2.1 - અંક : પ્રથમ - દૃશ્ય : પ્રથમ / પૂરુ અને પૌષ્ટી / વીરુ પુરોહિત


સ્થળ : અરણ્યમાંહેની પર્ણકુટી
અંક :પ્રથમ
દૃશ્ય : પ્રથમ
સમય : દિવસનો દ્વિતીય પ્રહર

(રંગમંચ પર રમણીય અરણ્યની વચ્ચે સ્થિત નાની છતાં સુંદર પર્ણકુટિ દૃશ્યમાન છે. ઝરણાંના કલકલ નાદ, કોકિલ-શુક આદિ પક્ષીગણના રવ તથા મયૂરકેકાથી વાતાવરણ પ્રફુલ્લ છે. પર્ણકુટિની આસપાસ વનવેલીના મંડપથી, લટકતી પુષ્પસેરોથી તેની શોભા રમણીય જણાય છે.)

(પૂરુ, દેવયાનીને દોરતો પ્રવેશે છે. દેવયાનીની પાછળ બે દાસીઓ પણ પ્રવેશે છે.)

પૂરુ : માતા, સામે જે નાની શી પર્ણકુટિ છે, તે જ અમારું નિવાસ-સ્થાન છે!
દેવયાની : વારુ, તેં તો કુમાર અમને અતિ શ્રમ આપ્યો ! અહીં જ સમીપે છે મારો નિવાસ એમ કહી એકાદ કોશ અમને ચલાવ્યા !
પૂરુ : તો એનું ફળ પણ આપને અવશ્ય મળશે જ !
દેવયાની : પહેલાં તારા હાથમાં રહેલું આ આમ્રફળ તો અમને આપ !

પૂરુ: ક્ષમા કરજો માતા, એ ફળ પર તો માત્ર મારો જ અધિકાર છે !
દેવયાની : પણ તે જ પ્રસ્તાવ મૂકયો હતો કે તારા નિવાસે પહોંચી તું આ આમ્રફળ અમને આપીશ.
પૂરુ : એ ખરું, પરંતુ મારી માતા ન્યાય કરી ઠરાવે કે આ ફળ મારે આપને આપવું, તો જ !
દેવયાની : અરે વાહ ! આટલું ચલાવ્યા પછી આ નવો ખેલ !
(બન્ને ખડખડાટ હસે છે.)

પૂરુ : એ તો મારે આપને મારા નિવાસ સ્થાને લઈ આવવા હતા તેથી...
દેવયાની : પણ શાથી ?
પૂરુ : કેમકે આપ અતિસુંદર છો !
દેવયાની : શું કહ્યું ? પુન: કહો તો !
પૂરુ : આપ અતિ સુંદર છો ...
દેવયાની : (પૂરુ નો કાન પકડી) એમ કે....નટખટ...
પૂરુ : માતાજી...દોડો માતાજી ! આ સ્ત્રી મને હરી રહી છે...માતાજી દોડો...દોડો ...
(પર્ણફુટિનું દ્વાર ખૂલે છે… દેવયાનીનીં જ સમવયસ્ક પણ દેવયાનીથી અતિસુંદર શર્મિષ્ઠા બહાવરી બની બહાર આવે છે. એણે કટિવસ્ત્ર તથા ઉપવસ્ત્રથી આશ્રમવાસીની જેમ દેહ ઢાંકયો છે, પુષ્પમાલાનાં વિવિધ આભૂષણો શોભાયમાન છે.)

દેવયાની : અરે ! શર્મિષ્ઠા!તું અહીં ?
શર્મિષ્ઠા : આપની દાસીના નમસ્કાર સ્વીકાર કરો! …
મહારાણીનો જય હો!
( પકડ ઢીલી થતાં પૂરુ દોડીંને શર્મિષ્ઠાને વળગે છે, દેવયાની તેને પકડવા હાથ લંબાવે છે.)
ક્ષમા કરો મહારાણી ! આ બાળકના અપરાધ સામું ન જોશો. હું જાણું છું, એ અત્યંત નટખટ છે; પરંતુ એ નિર્દોષ બાળકના અપરાધની હું ક્ષમા યાચું છું !

દેવયાની : શર્મિષ્ઠા, આ તારો પુત્ર છે ?
શર્મિષ્ઠા: હા, મહારાણી !
દેવયાની : ઘણો નટખટ છે; કદાચ, તેથી જ સહુને ગમી જાય તેવો છે!
શર્મિષ્ઠા : આપની અનુકંપા યાચું છું, મહારાણી !
દેવયાની : જાણે છે તું, મારી સાથે કેવી નટખટ લીલા કરી છે, આ કુમારે ? શું નામ છે, તેનું ?
શર્મિંષ્ઠા :પૂરુ
દેવયાની : પૂરુ ! સુંદર ! અમે વનવિહાર અર્થે નીંકળેલાં. વિહાર કરતાં ઘણે દૂર પહોંચી ગયાં… એટલામાં એક કોકિલને ગાતો સાંભળી અમે તેને શોધવા માંડયાં. અંતે મેં શોધી કાઢ્યું કે એક આમ્રવૃક્ષ પર બેસી એ ગાય છે...

શર્મિષ્ઠા : વનની શોભા રમણીય જ હોય છે, મહારાણી ! અહી… આમ્રવૃક્ષો, હરણાં , ઝરણાં તથા અનેક પ્રકારનાં પુષ્પોથી સ્વર્ગ સમું વાતાવરણ,...
દેવયાની : કોકિલને જોતાં હતાં ત્યાં જ મારી દૃષ્ટિ એક પકવ આમ્રફળ પર પડી. મેં દાસીઓને એ આમ્રફળ લઈ આવવા આદેશ આપ્યો
દાસી ૧ : હું પથ્થરો મારી રહી હતી.
દાસી ર : હું વૃક્ષ પર ચઢી જવા વિચારતી જ હતી.
દાસી ૧: એટલામાં તો એક તીર સનન કરતું આવ્યું અને નાની ડાળી સમેત એ ફળ દૂર પડ્યું !
દેવયાની : હું ઉતાવળે ત્યાં પહોંચી તો એ જ વેળાએ આ કુમાર પણ ત્યાં પહોંચ્યો અને.…
શર્મિષ્ઠા : (હસવા માંડે છે) પૂરુનાં આવાં અનેક પરાક્રમોથી હું જ્ઞાત છં.
પૂરુ : માતાજી, મેં શ્રમ કરીને મેળવેલું ફળ હું શા માટે એમને આપું ? આપ જ કહો, એના પર મારો અધિકાર થયો કે એમનો ?

