43 - સંતવાણીનું શોધન-સંશોધન / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      મધ્યકાળના ગુજરાતી સંત-ભક્ત ભજનિકોની ભજનવાણીનું સંકલન, સંશોધન અને સંપાદન કરવા બેસનાર સંશોધક સામે કેટલી સમસ્યાઓ ખડી થઇ જાય છે તેનો તો આ ક્ષેત્રમાં ઝંપલાવનારને જ ખ્યાલ આવે. ભજન એ એવો સાહિત્ય પ્રકાર છે કે જે કંઠોપકંઠ મૌખિક પરંપરાથી લોકસમાજમાં સચવાતો રહ્યો છે અને એટલે તો કોઈ નિશ્ચિત બંધનો વિના એની માલિકી સમગ્ર લોકસમાજની થઇ ગઈ છે. જયારે કોઈપણ વસ્તુ સાર્વજનિક બની જાય ત્યારે એ કોઈ વ્યક્તિગત માલિકીની ન રહે અને એની સંભાળ લેવાયાને બદલે તેનો દુરુપયોગ થવા લાગે એવું પણ ઘણીવાર બને છે.

      આજે આપણને ભજનિક સંતકવિઓની વાણીમાં અનેકવિધ રૂપે પરિવર્તનો થયેલાં જોવા મળે છે. કેટલાંયે ભજનોમાં મૂળ સર્જકને બાજુ પર રાખી દઈ નવા નવા નામાચરણો મળતાં રહે છે. ક્યાંક એક ભજનની કડીને જુદા જુદા ભજનોમાં સાંકળી લેવામાં આવી હોય એવું પણ બન્યું છે, તો કેટલીકવાર પંક્તિઓમાં કશો અર્થ ન સાંપડે એવી વિકૃત શબ્દરચનાઓ પણ ભજનોમાં ઘૂસી ગઈ છે, એમાં કંઠોપકંઠ સચવાઈ આવેલા આ ભક્તિધનમાં ભજનિકોએ, ભજનમંડળીઓએ, સામાન્ય લોકસમાજે, સંપાદકોએ અને પ્રકાશકોએ પોતાને મન ફાવે તેમ પાર વિનાના જાતજાતના ફેરફારો કર્યે રાખ્યા છે, આજે પણ એ વૃતિ ચાલુ જ છે. આમે ભજનને લોકસાહિત્યનું એક અંગ માનવામાં આવે છે ને ! ને લોકસાહિત્યનો તો એ સ્વભાવ.... સદાયે જીવંત પ્રક્રિયા... એમાં ફેરફારો થતા જ રહે. નદીના ખળખળ વહેતા નીરની માફક નિત્યનૂતન દર્શન એમાં હોય, બંધિયારપણાનો દૂષિત સ્પર્શ ન હોય.. પણ, ભજનોમાં આ જાતની ગેરવ્યાજબી છૂટ કેટલે અંશે લઇ શકાય ? એમાં મનગમતા ફેરફારો કરવાની વૃત્તિ કેટલે અંશે ક્ષમ્ય ગણાય ? એ પ્રશ્ન ઊઠે છે.

      આજે આપણને ભજનિક સંતોની વાણીમાં અનેકવિધ અસંગતિઓનો ખ્યાલ આવે છે. એની ભાષા પર જુદા જુદા લોકસમુદાયની બોલીઓને અને ભાષાઓનો પ્રભાવ પડ્યો છે, શબ્દ પ્રયોગો બદલાયા છે, અર્થચ્છાયાઓ ક્યારેક સંકોચાઈ તો ક્યારેક વિસ્તરી છે એટલે મૂળ કૃતિ અસલ સ્વરૂપે કેવી હશે એ પ્રમાણિત કરવાનું ઘણું અઘરું બની ગયું છે.

