21 - કરે છે / ગૌરાંગ ઠાકર


ખુશ્બૂ જુઓને ફૂલ વિશે વાત કરે છે,
જાણે કે કવિતાની રજૂઆત કરે છે.

મારું અને તારું હવે સહિયારું થવાનું,
લે આપણામાં પ્રેમ કબૂલાત કરે છે.

આકાશ પછી મેઘધનુષ દોરવા બેસે,
વરસાદ જ્યાં તડકાથી મુલાકાત કરે છે.

આ ખીણ, પવન, વૃક્ષ અને સૂર્યનો તડકો...
ભેગાં મળીને પહાડની પંચાત કરે છે.

ઝાઝું ન ટકે સાંજનું સૌંદર્ય કદી, દોસ્ત,
આ સૂર્ય ઝડપભેર અહીં રાત કરે છે.


0 comments


Leave comment