દેવયાની : શર્મિષ્ઠા ! તારો આ પુત્ર કુશળ બાણાવળી છે. ક્યાંથી શીખ્યો આ વિદ્યા ?
શર્મિષ્ઠા : મારા પુત્રો અનુ અને દૃહયુ ગુરુ પાસે વિદ્યાધ્યયન કરી રહ્યા છે. ક્યારેક ગુરુ અન્યત્ર જવાથી એ બન્ને અહીં આવે છે. ત્યારે એમનો અભ્યાસ જોઈને મારો પૂરુ પણ સર્વ વિદ્યાઓ શીખતો જાય છે.
દેવયાની :અરે વાહ ! કુમાર, તું તો ઘણો જ કુશળ છે !
શર્મિષ્ઠા: મહારાણી ! વાતોમાં આપનું આતિથ્ય જવું વિસરી ગઈ ! મને ક્ષમા કરો ! થોભો, હું પ્રથમ આપના આસનની વ્યવસ્થા કરું છું...
(શર્મિષ્ઠા અને પૂરુ પર્ણકુટિમાં જાય છે. બન્ને દાસીઓ મોરપિચ્છની સાવરણીથી ભૂમિ સ્વચ્છ કરે છે.)

દેવયાની: (સ્વગત) અનન્ય આકર્ષણ છે, આ કુમારમાં ! કેટલો સુંદર કાંતિવાળો ! અને વળી, કેટલો કુશળ બાણાવળી ! મારા યદુ અને તુર્વસુ તો આ સૂર્ય પાસે નિસ્તેજ તારક જેવા જ લાગે.... અરે ! પણ મારુ હદય કેમ આ કુમાર ભણી આટલું બધુ આકર્ષાય છે ?! પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હશે !? કે માત્ર આમ જ !?
ત્રણ પુત્રો... …
અરે ! શર્મિષ્ઠાને ત્રણ પુત્રો...!!
( કશીક અસમંજસ અવસ્થા અનુભવે છે. એની ભમરો તંગ થાય છે, આંખો વિસ્ફારિત થાય છે, આંખોમાં અદમ્ય તેજરેખાઓ પ્રગટે છે-એ આનંદિત જણાય છે.)

શર્મિષ્ઠા: પધારો મહારાણી ! આસન ગ્રહણ કરો !
( બાજઠ પર કુશ-મૃગચર્મ પાથરી આસન ગોઠવે છે.)
દેવયાની: (બેસતાં)અતિ શ્રમ જણાય છે.
( શર્મિષ્ઠા, દેવપાનીનાં ચરણો ધોઈ, પૂરુના હાથ પરથી રેશમી વસ્ત્ર લઈ લૂછે છે. દાસીઓ પવન ઢોળી રહી છે.) પેલા આમ્રફળ વિશે હું હજુ વિસરી નથી હોં, કુમાર !

પૂરુ : માતાજી, આપ જ ન્યાય કરો…
શર્મિષ્ઠા : પૂરુ, વત્સ ! એ આમ્રફળ માતા દેવયાનીનું થયું ! આપી દો એમને, તુરન્ત !
દેવયાની : કુમાર, હવે તો તારે ફળ આપવું જ પડશે !
( પૂરુ, મોં ફુલાવી આમ્રફળ આપવા આવે છે, દેવયાની એને પકડી, ચુંબન કરી, ઉછંગે લે છે.)
(વાણીમાં પરિવર્તન સાથે) શર્મિષ્ઠા...
શર્મિષ્ઠા : જી, મહારાણી !
દેવયાની : તો….તારે ત્રણ પુત્રો છે ?
શર્મિષ્ઠા : જી, મહારાણી !
દેવયાની : ત્રણેય પુત્રો તારા જ છે ?
શર્મિષ્ઠા : જી, મહારાણી !
દેવપાની : તેં વિવાહ કયારે કર્યો ? એના પિતા કોણ છે ?

શર્મિષ્ઠા: (વિચારીને) મહારાણી ! એક કાળની વાત છે…
(પ્રકાશ ઝાંખો થતો જાય છે.)
વહેલી સવારે હું … સ્નાનાદિક કરી કેશગુંફન કરતી પર્ણકુટિના દ્વારે ઊભી હતી ત્યારે એક ઋષિ મારા અતિથિ થયા…
(ભૂતકાલીન દંશ્ય)
(દૂર નિહાળી) અરે! આ મૃગીઓ બહાવરી બની કેમ દોડી રહી છે ? કેમ પ્રભાતે કલરવતાં પક્ષીગણના કંઠમાં હંમેશનો ઉન્માદ જણાતો નથી આજે ? અરે દેવ ! આ વન આજે અન્યરૂપનું કેમ જણાય છે ?
( યયાતિ, હાથમાં બાણ સાથે દોડતો પ્રવેશે છે.)
(શર્મિષ્ઠા સામે દિગ્મૂઢ થઈ, ખેંચાયેલી પ્રત્યંચા સાથે યયાતિ ઊભો રહે છે… શર્મિષ્ઠા વક્ર ચહેરે તીરને અપલક જોતો રહે છે. યયાતિ પણ શર્મિષ્ઠાને નિષ્પલક જોયા જ કરે છે. પાર્શ્વમાં તાનપુરાનાં સ્વરો સાથે શ્લોકોચ્ચાર...)
(શાર્દૂલવિક્રિડિત)
ह्रींकारी सुरवाहिनी जलगभिरावर्त नाभिर्धन
सोणि मंडलभार मंदगमना कांचिकपालोज्जवला
शुन्डाद्ल सुवर्णवर्ण कदली कांडोप मोरुद्वयी
श्री चक्राधिनिवासिनी विजयते श्री राजराजेश्वरी ll
[જે હ્ન્રિ (બીજ) વાળી છે, ગંભીર જલના આવર્તન સમી ધન નાભિવાળી છે, સોણિમંડળના ભારથી જે મંદગતિએ ગમન કરવાવાળી છે, જેની કાંચિ (શિરપરનું વસ્ત્ર) ઉજજવળ કપોલ ૫૨ છે, હાથીનીં સૂંઢ જેવા સુવર્ણવર્ણના જેના બાહુ છે તથા જેનાં બન્ને ઉરૂ કદલીકાંડની ઉપમાને યોગ્ય છે, એવાં શ્રીચક્રમાં અધિનિવાસ કરનારાં શ્રીરાજરાજેશ્વરીનો વિજય હો!]

