાંગ ઠાકર પાસેથી આવા સરસ શેર મળે છે. :
બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.

સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

તમે બારીમાં ઊભા રહીને કીધી છાંયડાની વાત,
અમે વાંસા ઉપર તડકો જુઓ ચોગાનમાં લીધો.

મ્યાન તલવાર કરી ત્યાં જ જગત જિતાયું,
જંગની એ જ છબી ઘરમાં મઢાવી રાખી.

બધાં ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે.

આખો દિવસ બજારમાં વેચી દીધાં મેં હાથ,
આ કોણ બંદગી વિશે સમજાવતું હતું ?

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરનાં ઘરમાં શેકાતો નથી.

પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

મિત્રો, તમે જવા દો આ ભાગ્યની છે પીડા,
પાણીમાં માછલીના આંસુ નહીં લૂછાશે.

      એક સદીથી પણ વધારે સમયથી શ્વસી રહેલી ગુજરાતી ગઝલનાં વિશ્વમાં, અનેકાનેક કાફિયા, રદીફો, કલ્પનો, પ્રતીકો વપરાઈ ચૂક્યાં છે. એટલે નવું શું એ પ્રશ્ન આવે ત્યારે કવિની સંવેદનશીલતા અને અભિવ્યક્તિની તાજગી જ તેનો ઉત્તર આપી શકે તેમ છે. ગૌરાંગ ઠાકર પાસેથી આ ઉત્તર મળે ત્યારે એમના શબ્દોમાં કહેવાનું મન થાય :

પહેલા અંદર પછીથી બહાર થશે,
એમ બદલાવ આરપાર થશે.

હિતેન આનંદપરા
૧૦ જુલાઈ ૨૦૦૯
મુંબઈ


0 comments


Leave comment