41 - સમજાઇ જાય છે / ગૌરાંગ ઠાકર
હું એકઠી કરું અને વેરાઈ જાય છે,
સુખની પળોમાં મન હવે ગભરાઈ જાય છે.
એવું નથી કે જીવવા ખુશ્બૂ જ જોઈએ,
વંટોળથીય શ્વાસ તો સચવાઈ જાય છે.
ધોવાણ કે પુરાણ એ બન્ને ગતિથી થાય,
કાંઠે ઊભા રહો પછી સમજાઈ જાય છે.
પગલાં કે પગરવો વિના આવે છે મારે ઘેર,
તારા સ્મરણ પછી ઘણું રોકાઈ જાય છે.
જળની જ હોત તો બધાંને યાદ હોત પણ,
મૃગજળની ઘાત દોડમાં ભુલાઈ જાય છે.
એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો,
બસ, ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે.
0 comments
Leave comment