(શર્મિષ્ઠા, યયાતિના નોંધાયેલા તીરની ફણા પકડે છે, યયાતિ બાણને ક્રમશઃ ઢીલું કરતાં શનૈ: શનૈ: આગળ વધે છે, શર્મિષ્ઠાની તદ્દન નજીક પહોંચી, બન્ને સ્વપ્નાન્તરમાં લીન હોય તેમ અપલક નિહાળે છે)
યયાતિ : સુંદરી! એક મૃગી અહીંયા
   દોડતી પહોંચી હતી!
   શું કહી શકો છો
   આપ કંઈ, એના વિષે?

શર્મિષ્ઠા : (સ્વગત) હૃદયમાં ઊઠી રહ્યાં છે બ્હાવરાં સ્પંદન! રોમરોમે થઈ જવાયું શી રીતે પ્લાવિત્ ઊઠી જે કસ્તૂરીની ગંધ મારી નાભિએથી ? હું જ જાણે હોઉ‘ ના ઉપવન ! મહીં ઊડી રહ્યાં છે - શુક વા નૂરી ધરીને ચંચમાં ચંપાફૂલો વા નાગકેસર, કેવડો, બીલીનાં ફૂલ વા આમ્રમંજરીઓનાં ગુચ્છો! હું જ્ઞાત ક્યાં છું - શી રીતે આ શેલડી મધુમક્ષિકાનાં ઝુંડથી ખેંચાઈને ધનુરૂપ ધારી મુજ પ્રતિ નોંધાઈ છે ? ઓ હવામાં ફરફરે કો' રક્તરંગી ધ્વજ, ધરીને શ્વેતરંગી મત્સ્ય કેરાં ચિહ્નને ! હે પંચશર ! તારાં જ શરસંધાનને મુજ નેત્રદ્વય નીરખ્ચાં કરે છે, કેમ જાણે હું જ ના હોઉં મૃગી !! (ઉન્મત્તાવસ્થામાં યયાતિને નીરખી રહે છે.)
યયાતિ : સુંદરી ! મારા પ્રશ્નનો ઉત્તર મળ્યો ના.
(પર્ણકુટિની બહાર રહેલ મોરપિચ્છના ગુચ્છમાંથી એક ખેંચી તેના ગાલ ૫૨ પસવારે છે. શર્મિષ્ઠા જાગૃત થાય છે,)

શર્મિષ્ઠા : ક્ષમા પ્રાર્થી છું, દેવ !
યયાતિ : સુંદરી ! શ્રમિત થયો છું, સુંદર મૃગીની પાછળ દોડતાં... જલપાનની આશા કરું છું !
શર્મિષ્ઠા : અવશ્ય દેવ ! કિન્તુ....
યયાતિ : કિન્તુ ?!
શર્મિષ્ઠા : હું આપને જળ ના ધરી શકું
      છે દુદૈવ મારું.....

યયાતિ : સોમવંશી નહુષનો હું પુત્ર, મારા તેજથી દેવો, દિશાઓ, પન્નગો સહુ ઝંખવાતા. હું સાર્વભૌમના પદનો સ્વામી યયાતિ, આશા કરું જલની અને હે સુંદરી ! ‘કિન્તુ’ કહી વિમાસણ અનુભવે છે જલપાત્ર દેવા ?
શર્મિષ્ઠા : ક્ષમા કરો દેવ ! હું જ્ઞાત છું, આપના સર્વ પ્રતાપથી ! હું જ્ઞાત પણ હતી કે એકદા આપ અવશ્ય પધારાશો, મારા નિવાસે !
યયાતિ : શી રીતે ?
શર્મિષ્ઠા : જે ક્ષણે આચાર્ય દ્વારા આપની સાથે વળાવી તે ક્ષણે જે દૃષ્ટિથી મારા ભણી નીરખ્યું તમે બસ ત્યારથી આ વન વિષે લઈને પ્રતીક્ષા આપની હું નિર્ગમું છું...
યયાતિ : તે છતાં જલપાત્ર દેવા ના ભણે છે ?
શર્મિષ્ઠા : દુદૈવ મારું ! હું સદ્યસ્નાતા શી રીતે આતિથ્ય સત્કારે કરી જલપાત્ર આપું ?
(લજ્જા અનુભવે છે )

યયાતિ : (આશ્લેષમાં લઈ) ઉદ્યાનમાં કો’ વૃક્ષ વિણ પ્રસરી રહેલી લતા નીરખી ક્ષણેક્ષણ હે સુંદરી ! તમને સ્મર્યા છે ! જલમાં ઊભી મેં સૂર્યને જ્યાં અર્ધ્ય આપ્યા તે ક્ષણે મુજ આંખમાં મેં ઇન્દ્રધનુનાં સ્થાન પર (કટિપ્રદેશે સ્પર્શે છે) તવ કટિ રમણીય નીરખતાં હે સુંદરી ! તમને સ્મર્યા છે.....
હે સુંદરી! (નાભિપ્રદેશે સ્પર્શે છે…)
જળમાં રચાતું વમળ કિંવા
(કેશરાશીમાં હાથ પરોવી ચહેરા પરથી દૂર કરી) શ્યામધન વ્યોમે નીરખતાં ચન્દ્રવદની, સુંદરી! તમને સ્મર્યાં છે...
(ચુંબન કરે છે...પ્રકાશ ઝાંખો થતો જાય છે, બન્ને એજ સ્થિતિમાં પર્ણફુટિમાં પ્રવેશે છે. યયાતિની ‘તમને સ્મર્યા કરે છે' ઉક્તિ પડઘાય છે.)
(પાર્શ્વમાં શ્લોકોચ્ચાર)