      કોઈપણ કવિની કૃતિનું અધ્યયન કરવું હોય ત્યારે એમની પોતાની મૂળ રચના- કે જેમાં કશાયે ફેરફારો ન થયા હોય એ મેળવવી અત્યંત જરૂરી બની જાય છે, પણ એ માટે કાં તો કૃતિના રચયિતાના જ હાથે લખાયેલી પરત સાંપડવી જોઈએ. કાં તો સમકાલીન લહિયાએ રચયિતાને મોઢે સાંભળીને તૈયાર કરેલી પ્રત હોય તો એમાં ઓછી અશુદ્ધિ હોય. આવી શોધખોળ કરાવી એ કપરું કામ છે. આજે તો ટેબલ પર બેસીને તૈયાર કોઈકના સંપાદનમાંથી કૃતિ પસંદ કરી આધુનિક વિવેચન પ્રણાલી મુજબ તેના ભાવપક્ષ-કલાપક્ષ એવા ખોખાં પાડી અગડંબગડં વિવેચન લખી નખાય. પછી ખરેખર તો એ કૃતિ ભલે ને કોઈ જુદા જ સર્જકની હોય, અર્થ ભલેને સાવ જુદો જ કે ઉંધો જ કાઢ્યો હોય પણ પોતે સિદ્ધહસ્ત વિવેચક છે, ગુજરાતીનાં કોઈપણ સાહિત્યપ્રકાર પર પોતે વિવેચન કરી શકે છે એટલું જ દેખાડવાનું વલણ જ્યાં ત્યાં જોવા મળે છે. જુદા જુદા પાઠાંતરો મેળવી, જુદી જુદી હસ્તપ્રતો અને ભજન સંપાદન આપતી પ્રકાશિત સામગ્રી તપાસી, લોકભજનિકો પાસેથી વધુ ને વધુ ભજનો સાંભળી તેના શબ્દાવલી, લય, ભાવ, સંગીત, અર્થ, ઢાળ, તાલ, રાગ અને પરંપરા જાણી પછી જ અધિકારપૂર્વક લખી શકાય એવું આ ક્ષેત્ર છે. પણ એવું વલણ જો સંપાદકો, પ્રકાશકો અને વિવેચકોએ રાખ્યું હોત તો ભજન ક્ષેત્ર પ્રવર્તતી અરાજકતા કંઇક અંશે ઓછી થઇ શકી હોત.

      ભજનોના સંપાદનક્ષેત્રે વ્યાપી રહેલી અરાજકતા વિશે શ્રી મકરન્દભાઈએ પોતાની વેદના ઠાલવતા લખ્યું છે. ‘કોઈ ભગ્ન ને અપૂજ દેવાલયની જેમ ઘણાંય ભજનો જીર્ણોધ્વારની રાહ જોતાં પડ્યા છે. પાઠભેદ, ખૂટતી કડીઓ, મેળ વિનાની દુર્બોધ પંક્તિઓ અને અશુદ્ધ શબ્દપ્રયોગોથી બહુ ઓછાં ભજનો બચી શક્યા છે, છેવટે નામાચરણમાં તો ગોટાળાનો પાર નથી. એકનું ભજન બીજાને નામે ચડી ગયું હોય એવા દાખલા ગોતવા ન પડે... કમ સે કમ કવિતાના ઊંચાં શિખરો સર કરતાં ભજનોને અભ્યાસીઓએ નીમેલી ધૂળ ખંખેરી, ખૂટતાં ચોસલાં ગોતી-ગોઠવી અસલ સ્વરૂપે બતાવી આપવા જોઈએ.’ [મકરન્દ દવે, ‘ઊર્મિ નવરચના.’ જુલાઈ ૧૯૮૦, પૃ.૨૨૦, મોરલો મરત લોકમાં આવ્યો.’]

      મકરન્દભાઈની આ વેદનાનો ઉકેલ હાથવેતમાં નથી, કારણ કે ભજનસાહિત્યનું સંશોધન-સંમાર્જન-અધ્યયન-સંપાદન કરનારા અભ્યાસીઓ ક્યાં છે આપણી પાસે ? ભજનમંડળીઓ-ભજન ગાયકો અને સમાજનાં નીચલા થરના ગણાતા લોકસમુદાય સાથે આત્મીયતા કેળવી એમના હૈયાના તળિયે સચવાયેલું સાહિત્ય જનનપૂર્વક બહાર કઢાવી શકે એવું સામર્થ્ય ક્યાંથી કાઢવું ?

