7.1 - હાયલા ! ગાંધીજીને પોલિટીકલ કરિયર હોય ? / સંવાદ / જ્વલંત છાયા


       રમેશ પારેખની એક અછાંદસ કવિતા છે એમાં કવિતાનું મુખ્ય પાત્ર ગાંધીજીના ફોટાવાળી ટપાલ ટિકિટ પોતાના થૂંક વડે કવર પર ચોંટાડે છે. ગાંધીજી એને પૂછે છે આમ શું કામ? ત્યારે આ પાત્ર કહે છે, ‘બાપુ તમે મને ઠપકો આપો છો પણ ટપાલ ખાતાવાળા તો તમારા મોઢા પર કાળા થપ્પા મારે છે એનું કાંઈ નહીં ?’ ત્યારે ગાંધીજીનો જવાબ છે, ‘દીકરા એ તો મારા પ્રિય દેશવાસીઓ મારું મોં કાળું કરવા સુધીની આઝાદી ભોગવી રહ્યા છે... વાસ્તવમાં ટપાલખાતું તો મારું બ્યુટીપાર્લર છે અને એ થપ્પા તો કાળાં કાળાં ચુંબનો છે, મારા દેશવાસીઓના....’ કંઈક આવી જ પ્રવૃત્તિ હમણાં હમણાં હિન્દી પત્રકારત્વમાં શરુ થઇ છે. પાનાંઓ ભરીભરીને લેખો છપાય છે. છાપાં કે મેગેઝીનને અડીએ તોય દાઝી જઈએ એવી ગરમાગરમ એ સ્ટોરી છે વિષય છે : ગાંધીજી, સ્ત્રીઓ અને બ્રહ્મચર્ય.

      મહાત્મા ગાંધી વિશે ઘણું લખાયું, બોલાયું કે ફિલ્માવાયું છે. હજી ઘણું શક્ય છે. તેમાંથી આ પત્રો-સામયિકોને આવો લોકભોગ્ય વિષય હાથ લાગી ગયો છે. સવાલ એ ઊઠે કે ગાંધીજીની વિરુદ્ધ ક્યારેય ન લખાય ? ગાંધીજીએ જે કર્યું એ બધું સાચું અને સારું જ હતું ? પરંતુ સ્વયં ગાંધીજીએ ક્યારેય એવું નથી કહ્યું કે હું કહું તેમ કરો. બ્રહ્મચર્ય અંગે ગાંધીજીની જે વિચારસરણી હતી તેનાથી સંખ્યાબંધ ગાંધીવાદીઓ, લેખકો, ચિંતકો આજેય અસંમત છે. ગાંધીજીના જીવનની કોઈ સૌથી સબળી બાજુ હોય તો એ છે કે એમનું જીવન હવા જેવું પારદર્શક હતું જે સંબંધોની વાત આજે આ સાપ્તાહિકો કરે છે એ બધી જ વાતો પોતાના પત્રોમાં કે હરિજનબંધુ જેવા સામાયિકમાં કે આત્મકથામાં ખુદ ગાંધીજી કરી ચૂક્યાં છે.

      ગિરિજાકુમાર નામના કોઈ લેખકનાં પુસ્તક ‘બ્રહ્મચર્ય ગાંધી એન્ડ હીઝ વુમન એસોસિયેટ્સ’ નો આખા પાનાનો રીવ્યુ એક હિન્દી સાપ્તાહિકે તાજેતરમાં છાપ્યો હતો અને એ મોટા લેખમાં જે વાતો છે તે મુજબ સરલાદેવી ચૌધરીની ગાંધીજીની ઘણી નિકટનાં મહિલા હતાં. બે વર્ષ તેની અને ગાંધીજી વચ્ચે પ્રેમ સંબંધ ચાલ્યો હતો. તેમના લેખ સમજાય એવા ન હોવા છતાં ગાંધીજી યંગ ઇન્ડિયામાં છાપતા. બામાં જે કંઈ ખૂટતું હતું તે બધું સરલાદેવીમાં હોવાથી બાપુ તેના તરફ આકર્ષાયા.. આવી કેટલીય બકવાસ લાગે તેવી વાતો આ આખા પાનાના લેખમાં છે.