लक्ष्यालक्ष्य वलग्न देश विलसद रोमावली वल्लरी
वृत्तस्निग्ध फ्लद्वय भ्रमकरोत्तुंग स्तनी सुंदरी|
रक्ताशोक समप्रपाहल दुकूलाच्छादितांगी मुदा
श्री चक्राधिनिवासिनी विजयते श्रीराजराजेश्वरी ||

[લક્ષ્ય-અલક્ષ્ય સ્થાનમાં રહેલી જેની રોમાવલીરૂપી વેલી શોભે છે, બે ગોળાકાર ફળોનો ભ્રમ ઉત્પન્ન કરનારાં ઉન્નત સ્તનોથી સુંદર દેખાતા, લાલ અશોકવૃક્ષની કાંતિ જેવું લાલલાલ રેશમી વસ્ત્ર જેણે આનંદથી અંગ પર ધારણ કર્યું છે, તેવાં શ્રીચક્રમાં અધિનિવાસ કરનારા શ્રી રાજરાજેશ્વરીનો વિજય હો !]
(પૂર્ણપ્રકાશમાં દેવયાનીના પગ પાસે લજ઼જાપૂર્વક બેસેલી શર્મિષ્ઠા જણાય છે….)

દેવયાની : લજ઼જા અનુભવવાની આવશ્યકતા નથી, શર્મિષ્ઠા ! વનમાં ઊગેલા પ્રત્યેક પુષ્પને ભ્રમરની આશા હોવી કે પર્વતમાંથી નીકળતી નદીને સમુદ્રની કામના હોવી એ લજ્જાનો વિષય નથી... વૃક્ષને ફળની પ્રાપ્તિ એ તો આનંદનો ઉત્સવ છે...હું અતિ આનંદિત છું, તારાં સૌભાગ્યથી !
શર્મિષ્ઠા : મહારાણી ! આપ ખરેખર જ વિશાળહ્રદયા છો ! હું આપની અનુકંપાની ઋણી રહીશ !
(નમન કરે છે.)
દેવયાની : પૂરુ ! (દેવયાનીના ઉછંગેથી ઊઠે છે.) લે, આ તારું ફળ !
પૂરુ : અંતે મારું ફળ આપવું જ પડયું ને !
દેવયાની : (ગળામાંથી ત્રણ માળાઓ કાઢી) પૂરુ, આ લાલ માળા હું તને આપું છં. આ શ્વેતમાળાઓ અનુ અને દ્રુહ્યુને આપજે.
(દાસીઓને) ચાલો, રાજપ્રાસાદ જવાની વ્યવસ્થા કરો !
(દાસીઓ પ્રવૃત્ત થાય છે.)

શર્મિષ્ઠા : મહારાણી ! ભોજનનો સમય થતો આવે છે. આપ અન્નપ્રાસન કરશો તો અમારા પર કૃપા...
દેવયાની : વારુ, ફરી કયારેક !
શર્મિષ્ઠા : આપ ફરી ક્યારે દર્શનલાભ આપશો, આ દાસીને ?
દેવયાની : હું અવશ્ય આવીશ ! આ રમણીય વન, પૂરુ-સર્વ સાથે આત્મીયતા બંધાઈ છે... હું અવશ્ય આવીશ, કોઈ વેળા!
શર્મિષ્ઠા : પધારજો મહારાણી !
દેવયાની : કેમ કુમાર, રીસાયા છો કે ?
(પૂરુને ચુંબન કરે છે. – પ્રસ્થાન )

( થોડી ક્ષણો કોઈ કશું બોલતું નથી. શર્મિષ્ઠા આનંદિત છે, પર્ણકુટિમાં આવ–જા કરતી રસોઈની વ્યવસ્થામાં વ્યસ્ત છે. પૂરુ પર્ણકુટિને અઢેલી, વિચારમાં લીન બની, માળા તોડી એક એક મોતી ફેંકી રહ્યો છે.)
શર્મિષ્ઠા : શું કરે છે, પૂરુ? કેમ ભેટ મળેલી માળાની અવદશા કરી તેં ? આવું શોભે છે તને ?
( પૂરુ, નિરુત્તર. શર્મિષ્ઠા માળા લઇ લે છે, મોતી એકઠાં કરે છે.)
રીસાવા નું કારણ શું છે ? શા માટે આટલો ક્રોધ કરવો જોઈએ ?
પૂરુ : માતાજી, તમે એ સ્ત્રીને વારંવાર ‘આપની દાસી’ ‘આપની દાસી’ કહેતા હતા, તે મને જરાપણ રુચ્યું નથી. શા માટે આમ કહેતા હતા?
શર્મિષ્ઠા : કુમાર, અતિથિસત્કારની ભાવના હતી એ....નમ્રતાની પરિભાષા હતી એ....
પૂરુ : આપના ઉત્તરથી મને સંતોષ થયો નથી ...કઈંક કપટલીલા જણાય છે, આપના અવાજમાં !
શર્મિષ્ઠા : કુમાર, તું અતિ હઠીલો છે. માતાની વાણી પણ તને કપટલીલા લાગે છે?
પૂરુ : તો સાંભળો માતા ! જ્યાં સુધી તમે સત્ય નહીં જણાવો ત્યાં સુધી હું અન્ન જળને સ્પર્શ પણ નહીં કરું ! આ મારી પ્રતિજ્ઞા છે !
શર્મિષ્ઠા : પૂરુ .... વત્સ ! તેં આ શું કર્યું ? હું સત્ય જ કહું છું.
(ઉછંગે લઇ, માથે હાથ પસવારતાં) વત્સ, અન્નપ્રાસન કરવા ચાલ ને .... આવું શું કરે છે ?
(પૂરુ બીજી દિશામાં જોઈ રહે છે.) તો તું પણ સાંભળ,વત્સ! હું પણ અન્ન –જળનો ત્યાગ કરું છું – જ્યાં સુધી તું ના ગ્રહણ કરે...
(પર્ણકુટિમાંથી દર્ભ નો જથ્થો લાવી, પૂરુથી દૂર બેસી, એક –એક દર્ભ ખેંચી સાદડી ગૂંથવાનું કાર્ય કરે છે.)
હે દેવ ! (નિસાસા સાથે) મારાં સત્યવચનોની આ શી પરીક્ષા ? મેં તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારો જ પુત્ર આવી કઠીન પરીક્ષા લેશે !
(વક્રનજરે પૂરુ ભણી દૃષ્ટિ કરે છે.)
દેવ ! આજે પ્રભાતથી જ મારું દક્ષિણ નેત્ર ફરકતું હતું, પ્રાત:કાલે અહીં ક્યાંક ઘુવડ બોલતું હતું.... પ્રભાતથી જ અમંગળની આશંકા હતી.... તે આ ફળ ભોગવવાની ઘડી આવી...
(રડવા માંડે છે)

