1 - તથાપિ / પૂરુ અને પૌષ્ટી / વીરુ પુરોહિત
અભિજ્ઞ હતો કે નાટ્યલેખન સૌથી વિશેષ કઠિન સર્જનકર્મ છે. તથાપિ અનાયાસ જ નાટ્યલેખન પ્રતિ હું પ્રેરાયો ! પરિપાકરૂપે પ્રાપ્ત થયું ‘પૂરુ અને પૌષ્ટી’, જે અનેક મુકામો કરી આજે ગ્રંથસ્થ થાય છે, જેનો વિશેષ આનંદ મને છે. ઈ.સ. ૧૯૬૮ થી કાવ્યસર્જનની યાત્રા શરુ થઈ, જે આજ પર્યંત ગીત-ગઝલનાં સ્વરૂપમાં અવિરત પ્રદાન કરે છે જ ! પછી કદાચ, મારામાં રહેલા સર્જકને થયું હોય કે કોઈ બીજાં સ્વરૂપો નાણી જોઉ, તેથી વાર્તાસર્જનની જેમ નાટ્યસર્જન કરવા પ્રેરાયો હોઉં, એમ બને !
પ્રસ્તુત નાટકનું કથાબીજ ‘મહાભારત’ના આદિપર્વના અધ્યાય ૭૭ થી ૮૫ તથા ‘મત્સ્યપુરાણ’ના અધ્યાય ૨૪ થી ૩૬ માં આવતા યયાતિનાં કથાનકમાં છે. યયાતિના આ કથાનક પર આ પૂર્વે ગુજરાતીમાં અને વિવિધ ભારતીય ભાષાઓમાં અનેક રચનાઓ થઈ ચૂકી છે; કિન્તુ કેવલ એટલા પરથી જ કોઈ એને ચર્વિતર્વણા કે કેવલ ‘પૌરાણિક નાટક’ માનવા ન પ્રેરાય એ હેતુથી, અહીં પ્રારંભે જ, કેટલીક નિખાલસ સ્પષ્ટતા કરવાનું ઇષ્ટ માનું છું !
‘પૂરુ અને પૌષ્ટી’નાં સર્જન સમયે તથા તે પૂર્વે પણ કંઈ કેટલાય કાલ પર્યંત ‘પૂરુ’એ મારી ચેતના પર કબજો જમાવી દીધો હતો. તેથી મારા મનમાં સ્પષ્ટ જ હતું કે હું આ નાટક ‘પૂરુ’નું સર્જી રહ્યો છું. યયાતિનું નહીં ! આથી જ રંગમંચ પર પ્રારંભ પૂરુથી થયો અને અંતમાં પણ મહારાજા પૂરુ જ રાજમાતા પૌષ્ટી સમેત ઉપસ્થિત રહ્યાં ! વળી સમગ્ર નાટ્યમાં પણ પ્રત્યક્ષ વા પરોક્ષ, કેન્દ્રમાં તો પૂરુ જ રહે છે, અને કંઈક વિશેષ રીતે, સર્વ બાબતોમાં, મારો પક્ષપાત પૂરુ પ્રતિ રહ્યો જ છે, આ વિદ્વાનોને પણ પ્રતીત થશે ! તજજ્ઞોને એ પણ પ્રતીત થશે કે મારો પૂરુ, પુરાણનો આજ્ઞાંકિત પૂરુ નથી તથા પૌષ્ટી મારું સર્જેલું પાત્ર છે, પુરાણનું નહીં !