      ગાંધીજીએ લખેલા પત્રોને દ્વિઅર્થી બનાવીને પછી ટ્વીસ્ટ કરી દેવાયા છે. તેમણે સરલાદેવીનાં એક પત્રમાં લખ્યું હતું, ‘હું ઘણો ખુશ છું કે બે દિવસ પછી તું મારી પાસે હોઈશ...’ આ વાક્યમાં ક્યાંય વિકારનો વય દેખાય છે ? એક પત્રમાં એમણે લખ્યું, ‘તારે માટે મારો પ્રેમ કોઈ મામૂલી વાત નથી, આ મારી જિંદગીની સૌથી ગહન ખુશીઓ પૈકી એક છે.’ કોઈ પુરુષ પરિણીત હોય એટલે સદભાવથી અન્ય કોઈ સ્ત્રીને આવું કહી ન શકે ?

      ગાંધીજી તેમના ભત્રીજાનાં પત્ની મનુબહેન સાથે બ્રહ્મચર્યની પરખ કરવા માટે નગ્ન થઈને સૂતા હતા એ વાત વર્ષોથી વિવાદાસ્પદ છે. તેનો પણ ઉલ્લેખ આ લેખ ઉપરાંત સિનિયર ઇન્ડિયા નામના એક સામયિકમાં છે. જેના જીવનની અનેક બાજુ છે, જેની જિંદગીના એક એક દિવસમાંથી આપણે એક એક જિંદગીનું ભાથું મેળવી શકીએ એમ છીએ, તેના જીવનનાં આવાં પાસાંઓને ઉજાગર કરવાની હોડ જાગી છે. અરે ત્યાં સુધી કે એક વાક્ય તો એવું છે કે સરલાદેવીનાં કારણે ગાંધીજીનું રાજનૈતિક જીવન ખતરામાં મુકાઈ ગયું હતું !!!

      હાયલા !! ગાંધીજીને રાજકીય કારકિર્દી, પોલિટીકલ કેરિયર હોઈ શકે ? કારકિર્દી જેવી કોઈ બાબત તેમના જીવનમાં ક્યાં હતી ? ગાંધીજી રાજકીય નહીં રાષ્ટ્રીય વ્યક્તિ હતા. કોઈ વિદ્યાર્થી સંગઠનનાં પ્રમુખમાંથી કોઈ પક્ષનાં સંગઠનમાં ગયા હતા ? તેણે ધારાસભા લડવી હતી ? ૧૫ મી ઓગસ્ટે લાલ કિલ્લા પર પંડિતજીએ ધ્વજ ફરકાવ્યો એ ફરકાવતાં ગાંધીજીને કોણ રોકતું હતું ? અરે વડાપ્રધાન બનવાનું તો દૂર જ્યારે રાષ્ટ્ર આખું આઝાદીની ઉજવણી કરતુ હતું ત્યારે એ મહામાનવ નોઆખલીની શેરીઓમાં ખુલ્લી છાતીએ ફરતા હતા, તોફાનો અટકાવવા. રાજકીય કારકિર્દી જેવો શબ્દ ગાંધીજીના મનમાં ક્યારેય ઊગ્યો પણ નહીં હોય !

      ગાંધીજી સ્ત્રીઓ અને બ્રહ્મચર્ય જેવો સંવેદનશીલ વિષય કોને ન ગમે ? ગાંધીજી અને તેમના પુત્રના સંબંધોને કેન્દ્ર બનાવીને નાટકોય ભજવાયા છે ને ગુજરાતીઓએ એય હોંશે જોયા છે. સ્ત્રીઓ વિશે ગાંધીજીનો મત જો કે સ્પષ્ટ હતો. એ કહેતા, ‘જો હું સ્ત્રી હોત તો જરૂર સ્ત્રીને પોતાનું રમકડું માનનાર પુરુષની સામે બંડ કરત અને આજે હું મનથી તો સ્ત્રી બની ગયો છું. સ્ત્રીના હૃદયમાં પેસવાને માટે સ્ત્રી બન્યો છું. મારી સ્ત્રીનું હૃદય પણ જ્યાં સુધી હું એને ભોગનું સાધન માનતો હતો ત્યાં સુધી નહોતો ચોરી શક્યો. પણ જ્યારે મેં એને માતાનું સ્થાન આપ્યું અને પતિ તરીકેના બધા હક છોડી તેને તેના સર્વહક્ક સ્વાધીન કર્યા ત્યારે તે સ્વતંત્ર થઈને આજે મહાલે છે.’ પુરુષમાં શું કે સ્ત્રીમાં શું લાચારીમાંથી ઊપજતી નીતિમત્તાની ઝાઝી કિંમત નથી. ખરી નીતિનો પાયો આપણા અંતરની શુદ્ધતામાં રહેલો છે.....

