33 - વખત વિતાવું છું / ગૌરાંગ ઠાકર
ક્યાં હું એમાં કશું ગુમાવું છું ?
મારી સાથે વખત વિતાવું છું.
વાત બહુ ખાનગી જણાવું છું,
ફૂલ પાસે ગઝલ લખવું છું.
કેવી રીતે મકાન ઘર થાશે ?
દીકરીને હું એ ભણાવું છું.
મુગ્ધતા આંખને મળે ત્યારે,
ગાલે ટપકું તરત લગાવું છું.
મારો ઈશ્વર હવે મલાજો રાખ,
હું તને સઘળે ઓળખાવું છું.
જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.
વિસ્તરે ઘરથી રોજ અનહદમાં,
મારી એવી છબી કઢાવું છું.
0 comments
Leave comment