44 - ‘વિસરાતી વાણી’ / ૧. ભજનની ભીતરમાં / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


(પ્રભાતી)
રંગમાં રમાડી રમાડી મુંને,
હેતમાં હુલાવી રે,
આજ સખી રે ઓલ્યે શામળિયે,
મુંને રંગમાં રમાડી રે... આજ સખી રે...

સપના સુખમાં હું રે સૂતી’તી, નીંદરમાંથી જગાડી રે,
પિયુજીની પ્રેમ પટોળી મારા, અંગ પર ઓઢાડી રે...
આજ સખી.....

અડધી રેને હું રે જાગી, વાલાજીએ વેણ વગાડી રે,
ગગન મોતીડે વા’લોજી જાગ્યા, ફોર્યું દ્યે ફૂલવાડી રે....
આજ સખી....

કૂડા કૂડા સ્નેહ છોડાવ્યા, મુંને એવી કીધી આડી રે,
કસતવાળે કાનુડે અમને, પ્રીતે લીધાં પાડી રે....
આજ સખી....

દાસી જીવણ કે’ ભીમ પ્રતાપે, દરશનિયાં દેજો દાડી દાડી રે,
વા’લાજીના વદન નીરખી, ઠરે મારી નાડી રે....
આજ સખી.....
      આપણા મધ્યકાલીન સંત-ભક્ત કવિઓએ પરમાત્મા મિલનની- પિયુમિલનની ક્ષણોને તાદૃશ કરતી કેટલીક સરસ પદ્યરચનાઓ આપી છે. નરસિંહથી માંડીને દયારામ સુધીના સંત-ભક્ત કવિઓની રચનાઓમાં, આ વિષયવસ્તુ, આ ભાવ, આ પ્રસંગનિરૂપણ પોતપોતાની સર્જક પ્રતિભા પ્રમાણે કવિતાકલા-સૌંદર્યનાં મૌલિક ઉન્મેષોની અવનવી ભાત પાડે છે. શૃંગારનું નવતર પરિમાણ પ્રગટાવીને કાવ્ય કોટિએ પહોંચેલાં કેટલાંક ભજનો નારીસહજ હૃદયની સંયમ સુકુમારતાને કારણે અતિશય લોકપ્રિય પણ બન્યાં છે. પ્રસ્તુત ભજન તેમાંનું એક છે.

      દાસી ભાવે પ્રેમલક્ષણા ભક્તિનું ગાન કરનારા ‘દાસી જીવણ’ની આ રચનામાં પરબ્રહ્મ પરમાત્માનો મિલનનો ભાવ કવિના રચના કૌશલ્યને કારણે એક સરસ કલાકૃતિ તરીકે કઈ રીતે શબ્દબદ્ધ થાય છે તેની વાત અહીં કરવી છે. સાથોસાથ એમાં શબ્દ-પસંદગી, લય, સંગીત, કલ્પન, પ્રતીકાયોજન અને ધ્વનિવ્યંજના જેવાં તત્વો એકબીજા સાથે ગૂંથાઈને કેવું મનોહર સ્વરૂપ ધારણ કરે છે તે અવલોકવાનો પ્રયાસ છે.

      હરિ-મિલનનું સંયોગાવસ્થાનું સૂચન કવિ પ્રારંભમાં જ ‘રંગમાં રમાડી રમાડી મુંને...’ એ પ્રથમ પંક્તિમાં કરે છે. પ્રિયતમની સાથે ખેલેલા રંગવિહારની વાત સખી સિવાય બીજા કોને કહી શકાય ? નટવર નાગર શામળિયાએ એની પ્રિયતમાને કેવી રીતે રંગમાં રમાડી છે, હેતમાં હુલાવી છે તેની વાત સખીને કરતી એક માનિનીના હૈયાનો હર્ષ અહીં છતો થયો છે.

      શમણાંનાં સુખોમાં સ્વૈરવિહાર કરતી સુગર્વિતાને નીંદરમાંથી જગાડી, પોતાનું ઉપવસ્ત્ર –પટોળી એના અંગ પર ઓઢાડી વેણુ વગાડતાં કૃષ્ણ કનૈયાએ પ્રેમથી કેમ જીતી લીધું એનું વર્ણન કરતાં આખા પ્રસંગનું આલેખન થયું છે.

