16 - શા માટે ? / ગૌરાંગ ઠાકર


તું એક વખત સઘળું લઈ લે, આ દર્દ હજારો શા માટે,
આ પાન વગરનાં વૃક્ષો પર, આ દાળનો ભારો શા માટે ?

હું શ્વાસ લઉં તારી જોડે, બીજે તો બધે બસ હાંફું છું,
આ ફૂલ બગીચામાં ખુશ છું, અત્તરથી પનારો શા માટે ?

અવતાર મળ્યો છે ઝરણાંનો સંભાળ હવે પર્વત લેશે,
તું મસ્ત રહે બસ વહેવામાં, પથ્થરમાં ઉતારો શા માટે ?

આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કૈં લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

સૌ શ્વાસ લખાવી આવ્યા છે, બે-ચાર વધારે કે ઓછા,
પળવાર રહે ઝાકળ ફૂલે, ઉપવનનો ઈજારો શા માટે ?

વિશ્વાસ ગયો માણસમાંથી શ્રદ્ધાય ખૂટી ગઈ ઈશ્વરમાં,
અખબાર મળે લોહી છાંટી, એવી જ સવારો શા માટે ?

તું જાય મળી મુજને પ્રીતમ, મંજૂર નથી એ કારણથી,
*જે શોધમાં ગૂમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે ?

(* તરહી પંક્તિ)


0 comments


Leave comment