કથાબીજ પૌરાણિક હોવાથી અહીં વાતાવરણ તે કાળનું જ રાખવા નિર્ધાર-પ્રયત્ન કર્યો છે, તેમ કરવા જતાં પાત્રો, સંવાદો, સંવાદકલા, ભાષા ઇત્યાદિ પૌરાણિકભૂમિનાં જ જન્મ્યાં છે. માર મન ‘પૂરુ અને પૌષ્ટી’ ભાષાનાટ્ય છે. ભાવકો અને એ પરિપ્રેક્ષ્યમાં પણ માણે અને એનાં ભાષાકર્મને પ્રમાણે એવું અભિપ્રેત છે. તથાપિ, પાત્રોનાં મનોભાવો તથા નાટકનું ફલિત સંપૂર્ણત: પૌરાણિક નથી ! મારે પ્રસ્તુત નાટકને આધારે પ્રકટ કરવો છે તે તો સાંપ્રત અથવા સર્વકાલીન માનવ જ છે ! પૂરુમાં પ્રગટવા ક્રોધ, વેરભાવના, કપટ, અસૂયા ઇત્યાદિ માનવસહજ ભાવો એક બાજુ અને પ્રેમ, કરુણા, મમતા, તિતિક્ષા ઇત્યાદિ ઉદાત્ત ભાવો બીજી બાજુ વિકસ્યા છે. અત: તે પૂર્ણત: માનવ બની રહ્યો છે ! તો પૌષ્ટી તો મેં જ ઉપજાવેલું પાત્ર છે, તેથી તેનાં ઘડતરમાં મને વિશેષ મોકળાશ રહી છે. પૌષ્ટીમાં એક પાસ પૌરાણિક સ્ત્રીની વિશિષ્ટ પ્રતિભા તો બીજી પાસ આધુનિક સ્ત્રીની સ્વાતંત્ર્ય પ્રાપ્તિની મથામણનો સુભગ સમન્વય, અનાયાસ જ, સધાયો અનુભવાશે ! આ ઉપરાંત, દેવયાની તથા શર્મિષ્ઠાનાં પાત્રાલેખનમાં પણ વિશેષ કાળજી લેવી પડી છે. દેવયાનીમાં રહેલા વિવિધ વ્યક્તિત્વને પ્રકટ કરવાનું કપરું કાર્ય મેં, ભલે કદાચ અલ્પાંશે પણ સિદ્ધ કર્યું છે. એ મૂલત: તો આશ્રમવાસી વિદુષી; કિન્તુ કિશોરાવસ્થાના મુગ્ધકાલમાં પ્રણયવિફલતાથી (કચ-દેવયાની પ્રસંગથી) જ તેનામાં જન્મેલું ખલત્વ, આ નાટ્યમાં ઠેર ઠેર સ્ફૂટ થતું જોવા મળશે જ ! શર્મિષ્ઠામાં મેં પ્રસંગ-પરિસ્થિતિમાં હંમેશાં વચ્ચે જ રહેતી, બંને બાજુથી સતત ભીંસ અનુભવતી, સહનશીલતાથી સાક્ષાત્ મૂર્તિ સમી અને ત્યાગભાવનાથી ભરી-ભરી, આદર્શ હિંદુ નારીનાં દર્શન કર્યાં-કરાવ્યાં છે. એ સ્વયં કહે છે : ‘હું તો મધ્યમાં છું !’ (દ્વિતીય અંક / પ્રથમ દૃશ્ય) અને આ મધ્યમાં રહેવાનું તાણ એ સતત અનુભવે છે.
યયાતિની કામાંધતા નિરુપવાનું અને એ દ્વારા અતિજાતીયતાનો પ્રશ્ન છેડવાનું મારે સારું લેશ પણ પ્રયોજન નથી ! કિન્તુ મૂળકથાનકમાં જ યયાતિની શાપિત વૃદ્ધાવસ્થા અને પૂરુની યુવાવસ્થાનાં આડાના-પ્રદાનની ઘટના કેન્દ્રસ્થ છે, તેથી અહીં પણ એ ઘટનાને કેન્દ્રમાં રાખવી પડી છે. પરંતુ મારે એ દ્વારા અને સમગ્ર નાટ્યકૃતિ દ્વારા જે તાત્પર્ય પ્રગટ કરવો છે તે તો એ જ કે : સર્વ અનિષ્ટોનું મૂળ છે – સત્તા ! આ સત્તા સાથે જ્યારે અતિવ્યોમોહ શબલિત થાય છે ત્યારે મહાઅનર્થો અને મહાઅનિષ્ટો સર્જાય છે. ‘સત્તા’ને હું વિશાલ પરિપ્રેક્ષ્યમાં નિહાળું છું. અને સર્વસમસ્યાઓનું મૂળ અને આ વિશાળપરિધિમાં વ્યાપ્ત ‘સત્તા’ અને વ્યામોહનાં સંયોજનમાં જણાયું છે, મને સમાધાન પણ પ્રાપ્ત થયું છે; કિન્તુ એ અર્થે તો નાટ્યકૃતિમાંથી પસાર થવાનું આપ સહુના પર છોડું છું.