      આ હતાં સ્ત્રીઓ વિશે ગાંધીજીના વિચારો પરંતું આપણને અસહયોગ કે ખાદી કે દાંડીકૂચને બદલે ગાંધીજી બે છોકરીનો ટેકો લઈને ફરતા હતા તે તસવીરમાં જ વધુ રસ છે. ગાંધીજી શું છે ? જર્મનીમાં સ્ટુટગાર્ડ શહેરનાં બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ ૧૯૯૭માં મહાત્મા ગાંધી આપવામાં આવ્યું. ન્યુયોર્કમાં સ્વતંત્રતા દેવીનાં પુતળા પાસે લખાયેલા વાક્યમાં એક કવોટેશન ગાંધીબાપુનું છે. ૨૭ વર્ષ કારમી યાતના સાથે જેલ ભોગવનાર નેલ્સન મંડેલાનું પ્રેરકબળ ગાંધી હતાં. લંડનમાં ગાંધીજીની પ્રતિમાં છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું પ્રસિદ્ધ વાક્ય... ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ એ માની શકશે કે આવો કોઈ માંસ અને રક્તનો બનેલો માણસ આ પૃથ્વી પર ચાલ્યો હશે.’

      એક તરફ વિશ્વ છે જે ગાંધીજીની સ્તુતિ આજે પણ કરે છે. બીજી તરફ આપણે ત્યાં આ નબીરાઓ જે ગાંધીજી જેવી અસીમ ઉત્તુંગ પ્રતિભાનાં ચહેરા પર કાદવ ઉછાળી રહ્યા છે. અરે, આપણે એની વકીલાત નથી કરતાં. કદાચ જે કંઈ છપાયું છે તે તથ્યવાળું છે એમ માનીએ તોય જો ગાંધીજીને તેની સાથે સુવાવાળાને કે કસ્તુરબાને એ બાબતે વાંધો ન હોય તો ચોથા કોઈને વાંધો ત્યાં ઊભો રહી જ ન શકે. ગાંધીજીનું દેશને જે પ્રદાન છે તે મૂલ્યવાન છે કે તેમણે પોતે પણ કબૂલેલા આ પ્રયોગો ? ચુસ્ત બ્રહ્મચારી દાઉદ ઇબ્રાહિમ હોય તો ચાલે, સ્ત્રીને પત્રો લખનાર ગાંધીજી બદનામ થાય એમ ? ગાંધીજીની વિરુદ્ધ આટલું લખાય છે, છપાય છે. ગુજરાત ચૂપ છે. એકેય નિવેદન પણ નથી. ગુજરાત કોંગ્રેસ એક આંદોલનમાં વ્યસ્ત છે. ધારાસભ્ય પરેશ ધાનાણી સાથે થયેલાં ગેરવર્તનના વિરોધનાં આંદોલનમાં વ્યસ્ત છે. સમય મળ્યે ગાંધીજી વિશેના આ લેખોની હોળી કોંગ્રેસ કરે પણ ખરી ! અને છેલ્લે ઓવર ટુ રમેશ પારેખ. પેલ્લી અછાંદસ કવિતા : બાપુ તમે હસો છો, બાપુએ કહ્યું હા હસી નાખવું કલેશનો જ્યારે કોઈ ઉકેલ ન જડે ને ત્યારે બસ હસી નાખવું.


0 comments


Leave comment