પૂરુ : (તુલસીક્યારે આવી) નમસ્કાર ! હે તુલસી ! હે પવિત્ર તુલસી ! આ બાળક પૂરુના અંતિમ નમસ્કાર સ્વીકાર કરો ! શાસ્ત્રના કથન અનુસાર મનુષ્ય એકાશી દિવસ જ અન્ન વિના જીવી શકે છે.... અને બાળકો તેટલા કલાક ! (આંગળી પર ગણત્રી કરે છે.) અર્થાત ત્રણ દિવસ અને ત્રણ પ્રહર .....
આજે બારસ છે, અગિયારસનાં પારણાં હજુ કર્યા નથી ! તેથી, હે વૃક્ષશ્રેષ્ઠ ! હવે મારા આયુષ્યના માત્ર બે જ દિવસ શેષ રહ્યાં છે.
(માટીનું તિલક કરે છે.)
આ તિલક સાથે જયારે હું સ્વર્ગારોહણ કરીશ ત્યારે દેવાધિદેવ મને પૂછશે : ‘ હે સુંદર કાંતિવાળા બાળક ! તારા ભાલ –પ્રદેશે આ શાનું તિલક છે, જેના વડે તારી સુંદરતા સહસ્રગુણિત જણાય છે - તે અમને વિસ્તારપૂર્વક કહી સંભળાવ ! વળી, હે નિર્દોષ નેત્રવાળા ! તારા મૃત્યુનું કારણ શું છે-તે પણ અમને વિસ્તારપૂર્વક સંભળાવ!
(ગળે ડૂમાવાનો અભિનય કરી)
હે વૃક્ષશ્રેષ્ઠ ! આપે જ એકદા, માતાના હૃદયની આર્દ્રતા વિષે મને સમજાવ્યું હતું. આપે કહ્યું હતું કે એક તણખલું પણ ખેંચવામાં આવે તો માતા ધરિત્રી પણ બહાર ખેંચાઈ આવે છે... દેવાધિદેવને હું શી રીતે કહીશ કે: મારા મૃત્યુનું કારણ માતાજી છે... હે તુલસીદલ! આપના પરથી પસાર થઈ આવી રહેલા વાયુને હું પેટમાં ભરી રહ્યો છું, જેથી સ્વર્ગમાં હું સર્વ પ્રશ્નોના ઉત્તર આપવા શક્તિમાન રહું! અલબત્ત! તુંલસીદલ ખાઈ શકાત તો વધુ સારું હતું.… હે વૃક્ષશ્રેષ્ઠ ! અતિશ્રમના કારણે હવે વધુ બોલી શકાતું નથી. મારા સર્વ અપરાધો ને ક્ષમા કરજો, દેવ ! નમસ્કાર દેવ ! અંતિમ નમસ્કાર!
(સાષ્ટાંગ પ્રણામ કરી, પ્રાણાયામ કરી નિશ્ચલ પડી રહે છે.)

શર્મિષ્ઠા : ( દોડીને પાસે જાય છે.) અરે વત્સ ! ખરેખર જ તું આટલું કષ્ટ ભોગવીશ એવી ધારણા ન હતી ! હે દેવ ! આ બાળકને સદ્દબુધ્ધિ આપો !
(પૂરુ ને ચત્તો સુવાડે છે.)
પૂરુ : હે યમદૂતી ! હે અપ્સરા ! તમે મને યમરાજ પાસે લઈ જવા જ આવ્યાં છો ને ? ચાલો, હું પણ આ નિર્દય લોક ત્યજી દેવા તત્પર છું. ...
શર્મિષ્ઠા : પૂરુ, વત્સ ! હું સત્ય કહેવા વચન આપું છું ! તું તારી પ્રતિજ્ઞા છોડ !
પૂરુ : (સફાળો ઉઠે છે.) ખરેખર!
શર્મિષ્ઠા : હા, વત્સ ! હું માતા છું.…મારાથી નથી સહન થતું આ કષ્ટ.…! લે, આ ફળ .....
પૂરુ : પહેલાં આપેલું વચન પૂર્ણ કરો, પછી જ…
શર્મિષ્ઠા : સાંભળ, વત્સ ! હું અને દેવયાની બાલ્યાવસ્થાથી જ સખીઓ હતી. દેવયાની દાનવોના ગુરુવર્ય શુક્રાચાર્યની પુત્રી છે, અને હું દાનવોના રાજા વૃષપર્વાની પુત્રી છું.…
પૂરુ : અર્થાત્ તમે રાજપુત્રી છો ? …

