8.6 - નામ ગુમ જાયેગા, પણ ઉપનામોનું શું ? / સંવાદ / જ્વલંત છાયા


     અંગ્રેજી વર્તમાનપત્રોના કેટલાક અહેવાલો વાંચીને ક્યારેક રમેશ પારેખની કવિતાનો ખુશાલિયો યાદ આવી જાય, સમજ્યા ચંદુભાઈ ખુશાલિયાને ટેવ નડી ટેવ, ખોતરવાની. એને કાન ખોતરવાની ટેવ, દાંત ખોતરવાની ટેવ, નાક ખોતારવાનું તો બંધારણ, એવો ખોતરવે ચડ્યો કે એક દિ એણે સાથળ ખોતરી... કોણ જાણે કેમ એમાંથી ગગો ન નીકળવાનો હોય ! આવી જ એક ખોતરપટ્ટી એક સ્કૂલમાં થઇ હતી. એક એવો જ અહેવાલ - ખોતરપટ્ટી વાંચવા મળ્યો હતો કે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું ? હવે વાત સાવ તણખલા જેવી થઈ ગઈ તેની વેલ, લખનૌમાં ભણતી દસ વર્ષની વિદ્યાર્થીએ પૂછ્યું, 'અમને રાષ્ટ્રપિતા.. રાષ્ટ્રપિતા... ભણાવ ભણાવ કરો છો પરંતુ આ બિરુદ આપ્યું કોણે તે તો કહો ? વિદ્યાર્થીનો તો કોઈ વાંક નથી. અરે તેની જિજ્ઞાસાવૃત્તિને તો બિરાદાવી જોઈએ અને વળી, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભથ્થાં લઈને ય ગૃહમાં ક્લિપિંગ્સ જોવે તેના બદલે આ વિદ્યાર્થીઓ સારા, બિચારા ફી ભરીને ય પ્રશ્નો તો પૂછે !! હવે આ સવાલ ગયો દિલ્હી અને આપણે ત્યાં જે પ્રશ્ન દિલ્હી જાય તેનો કોઈ જવાબ સંતોષકારક અને આપણને ગમે તેવો આવે ખરો ? લખનૌથી દિલ્હી ગયેલો સવાલ નૅશનલ આકૉઇવ્સ ઑફ ઇન્ડિયામાં પહોંચ્યો અને જવાબ આપ્યો, 'તમારા સવાલનો અમને જવાબ મળતો નથી. આવી કોઈ નોંધ નથી !!!'

      ૧૦ વર્ષની વિદ્યાર્થીનીનો સવાલ જરા પણ અસ્થાને કે ટીકાપાત્ર નથી અને જવાબ પણ સરકારી છે એટલે ત્યાં આમ તો વાત ખતમ થઈ જવી જોઈએ પરંતુ છાપામાં એવું આવ્યું કે ગંભીર ગુનો થઈ ગયો, 'સરકાર પાસે જવાબ નથી. મોહનને કોણે રાષ્ટ્રપિતા કહ્યા.' બાબુ મોશાય, આ જવાબ હોવો જરૂરી પણ નથી. આપણે ત્યાં નહીં સમસ્ત વિશ્વમાં નેતા, અભિનેતા, સ્પોર્ટ્સ પર્સન કોઈપણને તેના ચાહકો, ભાવકો, અનુયાયીઓ કોઈને કોઈ ઉપનામ, બિરુદ આપતાં જ હોય છે. કોઈપણને આવી રીતે અપાયેલું બિરુદ લોકલાગણીનું પ્રતીક હોય છે. બાપુ કે કોઈપણ મહાન હસ્તીની વિગતો, તેણે કરેલું કાર્ય, તેનો ઇતિહાસ વગેરે બધું જ નોંધનીય અને નોંધપાત્ર છે પરંતુ તેમને મળેલું બિરુદ કોણે આપ્યું તે રેકર્ડમાં રાખવાનો વિષય નથી. હા, કોઈ યુનિવર્સીટીએ તેમને ડી.લિટ.ની પાડવી આપી હોય, કોઈ સંસ્થાએ ઍવોર્ડ આપ્યો હોય તો તેની નોંધ હોવી જોઈએ, મને ગાંધીજી માટે અત્યંત માન છે અને હું તેમના માટે એમ લખું કે ડૉ. મોહનદાસ ગાંધી, તો કોઈ પૂછી શકે કે ભાઈ આ કઈ  મેડિકલ આયુર્વેદિક કૉલેજમાં ભણ્યા હતા ? પરંતુ બાપુ મહાત્મા, નેતા માટે કોઈ રજિસ્ટર ટ્રેડમાર્કની જરૂર નથી. એટલે જે હો ગોકીરો થયો તેની જરૂર નહોતી કે રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું તે કોઈ જાણતું નથી !!! આ સાથે જ બાબાસાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા કોણે કહ્યા તેવો સવાલ પણ ઉઠ્યો હતો તે પણ તદ્દન બેબુનિયાદ છે. આવાં કોઈપણ વિશેષણો એ ડિગ્રી નથી, તે ફક્ત લોકોના આદરની નિશાની છે. કારણકે જો આવી ખોતરપટ્ટી - ખુશાલિયા જેવી કરવા લાગીએ તો તો કેટલા સવાલો ઊઠે !

        વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોણે આપ્યું ? જવાબ તો છે કે ખેડા સત્યાગ્રહ પછી મળ્યું હતું પરંતુ તેની નોંધ ઇતિહાસમાં છે, સરકારી ચોપડે નથી. રવીન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ કોણે કહ્યા ? તેમને નોબેલ કોણે આપ્યો તેવો સવાલ ઊઠી શકે પરંતુ આ બિરુદ ક્યાં નોંધાયું ? મધર ટેરેસાને દયાની દેવી કહેવાય છે, નોલો તે બિરુદ કોણે આપ્યું ? ખાન અબ્દુલ ગફારખાન-સરહદના ગાંધી, અને જવાહરલાલ નહેરુ, ચાચાજી કે પંડિતજી. ગાંધીજી એ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા છે, તેની સામે તો એવા તર્ક પણ ઊઠ્યા છે કે દેશમાં મેઘાણી કેટલા જાણીતા ? આ બિરુદ ગુજરાતમાં સતત વપરાય છે પરંતુ છે ક્યાંય તેની સત્તાવાર નોંધ ? ગાંધીજીએ જ સરોજિની નાયડુને નાઇટિંગ ઑફ ઇન્ડિયા પણ કહ્યા હતા.

      થોડા વધારે ઉદાહરણો, રાજ કપૂર ગ્રેટેસ્ટ શો મેન, મીના કુમારી ટ્રેજેડી કવીન, દિલીપ કુમાર ટ્રેજેડી કિંગ અને ધ્યાનચંદ ?હોકીના જાદૂગર !! મેજર, કર્નલ સર, હીઝ હાઇનેસ, રાયબહાદુર કે સંગીતમાં પંડિત - ઉસ્તાદ એ એક પ્રકારે ડિગ્રી ઉપાધિ, પાડવી છે એક ચોક્કસ પ્રોસેસમાંથી પસાર થયા પછી તે મળે છે, તેની સત્તાવાર નોંધ હોય છે, હોવી જોઈએ પરંતુ તખલ્લુસ કોઈ સર્જક કે કવિની પોતાની મરજી મુજબ હોય અને બિરુદ કે નિકનેઈમ કે હુલામણું પ્રજા કે ભાવકો આપે.

      ફિલ્મ કરતાં પણ ક્રિકેટમાં આવાં નામો અનેક છે. રાત જયારે પાછલી ખટઘડી એટલે કે મધ્યરાત્રે ત્રન વાગ્યે આપણને જગાડીને કોઈ પૂછે તોય કડકડાટ બોલી જઈએ, સચિન એટલે માસ્ટર બ્લાસ્ટર, ડેવિડ - વોલ, ગૌતમ ગંભીર - ગોતી, સૌરવ ગાંગુલી - દાદા ધ પ્રિન્સ ઑફ કોલકાતા, સુનિલ મનોહર ગાવસ્કર - સની, કપિલદેવ નિખંજ - હરિયાણા હરિકેન, ઇયાન બોથમ - બેફી... અને શાહિદ આફ્રિદી - બૂમ બૂમ આફ્રિદી, શોએબ અખ્તર - ધ રાવલપિંડી ઍક્સપ્રેસ, વસીમ અક્રમ - સુલતાન ઑફ સ્વિન્ગ, ઓસ્ટ્રેલિયાના રિચી બેનો - ડાયમન્ડ્સ, એલન બોર્ડર - એબી, કૅપ્ટન ગ્રમ્પી, ગુજરાતના કુમારશ્રી દુલિપસિંહ - મિ. સ્મિથ, વેસ્ટઇન્ડિઝના માઇકલ હોલ્ડિંગ - વિસ્પરિંગ ડેથ, ગાવઇન લાર્સન - પોસ્ટમેન, પટૌડી - ટાઇગર.

