12 - ચલો આંગણમાં મનાવીએ / ગૌરાંગ ઠાકર
તમે વ્હાલ ઘરની દિવાલમાં, અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણામાં મનાવીએ, હવે હેત-હૂંફના અવસરો.
હું તો માત્ર શ્વેત લકીર ને, તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં, મને બેઉ હાથે મિલાવજો.
ભલે જાય સૂર્ય કિરણ લઈ, તમે બાગથી ન જશો પ્રિયે,
હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો.
મને કોયલો એ કહી ગઈ, અમે રોજ આવી ટહુકશું,
તમે આસપાસ કમાડની, જરા ઝાડ જીવતું રાખજો.
હતું મૂલ્ય સ્વપ્નનું એટલું, અમે પાઈ પાઈ ચુકાવી છે,
અમે આંખ આંસુથી ધોઈ છે, કીધો બંધ આંખે ઉજાગરો.
0 comments
Leave comment