23 - પથ્થરો ડૂબી ગયા / ગૌરાંગ ઠાકર
આપણે માણસ થવાની તક અહીં ચૂકી ગયા,
જળને તરતું રાખવાને પથ્થરો ડૂબી ગયા.
ટોચ પરથી ખીણનું સૌંદર્ય દેખાતું નથી,
એટલે ઉપર જતાં અધવચ અમે અટકી ગયાં.
પેટનો ચૂલો ન માંગે એક પણ દીવાસળી,
ઘરનો ચૂલો ફૂંકવામાં આપણે સળગી ગયાં.
મનના મૂંઝારા વિશે કહેવું ઘણાંને હોય છે,
ભીંતને પણ કાન છે તો ભીંતમાં બોલી ગયાં !
વૃક્ષથી વરસાદ કે વરસાદથી આ વૃક્ષ છે ?
જે હશે તે પણ અહીંયાં બે જણા જીવી ગયા.
ભરબજારે અમને છેતરવા બહુ મુશ્કેલ છે,
પણ અહીંયાં વહાલની વાટે ઘણાં લૂંટી ગયા.
0 comments
Leave comment