         અરે ટીમના પણ નામ ઉપરાંત નામ છે, બાંગ્લાદેશ - ટાઇગર, ભારત - મેન ઇન બ્લૂ, ન્યૂઝિલેન્ડ - બ્લેકકેપ્સ, પાકિસ્તાન - મેન ઇન ગ્રીન, સાઉથઆફ્રિકા - ધ સ્પ્રિંગ બૉક્સ... અને અમ્પાયર્સ ? હારોર્લ્ડ બર્ડ્ઝ ડિકી બર્ડ્ઝ, ડેવિડ શેફર્ડ - શેપ.

       અહીં સવાલ ઊઠ્યો છે રાષ્ટ્ર્પિતાનો તો અમેરિકામાં પણ પ્રમુખોના નામ છે, તેમાંના કેટલાય બદનામ પણ છે - ક્રેડિટ ગોઝ ટુ મોનિકા વગેરે !! પરંતુ ઉપનામો શું ? જ્યોર્જ વોશિંગટન -ફાધર ઑફ હિઝ કન્ટ્રી (રાષ્ટ્રના પિતા), એક ક્રાંતિકારી લડાઈ માટેની ફેબિયન સ્ટ્રેટેજી સંદર્ભે તને અમેરિકન ફેબિઅસનું બિરુદ અપાયું હતું. થોમસ જેફર્સન-એપસોટલ ઑફ ડેમોક્રસી, મેન્હોફ ધ પીપલ તરીકે ઓળખાતા, એન્ડખ જેક્સન ધ હીરો ઑફ ન્યુ ઓરલેન્સ તરીકે જાણીતા હતા અને અમેરિકાના જ પ્રેસિડન્ટ માર્ટિન વાન બરેનના નામ હતાં - કેરફુલ ડચમેન, ગ્રેટ મેનેજર, લિટલ મેજેસિયન, માસ્ટર સ્પિરિટ, રેડ ફોક્સ... પ્રેસિડન્ટ જ્હોન ટેલરને હિઝ એક્સિડન્સી તરીકે ઓળખવામાં આવતા, અબ્રાહમ લિંકન - ધ એન્સિયન્ટ વન, ધ લિબરેટર, રેલ સ્પિલટર, ટાયકુન, અંકલ એબ તરીકે ઓળખાતા અને તે બધાના કારણો હતાં.

       જેમ્સ ગારફિલ્ડ, બેન્જામિન હેરિસનના પણ હુલામણા નામો એટલે કે એક રીતે જોઈએ તો તેમણે કરેલાં વિવિધ કામોને લીધેકે પછી લોકોએ પ્રેમથી આપ્યાં હોવાને લીધે બિરુદ હતાં. બુશ અબે ક્લિન્ટનના પણ આવાં નામો હતાં. આવાં નામોની નોંધણી થઇ જ નથી તેવું અધિકૃત માહિતી નથી પરંતુ આવા બિરુદોની સત્તાવાર નોંધ તો ન જ હોય જેમ અગાઉ કહ્યું તેમ કોઈ સંસ્થા-સંગઠન એવૉર્ડ કે પાડવી આપે તો ઠીક છે. પદ્મશ્રી કોઈના નામની આગળ લાગે તો આપણને હક્ક છે કે પૂછીએ કે ભાઈ આને આ ખિતાબ ક્યાં વર્ષની ૨૫મી જાન્યુઆરીએ જાહેર કરાયો હતો.? બાકી લોકો તો નામ આપે પ્રેમથી.