      આજ સુધીમાં જે ભજનસંપાદનો પ્રકાશિત થયા છે તેમાં ઘણીવાર તો અક્ષમ્ય કહી શકાય એવી ભૂલોનું પુનરાવર્તન થતું રહ્યું છે. બે સમાન ભાવવિશ્વ ધરાવનારા સંત-કવિયઓની રચનાઓ એકબીજાને નામે ચડી જાય એ તો માણી શકાય પણ ભાવ, ભાષા, અભિવ્યક્તિ અને પરંપરા સાવ નોખી હોય તે રચનાઓમાં સેળભેળ થઇ જાય, ક્યારેક જાણીબૂઝીને અમુક સંતકવિની રચનાસંખ્યા વધારી આપવાનો સંશોધક તરીકેનો યશ મળે એ માટે હેતુપૂર્વક પ્રમાણભૂત સંશોધનનો બિલ્લો પોતાની જાતે જ લગાડવામાં આવે એ ક્યાંનો ન્યાય ?

      માત્ર મીરાં કે નરસિંહ નો જ દાખલો લો ને ? મીરાંનાં ગુજરાતી પદોની સંખ્યા વિશે વિદ્વાનો પણ વિચારતાં થઇ ગયા છે કે આટલા બધાં પદો શું ખરેખર મીરાંએ જ રચ્યા હશે ? અસલ કાઠિયાવાડી-તળપદી બોલીમાં લોકવાણીમાં થયેલા સર્જનને કાઠિયાવાડને દાસી જીવણ જેવા અનેક સંત કવિઓની ભજનવાણીને અને અર્વાચીન કવિઓની રચનાઓને પણ જુદા જુદા વિદ્વાન સંપાદકો દ્વારા ‘મીરાંની વાણી’ તરીકે ઓળખવાનો લ્હાવો મળી ગયો છે. ભારે ભાગ્યશાળી હશે એ ભજનો. પચાસથીયે વધુ ભજનસંગ્રહોમાં દાસી જીવણને નામે ભજન મળતું હોય પણ સંપાદકને હાથ ચડ્યું એટલે મીરાનું બની ગયું એ ચમત્કાર જ કહેવાયને.

      અને ત્યાં સુધી તો ઠીક... પણ જ્યારે તેના પર આસ્વાદલેખો લખાય, ભાવ, ભાષા, અભિવ્યક્તિ, લાક્ષણિક, શબ્દપ્રયોગો, લય, સંગીત વગેરે જુદા જુદાં અંગો વિશે મનફાવે એવા વિધાનો કરી મૂળ સર્જકને બાજુ પર હડસેલી પોતાની તમામ વિદ્યા-તમામ આવડત-તમામ બુદ્ધિ બતાવવાનું લક્ષ્ય સિદ્ધ કરી લેવાયું હોય ત્યારે તો આપણો આત્મા કકળી ઊઠે.

      એક તરતથી ભજન એ લોકસાહિત્યનો પ્રકાર નથી જ... એવો જોરદાર પડકાર કર્યા પછી ‘ગુજરાતી લોકસાહિત્યમાળા’નાં મણકાઓમાં એ જ સંશોધક-સંપાદક વિદ્વાન નામાચરણ સહિતનાં ભજનો લોકગીતો તરીકે ધબેડી ડે આવું આવું ખૂબ ચાલ્યું છે. ‘દાસી જીવણ જીવન અને કવન’ વિષયે સંશોધનકાર્ય કરતો હતો ત્યારે આવી પાર વિનાની હકીકતો સાંપડેલી – જે મહાનિબંધમાં પણ યોગ્ય સ્થાને મૂકાઈ છે. એમાંના બે-ચાર નમૂના દેખાડું ?

      દાસી જીવણનું એક અત્યંત લોકપ્રિય ઉપદેશાત્મક ભજન ‘જાવું એક દાડે તારે જાવું એક દાડે... આ મોંઘો મનખો મેલીને તારે જાવું એક દાડે....’ શ્રી ભૂપેન્દ્ર ત્રિવેદી સંપાદિત ‘મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો’ પુસ્તકમાં મીરાંને નામે સંપાદિત થયું છે. એ જ પુસ્તકમાં દાસી જીવણનું એક અન્ય ભજન ‘બાઈ મારા શામળિયાના સમાચાર હવે હું કોને રે પૂછું.’ જે અનેક ભજન સંગ્રહોમાં તથા હસ્તપ્રતોમાં દાસી જીવણની કૃતિ તરીકે સંઘરાયું છે, તે મીરાંની રચના બની ગયું.

