13 - સાબિત થવાનું / ગૌરાંગ ઠાકર
મને કામ દીધું પ્રકાશિત થવાનું,
આ મારાથી મારે પરિચિત થવાનું ?
પળેપળ આ હોવાનું ખંડિત થવાનું,
વિચારોની વચ્ચે વિભાજીત થવાનું.
અહીં માપપટ્ટી બધાની અલગ છે,
અને આપણે રોજ સાબિત થવાનું.
અહીં હાથ પોતાનો જોઈ તપાસી
તમારે તમારાં પુરોહિત થવાનું.
કદી આકરા છાંયડા પણ મળે છે,
સૂરજનાં કિરણથીય વંચિત થવાનું.
ઘણાંને હસાવી ઘણાંને રડાવે,
એ રીતે જ ઈશ્વરને સ્થાપિત થવાનું.
થવાનું અહીં એ તો થઈને રહે છે,
જવા દઈએ આજે આ પંડિત થવાનું.
0 comments
Leave comment