         અરે, માણસ તો ઠીક, ગામોના પણ નામ છે આપણે ત્યાં. મોરબી તો કે સૌરાષ્ટ્રનું પેરિસ અને જામનગર છોટીકાશી, કપિ શહેરને વળી ગુજરાતનું માન્ચેસ્ટર પણ કહેવાય છે. કોલકાતાને સિટી ઑફ જોયનું લેબલ છે તો નર્મદ સુરત ડાયમન્ડ સિટી પણ છે. સિટી ઑફ લેક અને સિટી ઑફ પેલેસ રાજસ્થાનમાં જ છે તો !!!

      હુલામણા નામો કે બિરુદ કોઈ વ્યક્તિની લાક્ષણિકતા, તેના કામ, તેના પ્રદાન-યોગદાનને લીધે અપાય છે. તે લોકોના લાડનું પ્રતીક છે. તેની નોંધણી ન હોય. આવા ઘરઘરાઉ વ્યવહારમાં પણ બાબુભાઈ (બાભભાઈ), છોટુભાઈ વગેરે હોય છે અને રાજુ તો કોમન છે એવા અનેક નામો અને ઉપનામો છે. ગાંધીજી જો દેશના રાષ્ટ્રપતિ બન્યા હોત તો તે સવાલ યોગ્ય હતો કે તેમને કોણે માટે આપ્યા તેની નોંધ છે ? પરંતુ રાષ્ટ્રપિતા કોઈ હોદ્દો નહોતો, એ ઓથોરિટી વીધાઉટ ડેઝિગેશન હતી. તેની નોંધ ન હોય. દેશને પિતાની જેમ વાત્સલ્ય. પિતાની જેમ માર્ગદર્શન અને પિતાની જેમ છત્ર તેમણે આપ્યું તેથી તેઓ રાષ્ટ્રપિતા કહેવાય. કોણે તે ઉપનામ આપ્યું તેની નોંધ હોય તો સારું, તે મળી જાય તો ય સારું પરંતુ ન મળે તો તે સરકારી રેકર્ડની કોઈ ખામી ન ગણાય. નામ વ્યક્તિના હોય, બિરુદ વ્યક્તિત્વને અપાય છે.

       નામની વાત આવવા તો રાશિ પણ આવે, ગૌત્ર-નક્ષત્ર પણ આવે. શહેર, રાજ્ય, પિતા-પરિવાર પણ આવે. દક્ષિણમાં વ્યક્તિને અપાતાં નામોની ફૉર્મ્યુલા કંઈક જુદી છે. અને મણિપૂરમાં તે અલગ રૂપ લઈલે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં નામ પછી પિતાનું નામ અને પછી અટક બોલાય છે. કેરળમાં નામ હોય છે, કૈનથકરુણાકરન મારાર. અર્થાત - કૈનથ પરિવારમાંથી, મારાર જાતિમાંથી આવતા આ ભાઈનું નામ કરુણાકરન છે. આવી રીતે દરેક પ્રાંતમાં નામ પાડવાની, આપવાની પદ્ધતિ અલગ છે. પરંતુ નામ આખરે નામ છે. નરસિંહે કહ્યું હતું, ' નામ રૂપ જૂજવા' - અને સૈકાઓ બાદ સુરેશ દલાલે કહ્યું,  'લાવ નદીના પટ પર તારું નામ લખી દઉં...' મધુરાયે પણ પૂછ્યું જ છે ને ? 'કોઈ એક ફૂલનું નામ બોલો.' તમને ખબર છે વી.આનંદમાં નામ ક્યાં ને અટક ક્યાં ? પરંતુ આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાના મુખે સંવાદ છે - 'આનંદ મરા નહીં, આનંદ માટે નહીં...' બિરુદો પણ ક્યારેય મર્યા નથી. તે વિશેના સવાલો અને વિવાદો પણ નથી અટકતા. ગાંધીજીને મહાત્મા કોણે કહ્યા હતા ? ટાગોરે કે ગોંડલે ? ખ્યાલ છે ? અહીં તો બિરુદે જ અટકીએ - નામ વિષે ફરી ક્યારેક વાત કરીશું - બસંતી તેરા નામ ક્યાં હૈ એમ પૂછીને !!


0 comments


Leave comment