41 - ગંગાસતી અને સતી પાનબાઈ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
ગંગાસતી :
ગોહિલવાડનાં ધોળા પાસેના સમઢીયાળા ગામના ગરાસિયા કુટુંબમાં કહાળુભા/કસળસિંહ નામના ગોહિલ રાજપૂતનાં પત્ની ગંગાબાઈએ એમની પુત્રવધૂ પાનબાઈને મહામાર્ગનો પૂર્ણ ઉપદેશ આપતાં પચાસેક જેટલાં ભજનોની રચના કરી છે. ઉચ્ચ સાહિત્યતત્વને કારણે વિદ્વાનોમાં પણ ધ્યાનાકર્ષક બનેલાં આ ભજનોમાં ગૂઢ-ગુહ્ય વિદ્યાનું આલેખન થયું છે. સતી લોયણનાં ભજનોની માફક સાધનામાર્ગ વિશે તેમાં ક્રમાનુસાર સંપૂર્ણ માર્ગદર્શન અપાયું છે.
‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ,
અચાનક અંધારાં થાશે જી....’
**
ભગતી રે કરવી એણે રાંક થઈને રે’વું પાનબાઈ
મેળવું અંતરનું અભિમાન રે.....’
**
‘કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ,
સમજીને રહીએ ચૂપ રે....’
વગેરે અત્યંત લોકપ્રિય ભજનોમાં શીલ, સંયમ, સદાચાર અને અભય જેવા ગુણોનો વિકાસ સાધીને શિષ્ય પરિબ્રહ્મની પ્રાપ્તિ કેમ કરી શકે એનું રહસ્ય દર્શાવ્યું છે.
સતી પાનબાઈ :
ગંગાસતીનાં પુત્રવધૂ પાનબાઈએ બાવન દિવસો સુધી ગંગાસતી પાસેથી મહાપંથની સાધના વિશે ભજનો દ્વારા શિક્ષા પ્રાપ્ત કરી અને પોતે પૂર્ણ અભ્યાસ કરીને બ્રહ્મ સાક્ષાત્કાર સુધી પહોંચ્યાં એ ઘટના વર્ણવતાં પાનબાઈનાં પાંચેક ભજનો મળે છે. જેમાં રહસ્યાત્મક અનુભવો આલેખાયા છે....
0 comments
Leave comment