નાટ્યસર્જનનો આ મારો પ્રથમ ઉત્સવ છે. પ્રથમ દૃષ્ટિની રચના બાદ ૧૯૯૪ની હોળીની રાત્રીએ જૂનાગઢનાં નાટ્યપ્રેમી અને સાહિત્યપ્રેમી મિત્રો વચ્ચે પઠન કર્યું, ત્યારથી માંડીને ‘કેન્દ્રીય સંગીત નૃત્ય-નાટ્ય અકાદમી, દિલ્હી’ દ્વારા આયોજિત ‘નાટ્યસર્જન શિબિર’માં વડોદરા મુકામે ૧૯૯૬માં તજજ્ઞો સમક્ષ પૂરાં નાટકનું પઠન કર્યું અને નાટક પસંદગી પામ્યું, ત્યાં સુધી ખાસો સમય હું પૂરુમય રહ્યો. પુન: માનનીય શ્રી માર્કંડ ભટ્ટનાં સૂચનો અને માર્ગદર્શન તેમજ હૂંફ સાથે નાટકનો ઉત્તરાર્ધ રચાયો. એમ બીજા એક વર્ષ પર્યંત પૂરુ મારામાં શ્વસતો રહ્યો. અંતે, વડોદરાની ‘ત્રિવેણી’ સંસ્થા દ્વારા ૨૯ માર્ચ ૧૯૯૮ ની રાત્રે ‘૩૭માં વિશ્વરંગભૂમિ દિને’ શ્રી પી.એસ.ચારીનાં દિગ્દર્શનમાં ‘મહાત્માગાંધી નાટ્યગૃહ’ના રંગમંચ પર આખું નાટક ભજવાયું. આમ લગભગ ચાર વર્ષ નાટ્યયાત્રા ચાલુ રહી.
મારી આ નાટ્યયાત્રામાં ઉમળકાભેર સહભાગી થવા માટે હું પ્રા.નિષ્ઠા દેસાઈ, પ્રા. જયકર ધોળકિયા, પ્રા.બિમલ વ્યાસ અને શ્રી કિશોરસિંહ જાડેજાનો આભારી છું. ડૉ.ભારતી જેઠવાએ નાટ્યઅર્જનની મારી આ યાત્રા દરમ્યાન અંગત રસ લઇ હૂંફ આપ્યા બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું . મારી વિનંતી માન્ય રાખી પ્રસ્તાવના લખી આપવાનું સ્વીકારી મને માનનીય શ્રી ચિનુ મોદીએ ઉપકૃત કર્યો છે. અન્ય રીતે આ પ્રકાશનમાં સહયોગ આપવા માટે પ્રિય ભરત નાયક અને ગીતા નાયકનો આભારી છું.
‘અસાઈત સાહિત્યસભા’ એ આ નાટકનું પ્રકાશનકાર્ય પોતાના ખભે ઊંચકી અને નિરાંત કરી આપી તે બદલ ‘અસાઈત સાહિત્યસભા’, શ્રી વિનાયક રાવલ તથા અન્ય વડીલમિત્રોનો અત્યંત ઋણી છું.
વીરુ પુરોહિત
જૂનાગઢ
વસંતપંચમી – ૨૦૫૬
૧૦.૦૨.૨૦૦૦
0 comments
Leave comment