42 - હોતો નથી / ગૌરાંગ ઠાકર
પ્રેમની પળનો વિલય હોતો નથી.
ફક્ત આપણને સમય હોતો નથી.
તું કહે જ્યારે કે હું હારી ગઈ,
એ પળે મારો વિજય હોતો નથી.
બેફિકર છું જિંદગીથી એ રીતે,
પાનને ડાળીનો ભય હોતો નથી.
હું હૃદય ખોલીને બોલું તો કહે,
તારી વાતોમાં વિનય હોતો નથી.
પર્ણ લીલુંછમ ગુમાવે ડાળ તો,
વૃક્ષમાં શું એ પ્રલય હોતો નથી ?
બોલ તું સંવાદની છોડી ફિકર,
વહાલ કહેવામાં વિષય હોતો નથી.
બ્હારથી લાગે બધું છો તાલબદ્ધ,
આપણો ભીતરથી લય હોતો નથી.
0 comments
Leave comment