      આકાશમાં તારલાઓ મોતીઝૂલ બિછાવી હોય એમ ટમટમતા હતાં, ફૂલવાડીમાંથી મત્ત સુગંધ ફોરી રહી હતી ત્યારે દુન્યવી સંબંધોનાં ઝાળાં તોડી, એની માયા છોડાવી આડી પાળ બાંધી દઈને કિસ્મતવાળા કાનુડાએ પ્રેમથી અમને મેળવી લીધાં એમ સખીને પોતાના સ્વાનુભવની વાત કહેતી પ્રિયતમાની મનોભૂમિકા દાસી જીવણે પ્રસ્તુત ભજનમાં સ્પષ્ટ કરી છે. વાલાજીનું વદન નીરખતાં જેની નાડી ઠરે છે, અંતરમાં શાતા વળે છે એવા દાસી જીવણે આત્મા-પરમાત્માના શાશ્વત સંબંધને પ્રિય-પિયુના રૂપક દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

      પ્રથમ પંક્તિમાં મિલન શૃંગારના વર્ણન માટે ‘રંગમાં રમાડી’ અને ‘હેતમાં હુલાવી’ એ બે પ્રક્રિયાઓ એક સાથે દર્શાવીને કવિ પોતાના અંતરના ભાવને વધુ પુષ્ટિ આપવા પ્રયાસ કરે છે. અતિશય સ્નેહ સાથે પ્રિયતમે રંગમાં રમાડી છે, માત્ર પોતે મોજ કરીને ચાલ્યો જનારો પ્રિયતમ નથી, અહીં ગૌરવનો ભાવ પણ સૂક્ષ્મ રીતે આલેખાયો છે અને હુલાવી ફૂલાવીને, સમજાવી પટાવીને, પોતાની પ્રેમપટોળી મારા અંગ પર ઓઢાડીને મને ઊંઘમાંથી જગાડીને કિસ્મતવાળે કાનુડે લાડ લડાવ્યા છે તે મારી ચાહના પ્રાપ્ત કરી છે, ને એ કારણે તો તેનું મુખકમળ જોઈ મારી નાડી ઠરે છે, આ સમગ્ર ભાવપરિવેશ માત્ર બે શબ્દો ‘રંગમાં રમાડી મુંને હેતમાં હુલાવી રે....’માં લાઘવની ત્રેવડથી દાસી જીવણ આલેખી દે છે. ‘શામળિયો’, ‘કાનુડો’ જેવા લઘુતાદર્શી રૂપો એનાં નિકટનો સંબંધ દર્શાવે છે.

      સૂતેલી પ્રિયતમાને જગાડવા આવે, પોતાની પટોળી ઓઢાડે, જગાડવા માટે વેણ વગાડે એવો વ્હાલમે તો કોઈક ભાગ્યશાળીને જ હોયને. પોતાના આ સદભાગ્યની વાત કવિ પોતાની સખીને કહેવા ઈચ્છે છે, પ્રિયપાત્ર દ્વારા ઊંઘમાંથી જગાડવાની ક્રિયાથી માંડીને રંગમાં રમાડવાની ક્રિયા સુધીના કવિચિત્તના ભાવોને પ્રભાતી ઢાળની પદ રચનામાં ઢાળીને કવિ સવારમાં ઊઠતાવેંત, પોતાની સખીને આજની રાતની વાત કરતી કોઈ પિયુંઘેલી નવોઢાના મનોભાવોનું સરસ ચિત્ર આલેખે છે. ભાવને કલાત્મક રીતે અભિવ્યક્ત કરવાની રીતિ, અર્થપૂર્ણ રીતનું લય આયોજન અને સ્પર્શક્ષમ એવા કલ્પનોનો વિનિયોગ દાસી જીવણની કવિપ્રતિભાનાં દ્યોતક છે. વાતચીતનો લહેકો અર્પે એવી ટૂંકી વાક્યરચનાવાળી બાની લઈને દાસી જીવણે પોતાની હરિ-મિલનની ક્ષણોને તાદૃશ રીતે ચિત્રિત કરી છે.

      પરબ્રહ્મ પરમાત્માના મિલનનો ભાવ અહીં વ્યક્ત થયો છે. સદગુરુની કૃપાથી કવિને – સાધકને જે ક્ષણની પ્રાપ્તિ થઈ છે, જે અલૌકિક અનુભવ થયો છે એને સરળ શબ્દોમાં – પ્રતીકાત્મક વાણીમાં રજૂ કરવાની કવિની નેમ અહીં સફળ થઈ છે.

