3 - દ્વિધાના દ્વીપ ઉપર ઊભા રહીને.... / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


      લઘુનવલ ‘સમયદ્વીપ’ પ્રગટ થઈ રહી છે ત્યારે કેટકેટલાં સંવેદનો અને સંસ્મરણો મુખર બનીને રણઝણવા માંડે છે !

      શૈશવકાળે શેરીના શિવાલયમાં રોજ મધ્યાહને અને સાંજે વાગતી આરતી-ટાણાની ઝાલર અને ગુંજતો મંત્રોનો ઘોષ, મહા-શિવરાત્રિના ઉત્સવનો ઉલ્લાસ, ભજનોની રમઝટ, હાર્મોનિયમના થિરકતા સૂર, પ્રસાદ માટેની ઉત્સુકતા અને કપાળે થતી ભસ્મની અર્ચા....

      સાથોસાથ ઘરમાં નિત્યક્રમરૂપે પડઘાતા રહેતા સામવેદના મંત્રો, સ્વર-છંદના આરોહ-અવરોહ, ધાતુ કે પાષાણ કે કાષ્ઠની દેવમૂર્તિઓની દૈનંદિન પૂજા, વિવિધ ઉત્સવોનો ઉજાસ અને ધ્વનિ, સ્પર્શા-સ્પર્શ-ભક્ષાભક્ષના અગણિત નિયમોની ચુસ્તતા અને આચાર..

      હજીયે નિકટના ગણેશમંદિરમાં રોજ સવારે ઘંટારવ થાય છે ને ટીણિયાતોળી પ્રસાદ લેવા દોટ મૂકે છે અને હું વિવિધ ભાવસ્પંદનોમાં ડૂબતો બારીએ ઊભો રહી લગભગ રિક્ત આંખે તે જોયા કરું છું. વિશિષ્ટ ઉત્સવપ્રસંગોએ હજી એ મંદિરમાં પૂજાઅર્ચા, મંત્રપુષ્પાંજલિ, અભિષેક ઇત્યાદિનો ઉપક્રમ પૂરા ઉત્સાહથી યોજાય છે ને એમાં સુશિક્ષિતો પણ ભાવપૂર્વક જોડાય છે અને ત્યારે મારા મનમાં અણુવિદ્યુતમથકોનાં રાક્ષસી યંત્રોથી માંડીને ઓઈલ રિફાઈનરી, સ્ટીલ પ્લાન્ટ અને સ્મગલ્ડ ટી.વી. નિહાળતા નવધનિકોનાં દૃશ્યો તરી આવે છે....

      મંદિરોમાં હજી ટોળાંનો અભાવ નથી, કથાસપ્તાહોમાં માનવમેદનીનો પાર રહેતો નથી, ચમત્કારોની વાતો હવામાં સતત ગૂંજતી રહે છે, મંત્રેલું પાણી કે ફૂંક લેવા લાખો લોકો ઊમટે છે અને ત્યારે....

       ઘરમાંથી બહાર નીકળતી વખતે હજી ઇષ્ટદેવીની છબી તરફ લગભગ અચૂક આંખ મંડાઈ જાય છે. મૂંઝવણ-અશાંતિને પ્રસંગે તેનું સ્મરણ પણ થાય છે, પણ મંદિરોમાં જવાનું ભાગ્યે જ બને છે અને ગયા પછી મનને ઝાઝું સમાધાન મળતું નથી.

      રેશમી-ઊની વસ્ત્રો અને પિત્તળ-પાષાણની ઝાંખી મૂર્તિઓ, સંધ્યા-પૂજા, મંત્રોચ્ચાર અને તુલસી-દૂર્વા-બીલીપત્રમાં વસતો મનાતો ધર્મ ઘસાતો જતો હોય એમ લાગે છે. અને તે સાથે જ શ્રદ્ધાઓ, મૂલ્યો, નિષ્ઠાઓ તથા વિશ્વાસોનો એક પ્રલંબ સમયખંડ પણ ભારેસલ્લ શિલાની જેમ બ્રહ્માંડના અસ્તિત્વના જલધિને તળિયે બેસતો જતો હોય એવો અનુભવ થઇ રહ્યો છે. વ્યતીત સમયનાં બધાં જ મૂલ્યો અને માન્યતાઓને વળગી રહી શકાયું નથી, તો નવા સમયનાં બધાં જ મૂલ્યો અને માન્યતાઓ સાથે પણ હજી સહમત થઈ શકાતું નથી. આને જ કદાચ સંક્રાંતિ કહેતા હશે લોકો. દ્વિધાના દ્વીપ ઉપર ઊભા રહી અંતિમ પ્રતીતિની નૌકા દૂર-સુદૂરની ક્ષિતિજેથી ધીમે ધીમે દૃષ્ટિમર્યાદામાં ઊપસશે એવી આશાએ પ્રતિક્ષા લંબાતી રહે છે. પણ કોઈ પ્રતીતિ અંતિમ હોઈ શકે ખરી ?

      આવી બધી પ્રશ્નમાલાઓમાંથી ‘સમયદ્વીપ’ સરજાઈ છે, પણ હું સમજુ છું કે એ પ્રશ્નમાલાઓ તો raw material છે. એમાંથી કૃતિનો કલાઘાટ કેવોક નીપજ્યો છે તે જ વાત મહત્વની છે. એનો તોલ વાચકો અને વિવેચકો કરશે.

      ‘સમયદ્વીપ’માં શ્રી હરીન્દ્ર દવે, શ્રી ઘનશ્યામ દેસાઈ, રાધેશ્યામ શર્મા, પ્રા.જયદેવ શુક્લ વગેરે મિત્રોએ ઉત્કટ રસ લીધો છે તે કેમ વિસરાય ?
- અને હાર્દિક આભાર :
પ્રસ્તાવના લખવા બદલ પ્રા. નટવરસિંહ પરમારનો;
ચિત્રો પ્રગટ કરવાની અનુમતિ અર્પવા બદલ જાણીતા કલારાર શ્રી વૃન્દાવન સોલંકીનો;
ચિત્રોના બ્લોકસ આપવા બદલ ‘સમર્પણ’ પાક્ષિકના તંત્રી-સંપાદકનો અને ભારતીય વિદ્યાભવનના સંચાલકોનો;
અતિ પ્રતિકૂળ સંજોગોમાં પણ આ નાનકડા પુસ્તકનું પ્રકાશન કરવા બદલ શ્રી ભગતભાઈ શેઠ અને શ્રી ધીરુભાઈ મોદીનો.
- ભગવતીકુમાર શર્મા
દેસાઈ પોળ, એનીબેસન્ટ રોડ, સુરત – ૧


0 comments


Leave comment