શર્મિષ્ઠા : હા, વત્સ ! (પૂરુને ફળ આપી ખવડાવે છે.)
એકદા અમે વનવિહાર કરતી સખીઓને સરોવરમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ. સહુ પોતાનાં વસ્ત્રો કાંઠે મૂકી સરોવરમાં સ્નાન કરવા ઊતરી. કેટલોક કાળ વીત્યા બાદ બહાર આવી. સહુ વસ્ત્રો પહેરવા માંડી. હું પણ બહાર આવી, અને માત્ર ગમ્મતપૂર્વક મેં દેવયાનીનાં વસ્ત્રો ધારણ કર્યા. દેવયાની જ્યારે બહાર આવી તો કાંઠા પર માત્ર મારાં વસ્ત્રો જોઈ, અત્યંત ક્રોધમાં તિરસ્કાર ભરેલાં વચનો કહેવા માંડી.....મેં અનેક રીતે શાંત કરવાના પ્રયત્નો કર્યા, પણ સર્વ પ્રયત્નો વૃથા થયા... એનાં વેધક વચનોથી હું પણ અત્યંત ક્રોધિત થઇ અને આવી અવસ્થામાં મારાથી એણે ધક્કો મરાઈ ગયો, અને એક કૂવામાં એ ગબડી પડી.... તદ્દન નગ્ન અવસ્થામાં જ ! વધેલાં વસ્ત્રો પણ સાથે લઇ હું મારી સખીઓ ને લઈને રાજપ્રાસાદ જતી રહી....
(ભુતકાલીન દૃશ્ય )
(ઉપવસ્ત્રથી દેહ ઢાંકી દેવયાની, યયાતિ સામે ઊભી છે.)
દેવયાની : આપે મને કૂવામાંથી બહાર કાઢી, જીવનદાન આપ્યું છે ! હું આપણી હૃદયપૂર્વક ઋણી છું. હું દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની છું! આપ કોણ છો?
યયાતિ : દેવી ! હું રાજા નહુષનો દ્વિતીય પુત્ર યયાતિ છું.
દેવયાની : ઈશ્વરની ઈચ્છાથી જ આપણો સંયોગ થયો છે. આપનું કુળ અને ગોત્ર ઉચ્ચ છે, વળી, આપ યશસ્વી રાજા પણ છો, તેથી યોગ્ય પણ છો ! આ પૂર્વે પણ આવાં ઈતરજ્ઞાતિય લગ્ન થયાં છે.... તેથી હે નરપુંગવ ! હું આજથી જ આપની અર્ધાંગના થઇ છું ... કેમ કે આપ જ પ્રથમ પુરુષ છો જેણે મને સ્પર્શ કર્યો હોય !
યયાતિ : દેવી ! આપની આજ્ઞા હોય તો હું મારા નગર ભણી પ્રયાણ કરું !
દેવયાની : આપ સુખેથી સીધાવો ! વિવાહયોગ્ય સમયે હું આપને પાણીગ્રહણ કરવા નિમંત્રણ પાઠવીશ જ ! આપનું આ ઉત્તરીય મને એ વાતનું સતત સ્મરણ કરાવતું રહેશે.
( યયાતિનું પ્રસ્થાન )

(દેવયાની વિલાપ કરતી બેઠી છે, એ વેળાએ શુક્રાચાર્ય, દેવયાનીની સખીઓ સાથે પ્રવેશે છે.)
શુક્રાચાર્ય : દેવયાની, વત્સ! તારી અવદશાનો સઘળો વૃતાંત મે સાંભળ્યો છે.
વૃષપર્વા : (ઝડપથી પ્રવેશે છે) મેં પણ ઘટના અંગે સર્વ કંઈ જાણ્યું છે. પ્રણામ ગુરુવર્ય!
પ્રણામ દેવિ!
દેવયાની : પિતાજી ! હું અત્યંત ક્ષતગૌરવ થઇ છું. આ હીનવૃતિ દાનવો અપરિમિત ઉન્મત થયા છે... આજે તેઓ ગુરુપુત્રીને નગ્નાવસ્થામાં કૂવામાં ધકેલી શક્યા છે, તો કાલે આપની સાથે પણ....
વૃષપર્વા : ક્ષમા કરો દેવિ ! આપ તો અમારું પૂજાપાત્ર છો ! સંપૂર્ણ સન્માન જ આપનો અધિકાર છે !
દેવીયાની : આપને આ જ્ઞાન છે, એ ઈચ્છવા યોગ્ય છે; કિન્તુ , આપની કલંકિની પુત્રીને આ જ્ઞાન નથી શું? અમે તો આપના આશ્રિત છીએ... અમે તો ભિક્ષુક છીએ.... અંહ !
શુક્રાચાર્ય : કોણ કહે છે?
દેવયાની : શર્મિષ્ઠા !
વૃષપર્વા : નહીં, ગુરુવર્ય! એ આવું કહે જ નહીં....
દેવયાની : તો શું હું અસત્ય કહું છું ?
વૃષપર્વા : હું એમ તો નથી કહેતો !
દેવયાની : અર્થાત્ હવે અમારે સત્યાસત્યની પરીક્ષા દાનવો પાસે કરાવવાની છે ?!
વૃષપર્વા : હું ક્ષમા પ્રાર્થી છું દેવિ !

દેવયાની : પિતાજી ! હવે આ ઉન્મત્ત દાનવો સાથે રહેવું યોગ્ય જણાતું નથી ; છતાં પિતાજી, આપને આ હીનવૃત્તિ દાનવો સાથે જ રહેવું હોય તો સુખેથી રહો; કિન્તુ હું તો અહીં જ, આ જ દશામાં શેષ આયુષ્ય વીતાવીશ.
શુક્રાચાર્ય : દેવયાની, વત્સ ! તું જ મને સર્વથી અધિક પ્રિય છે. મેં તારા આનંદ અર્થે શું નથી કર્યું ? કિન્તુ જે દાનવોનું મેં ગુરૂપદ સ્વીકાર્યું છે, તેની સર્વ પ્રકારે રક્ષા કરવાનુ મારુ કર્તવ્ય…
દેવયાની : આપ સુખેથી એ કર્તવ્ય બજાવો I મને મારું કર્તવ્ય બજાવવા દો !
શુક્રાચાર્ય :શું છે તારું કર્તવ્ય ?
દેવયાની : દાનવફુળનો ધ્વંસ!
શુક્રાચાર્ય : નહીં, વત્સ નહીં l
દેવયાની : અવશ્ય, પિતાજી અવશ્ય! આ ક્ષણે જ આપને અંતિમ નિર્ણય લેવો પડશે કે આપ દાનવોના પક્ષે રહેવા ઈચ્છો છો કે અહીં વનમાં આપની પુત્રીની સાથે ? જો આપ ત્યાં રહેવા ઈચ્છતા હો તો માનજો કે આપને ત્યાં દેવયાની નામે કોઈ સંતાન જ નહોતું જન્મ્યું !
શુક્રાચાર્ય : દેવયાની !
(વિરામ...થોડી ક્ષણો દેવયાનીં પ્રતિ નિહાળે છે.)
ભવિષ્ય ભલે કદાચ મને પુત્રીમોહનું લાંછન લગાડે, ભલે યુગયુગની પરંપરા આ શુક્રાચાર્યને દાનવરાજયનો ધ્વંસ કરનાર રૂપે ઓળખે, ભલે સર્વ ગુરુઓની શ્રેણીમાં મારુ નામ અંતિમક્રમે મૂકાય, દેવયાની ! હું અહીં જ તારી સાથે જ રહીશ ! આ મારો અંતિમ સંકલ્પ છે !

