39 - જરૂરી નથી / ગૌરાંગ ઠાકર
એક પણ સ્વપ્નની જી-હજૂરી નથી,
મારી નીંદરને કાળી મજૂરી નથી.
કોઈને એટલે ઓળખી ના શક્યો,
જાણકારી મને મારી પૂરી નથી.
જે ઘડી કોઈ ભીનાં હૃદયથી મળે,
ત્યારે વરસાદ આવે, જરૂરી નથી.
પ્રેમમાં એક સમજણ જરૂરી છે પણ,
દોસ્ત, દીવાનગી ચીજ બૂરી નથી.
પાછલા જન્મની કોઈ પીડા હશે,
બાકી ઈચ્છા અહીં મેં વલૂરી નથી.
તું અહીંયાં મળી જાય બે-મત નથી,
માત્ર મારામાં શ્રદ્ધા સબૂરી નથી.
0 comments
Leave comment