      શ્રી મેઘાણીભાઈએ જેને ‘લોક ગમ્ય’ અને અનંતરાય રાવળે જેને ‘રૂપકગર્ભ’ પદ તરીકે ઓળખાવ્યું છે એવું દાસી જીવણનું ‘મારી વાડીના ભમરલા વાડી વેડીશ માં...’ ભજન શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા સંપાદિત ‘મીરાંબાઈનાં ભજનો’ પુસ્તકમાં મીરાંને નામે અને ‘ગુજરાતી લોકસાહિત્યમાળાનાં મણકા ત્રીજા’માં ‘પઢારનાં લોક ગીત’ તરીકે પુષ્કર ચંદરવાકરે સંપાદિત કર્યું એ પછી ‘ધંધુકા તાલુકાનાં લોકગીત’ તરીકે કુમારી જસુમતી નાનાલાલે મણકા આઠમામાં પણ લીધું છે, એ જ ભજન શ્રી. સૌ. શાંતિ બરફીવાળાએ ‘રાસકુંજ’ પુસ્તકમાં દાસી જીવણનાં નામાચરણ સાથે રાસ તરીકે સંપાદિત કર્યું છે.

      અરે ! કતપરની ખારવણો પાસેથી શ્રી મેઘાણીભાઈએ સાંભળેલું ‘એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ રે જી...’ ભજન નામાચરણમાં ‘મીણાબાઈ ભજે એર ગીરધરલાલને રે જી... દેજો અમને સાધુ ચરણમાં વાસ રે...’ એમ મીરાંનું કર્તુત્વ સૂચવે છે. (સોરઠને તીરે તીરે, પૃષ્ઠ. ૧૬૯] ક્યાં ‘ઘાયલકી ગત ઘાયલ જાણે....’ એવા દર્દે પિડાતી પ્રેમદિવાની જનમજોગણની તીવ્ર મનોવ્યથા વ્યક્ત કરતી, દર્દમધુર ઊર્મિભરપૂર લાલિત્યસભર પદરચના અને ક્યાં...
‘ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી
એ જી ઘડીમાં ઈ વાટુંનાં વેરાગી બની જાય,
એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ....’
અને
‘ઘડીકમાં ગુરુ ને ઘડીક ચેલકા રે જી,
એ જી ઘડીમાં પીર રે થઈને પૂજાય,
એવાં દોરંગા ભેળાં રે નવ બેસીએ...’

      એમ સંપૂર્ણપણે કાઠિયાવાડી તળપદી લોકબોલીમાં ઉપદેશાત્મક વાણીરૂપે પોતાના મનોભાવો વ્યક્ત કરતાં સાચુકલા દિલના સંતની અનુભવવાણી ?

      પણ લોકોને ભજનિકોને ક્યાં પડી છે ? એને તો બસ ગાવું છે. જે પોતાના હૈયામાં સદાયે રમતું રહે, મનધાર્યું હોઠે આવી જાય, પોતાના કંઠે ચડી જાય, પછી જાય, જચી જાય ને ગમી જાય... પછી ભજન ગમે તેવું હોય તેની પરવા નહીં, નામાચરણ બીજાનું આવી જાય તો પણ કશો બાધ નહીં, બસ ભાવમાં મસ્ત બની શકાય તોયે ઘણું... અને એ બેદરકારી કહીએ તો બેદરકારી અને પૂજ્યભાવ કહીએ તો પૂજ્યભાવે ભજનવાણીની આ દશા થતી આવી છે.

      આમ કોઈપણ ભજનકૃતિ વિશે – જે કંઠોપકંઠ સચવાતી આવી છે તેના કર્તુત્વ વિશે નિર્ણયાત્મક પ્રમાણભૂત કહી શકાય એવો અભિપ્રાય આપી દેવો એવું વલણ હરગિજ ક્ષમ્ય નથી.


0 comments


Leave comment