વૃષપર્વા : ગુરુવર્ય ! કૃપા કરી આપ અમારો ત્યાગ ના કરો ! અમે છિન્નભિન્ન થઈ જશું ! ગુરુવર્ય! આપ પુન: નગરમાં પધારો !
આપના સંપૂર્ણ સન્માનનું દાયિત્વ હું મારા શિરે….
શુક્રાચાર્ય : હું વિવશ છું, રાજન્!
વૃષપર્વા: ગુરુવર્ય ! આપ કોઈપણ ઉપાપે પુન: નગરમાં પધારો!
શુક્રાચાર્ય : છે....માત્ર એક જ ઉપાય છે, રાજન્ ! જો દેવયાની નગરમાં આવે, તો જ હું આવી શકું !
વૃષપર્વા : દેવિ ! આપની સાથે જે કંઈ ઘટ્યું છે તે અત્યંત દુઃખદ છે; કિન્તુ આપ હવે પુનઃ નગરમાં પધારો !
દેવયાની : આપ આ ઘટનાને માત્ર ‘અત્યંત દુ:ખદ' જ ગણાવો છો ? શું આ જ આપની ચિંતનક્ષમતા છે, રાજન ? આટલો નાનો જ વ્યાપ છે, આપના ચિત્તનો ?
વૃષપર્વા : હું જાણું છું કે શર્મિષ્ઠાએ અપરાધ કર્યો છે; હું એના અપરાધની ક્ષમા યાચું છું.
(માથેથી મુકુટ ઊતારી આગળ વધે છે.)

દેવયાની : આપ આ શું કરી રહ્યા છો ? અપરાધ એક કન્યાનો છે, નહી કે સમગ્ર દાનવરાષ્ટૂનો!
અપરાધીએ જ દંડ ભોગવવાનો હોય, રાજન્!
વૃષપર્વા : કિંન્તુ, નગરમાં ન પધારીને આપ જ સમગ્ર રાષ્ટ્રને દંડીં રહ્યા છો, તેનું શું ?
દેવયાની : શી રીતે, ભલા?
વૃષપર્વા:આપ તો જાણો જ છો, દેવિ ! અમે દેવોનાં આક્રમણ સામે અમારાં રાષ્ટ્રની રક્ષા કરવામાં આચાર્ય વિના અપૂર્ણ જ નહીં, પંગુ પણ છીએ. આપ એ પણ જાણો જ છો કે અમે બધા તો અનેકવાર મૃત્યુ પામ્યા છીએ…કિંન્તુ આચાર્યશ્રીની સંજીવની વિદ્યાના પ્રતાપે પુન: જીવન પામ્યાં છીએ.
દેવિ! હું તો કેવળ ધનુષ્ય છું... જેના પર સત્તાનું તીર દૃશ્યમાન થાય છે, કિન્તુ આચાર્યશ્રી તો પ્રત્યંચા છે…

દેવયાની :ઓહ્હો ! આપ તો આપની પરિસ્થિતિથી સંપૂર્ણ જ્ઞાત છો ! ક્રિન્તુ, આપની કુલાંગાર પુત્રીને શું આ બાબતની લેશ પણ જાણ નથી ?
વૃષપર્વા: હું શર્મિષ્ઠાના અપરાધની ક્ષમા યાચું છું, દેવિ! આપ કોઈપણ ઉપાયે, કૃપા કરી નગરમાં પધારો !
દેવયાની : તેનો માત્ર એક જ ઉપાય છે !
વૃષપર્વા : શો ?
દેવયાની : હું જયાં લગ્નસંબંધથી જોડાઈને જાઉં, ત્યાં શર્મિષ્ઠા પોતાની દાસીઓં સાથે મારી દાસી બનીને આવે, તો હું અત્યારે જ નગરમાં આવવા હા કહીશ! ‘
વૃષપર્વા : તેમજ થશે...
દેવયાની : એમ નહીં....શર્મિષ્ઠા પોતે અહીં આવે અને સર્વની સાક્ષીએ દાસત્વ સ્વીકારવા વચન આપે.…તો જ !
(પૂર્ણ પ્રકાશ)
(પુરૂ બાજઠ પરથી સફાળો ઊભો થાય છે.)