      સ્વપ્નસુખમાં સૂતેલા માનવી પર –સંસારના સુખોને સત્ય માનીને એમાં રચીપચી રહેલા માનવી ઉપર પરમતત્વની કૃપા થાય ત્યારે સ્વપ્ન જેવા મિથ્યા સુખોની એને સાચી ઓળખાણ આપી અજ્ઞાનરૂપી ઊંઘમાંથી જાગૃત કરી હરિકૃપારૂપી પ્રેમપટોળી ઓઢાડી ડે છે. દાસી જીવણને અર્ધ નિશાએ – અંધકારમય જિંદગીની અધવચાળે ગુરુની કૃપા થઇ, ને સાચું જ્ઞાન લાધ્યું, જાગરણ થયું, વાલાજીએ અનહદનારૂપી વેણુ વગાડી, હઠયોગમાં જેને શૂન્ય શિખર કહે છે એ સ્થાન ‘ગગન’માં સૂરતા ચડી, કાયાવાડી શરીરરૂપી બાગમાં ફોરમ છૂટીને મોહ, માયા, કામ, ક્રોધ, મદ, મત્સર જેવાં હીં તત્વો સાથે જે દુન્યવી સંબંધ બંધાયેલો હતો તે છોડાવી એના આડી પાળ બાંધી દીધી. બંધી ફરમાવી દીધી. એથી રોમે રોમ આનંદની લીલાલ્હેર થઈ ગઈ ને વિરહની ઝાળમાં પ્રજળતા આત્માને પરમાત્માનું મિલન થતાં પરિતૃપ્તિનો અનુભવ થયો. આવા ચૈતસિક વ્યાપારોનું આલેખન દાસી જીવણે પ્રસ્તુત ભજનમાં કર્યું છે.

      ‘હુલાવી’ શબ્દ અહીં દૃશ્યકલ્પન બની રહ્યો છે, પ્રિયતમની પ્રિયતમા પ્રત્યેની આસક્તિની એક મોહક ચેષ્ટા એમાં ઝીલાયેલી છે. લાડ, પ્રેમ કે સ્નેહના ઉમળકાથી હુલાવી ફુલાવીને લાડઘેલી પ્રિયતમાને રીઝવતા પ્રિયતમનું રમતિયાળ સ્વરૂપ અહીં ચિત્રિત થયું છે. ‘હુલાવી’ શબ્દ દાસી જીવણનાં અન્ય ભજનોમાં ‘કટારી હુલાવવી’ એવા અર્થમાં પણ વપરાયો છે, પણ અહીં તો રંગરસિયા એવા વ્હાલમ સાથેના ઉલ્લાસમય શૃંગારનું આલેખન કરવા આ શબ્દ પ્રયોજાયો છે. પોતે અનુભવેલી એક અલૌકિક ઘટનાને – પોતાના ચિત્તના સંવેદનોને આત્યાત્મક સ્વરૂપ આપીને કવિ કલાત્મક રીતે આપણી દર્શાનેન્દ્રીયને પ્રેરે એવું શબ્દચિત્ર આલેખે છે. તળપદા કાઠિયાવાડી બોલીના શબ્દો-શબ્દપ્રયોગો : રંગે રમાડી, હેતે હુલાવી, વેણ વગાડી, ફોરી ફૂલવાડી, નીંદરથી જગાડી, અંગે ઓઢાડી, પ્રીતે લીધાં પાડી, ઠરી મારી નાડી, એવી કીધી આડી...માં અનાયાસે પ્રાસાનુપ્રાસની ગોઠવણી થતી આવે છે, કવિએ ક્યાંય શબ્દ શોધવાની મથામણ કરી હોય એવું જોવા મળતું નથી, એક એક શબ્દ ભારે સૂક્ષ્મ અર્થચ્છાયાઓ પ્રગટાવે છે, જેમ જેમ એમાં ઊંડા ઉતરતાં જઈએ તેમ તેમ એનાં ભાવસ્પંદનો વિસ્તરે છે. સમગ્ર પદમાં ક્યાંયે સ્થૂળ કે અનુચિત પ્રેમચેષ્ટાનું આલેખન કાર્ય અવિના લાઘવની ત્રેવડથી કવિ આસાનીથી પરિતૃપ્તિનો અનુભવ વર્ણવી શક્યા છે એ જ કવિકર્મનું સાફલ્ય છે.


0 comments


Leave comment