27 - પાનખરનો વર્તારો / ગૌરાંગ ઠાકર


આ હશે પાનખરનો વર્તારો
ઝાડ પર ખાલી થાય છે માળો.

આ કબર શું ફૂલોથી શણગારો,
મ્હેક મૂકી ગયો છે સૂનારો.

જાતને ભૂલવા એ ફેલાયો,
કોઈથી એટલે ન ભુલાયો.

જીવ માફક ક્યાં સાચવો એને ?
રોજ ભૂંસાઈ જાય પડછાયો.

કેમ આવ્યા કરે સપાટી પર ?
મત્સ્યને શું છે જળનો મૂંઝારો ?

શબ્દ કાગળથી ખૂબ મોટો છે,
હાંસિયામાં ભલે ધકેલાયો.


0 comments


Leave comment