શર્મિષ્ઠા : વત્સ ! પિતાજીએ મને ત્યાં બોલાવી વચન આપવા કહ્યું અને મેં તેમ કર્યું ....
પૂરુ : (ધૂઆંપૂઆં થતો )આ અન્યાય છે ! હલાહલ અન્યાય છે!
શર્મિષ્ઠા : નહીં વત્સ ! આજ ખરો ન્યાય છે ! જે અહંકારના કારણે મેં ગુરુપુત્રીનું અપમાન કર્યું, એટલું જ નહીં; અવદશા પણ કરી... તે અહંકારના ક્ષય માટે દાસત્વ જ શ્રેષ્ઠ ઉપાય હતો !
પૂરુ : કિંન્તુ, અહંકાર દેવયાનીના પક્ષે પણ એટલો જ હતો !
શર્મિષ્ઠા : કદાચ તું સત્ય કહે છે ! કિંન્તુ વત્સ ! એ અહંકાર તપનો હતો, વિદ્યાનો હતો ! શાસ્ત્રો પણ તેને આત્મગૌરવ કહે છે. જ્યારે મારા ૫ક્ષે...? માત્ર જન્મથી જ મને પ્રાપ્ત થયેલ પદવીંના અહંકાર સિવાય શું હતું ?
પૂરુ : પણ તેથી શું એમને બીજાના ભાગ્યવિધાતા બની જવાનો અધિકાર મળી જાય ?
શર્મિષ્ઠા: મનુષ્ય કયાં કોઈનો ભાગ્યવિધાતા બની શકે છે, વત્સ ! એ તો મારું જ દુર્દેવ !
પૂરુ : મનુષ્ય ક્યાં કોઈનો ભાગ્યવિધાતા બની શકે છે... માતાજી, દેવયાની જ આપની ભાગ્યવિધાતા બની છે ... માતાજી ! શું આ દેવયાની અને શુક્રાચાર્યની કોઈ યોજના ન હોઈ શકે? માતાજી ! શું આ,...
શર્મિષ્ઠા : તારા હઠાગ્રહને વશ થઈ મેં સર્વ ઘટના તને જણાવી દીધી છે... …
પૂરુ : નહીં, માતાજી ! મારી જિજ્ઞાસાનુ' સમાધાન તો હજુ થયું જ નથી !
શર્મિષ્ઠા : હવે તારા એક પણ પ્રશ્નનો ઉત્તર હું આપીશ નહી!
(પર્ણફુટિમાં જતાં)
અને હા…આ વૃતાંત ગોપનીય રહે એ જોવાનું દાયીત્વ પણ હવે તારું જ છે..
(જાય છે.)

(અત્યંત ક્રોધિત અને વિહ્વળ અવસ્થામાં મંચ પર ધૂમે છે. હથેલીમાં મુષ્ટિપ્રહાર કરી, આરોહિત સ્વરે…...)
પૂરુ : દેવયાની ! દેવયાની ! દેવયાની ! મારા માતાજીનાં ભાગ્ય પરિવર્તનનું નિમિત્ત છે તું!! તેં જ....હા...હા... તે… જ રાજમાતા બનવાનું એનું સુભાગ્ય હરી લીધું છે..
(ઘૂમે છે…)
મારો આત્મા ડહોળાઈ ગયો છે.…મને અનેક વૃશ્ચિકો ડંખી રહ્યા છે... મારામાં સહસ્ર અગ્નિશિખાઓ ભભૂકી રહી છે, જેને શાંત કરી શકશે માત્ર વૈરની તૃપ્તિનું જલ!
(પર્ણકુટિની બહાર લટકતાં ધનુષ્ય અને તૂણીર લઈ ત્વરાથી શરસંધાન કરી, એક પછી એક તીર, મંચ પરના એક અંધારગ્રસ્ત ખૂણામાં ફેંકે છે. છેલ્લાં બે તીર ફેંકાતા બે મૃગબાળની ચીસો સાંભળી, શર્મિષ્ઠા પર્ણફુટિની બહાર ધસી આવે છે.)

શર્મિષ્ઠા : (પૂરુના તંકાયેલા તીરની દિશામાં જોઈ) પૂરુ ! તેં મૃગબાળોનીં હત્યા શા માટે કરી?
(પૂરુને પાછળથી બાથ ભરે છે.)
પૂરુ : મને છોડી દો ! માતાજી, મને છોડી દો !
(બાથમાંથી છૂટી જાય છે)
શર્મિષ્ઠા : તું નિર્દય થઈ ગયો છે, શું? મૃગબાળોની હૃદયવિદારક ચીસો પણ તને આર્દ્ર નથી કરી શકતી ? શાંત થઈ જા! વત્સ, શાંત થઈ જા !
પૂરુ : હું સમસ્ત વિશ્વનો વિનાશ કરી નાખીશ ! હું સૂર્ય-ચંદ્ર તારકને છિન્ન-ભિન્ન કરી નાખીશ ! મારી માતાને થયેલો હલાહલ અન્યાય હું શા માટે સહન કરી લઉં ? હું પ્રતિજ્ઞા કરું છું કે…..જ઼યાં સુધી દેવયાનીની અવદશા હું જોઉં નહીં, મારા જીવને કયારેય શાંતિ ન મળો !
(તીર ફેંકે છે.)
શર્મિષ્ઠા : (એ દિશામાં જોઈ ચીસ પાડે છે.) પૂરુ!
( આર્દ્ર સ્વરે...)
જે મૃગબાળોને મેં ઈંગુદીનાં તેલથી સિંચ્યાં, રાની પશુઑથી જેનું રક્ષણ કરવા રાત્રિનાં જાગરણ કર્યાં, જેની સાથે મેં કાલીકાલી ભાષામાં સંવાદો કર્યા હતા-તે મારાં મૃગબાળોની તેં હત્યા કરી...?!
(ડૂમાતા સ્વરે)

વર્ષો પહેલાં મેં જેને હૃદયનો ઉમંગ માની વાવ્યું હતું,, જેનાં વર્ધનની ક્ષણે ક્ષણે મેં ઉત્સવ જેવું અનુભવ્યું હતું, જેનું એક એક પર્ણ મારે મન પ્રેમનો સંદેશ હતો... તે મારા અશોકવૃક્ષને તેં નિર્દય બની વીંધી નાખ્યું ?! …
(ધૂસકે ધૂસક્રે રડતી, ક્રમશ: નીચે બેસવાનો અભિનય કરતી, ઊભડક બેસે છે. ઉત્તરોત્તર આરોહિત સ્વરે ‘મારા અશોકવુક્ષને તેં નિર્દય બની વીંધી નાખ્યું ? ! '
વાક્ય પડઘાતું રહે છે…
પૂરુ, થોડી ક્ષણો આશ્ચર્યથી, પછી શાંત ભાવથી, પછી કરુણાપૂર્ણ દૃષ્ટિથી માતાને જોઈ રહે છે. પછી ઝડપથી દોડી રડતી માતાને વળગી પડી, મોટેથી રડવા માંડે છે.)

(અંધકાર)


0 comments


Leave comment