37 - નથી ક્યાંય છાંયો કસર વૃક્ષની છે / ઉર્વીશ વસાવડા
નથી ક્યાંય છાંયો કસર વૃક્ષની છે,
તળેટીનો રસ્તો કબર વૃક્ષની છે.
દીસે જંગલો તસવીરોમાં જ ગાઢાં,
ને લાચાર એમાં નજર વૃક્ષની છે.
વસંતો અને પાનખર બેઉ સરખાં,
કશી ક્યાં હવે અહીં અસર વૃક્ષની છે.
ભર્યું ભાદર્યુ છે બધું માણસોથી,
કામો કોઈ પણ છે અગર વૃક્ષની છે.
હવે માત્ર ટહુકા સ્મૃતિમાં મળે છે,
બધે મૌન કોયલ વગર વૃક્ષની છે.
0 comments
Leave comment