1 - પ્રકરણ - ૧ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


      નીલકંઠની નજર અચાનક જ દીવાલ પર લટકતા કેલેન્ડર પર પડી. ચિત્ર ઉપર તો દૃષ્ટિ સ્થિર ન થઈ; ચિત્ર ક્યાં ગમે તેવું હતું ? પણ તારીખનો મોટો આંકડો વર્તાયો, પછી તિથિ અને વાર... તિથિની સંખ્યા મનમાં સ્પષ્ટ થતાં થોડીક ક્ષણો લાગી- મહિનો, શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ ? (मासोत्तमे मासे माघ मासे कृष्ण पक्षे तिथौ... આ શબ્દો ક્યાંથી યાદ આવી ગયા ?) વિમાસણ જાગી અને શમવા લાગી. દરમાંથી ફેણ કાઢતા સાપની માફક સ્પષ્ટતા લપકી ગઈ : ત્રણચાર દિવસ પછી મહાશિવરાત્રિ આવશે ! એ સાથે જ તે એક અદમ્ય ટેન્શનની સ્થિતિમાં ધકેલાઈ ગયો; મહાશિવરાત્રિ એ જાણે કોક ધસમસી રહેલી ટ્રેન હોય અને પોતાનો પગ પાટાઓની વચ્ચે ફસાઈ ગયો હોય એવી કંઈક લાગણી.... કેલેન્ડરમાંનો તારીખનો મોટો આંકડો સંકોચાઈ ગયો અને તિથિની નાની સંખ્યા રાક્ષસી રૂપ ધારણ કરીને તમતમી રહી. ફક્ત ત્રણચાર દિવસ અને ફરી એક વાર મહાશિવરાત્રિ !

      આજકાલમાં સૂરાથી બાપુનો પત્ર આવવો જોઈએ : ‘ભાઈ નીલકંઠને માલૂમ થાય કે મોટી શિવરાત્રિ આવે છે તો તું દસ વરસની જેમ આવી પહોંચજે. આપણે અહીં મંદિરમાં મોટો ઉત્સવ રાખ્યો છે. મુંબઈની દોડાદોડમાં રખે ભૂલી જતો... મહેશને જુદો કાગળ લખ્યો છે. એ પણ આવશે જ. આ વખતે બધો બોજો તમારે બે ભાઈઓએ ઉપાડી લેવાનો છે, મારી તો ઉંમર થઈ... તારી બાની તબિયત નરમગરમ –‘ અને પત્રના બાકીના શબ્દો નીલકંઠે કલ્પનાથી ગોઠવી લીધાં અને તેમ તેની પેલી ટેન્શનની લાગણી ઘેરાશ પકડતી ગઈ. ઊભો થઈને તે કેલેન્ડરની નજીક ગયો, પતકડાં ઉથલાવ્યાં. ત્રણ-ચાર દિવસ પછીના પતાકડા પર શિવરાત્રિની રજાનો લાલ રંગનો છાપેલો ઉલ્લેખ જોયો. શંકરનું એક નાનકડું ચિત્ર પણ હતું. હવે ત્રણચાર દિવસ પછી મહાશિવરાત્રિ હતી એની શંકા ન રહી. કેલેન્ડર પાસેથી ખસીને એ ખુરશી પર બેસી પડ્યો. એની આંખો સહેજ બિડાઈ ગઈ. શૈશવનું એક સ્મરણ માનસપટ પર ઊપસી આવ્યું. શંકરનું ચિત્ર દોરવા વિશે તેણે મહેશભાઈ સાથે હંમેશાં ઝઘડો થતો. મહેશભાઈ શંકરને મોટી મૂછો અને દાઢીવાળા ચીતરતા. પોતે શંકરને લગભગ સ્ત્રી જેવા સુકોમળ બનાવી દેતો. પછી બંને બાપુ પાસે દોડી જતાં : ‘કહો બાપુ, કોના મહાદેવજી ખરાં ?’ બાપુ બંનેનાં ચિત્રો જોતા, પછી એમની આંખો હસી ઊઠતી, એમના ભસ્મચર્ચિત કપાળ પરણી કરચલીઓ ઊંડી ઊતરતી ને તેઓ બંને પુત્રોને વાંસે હાથ ફેરવી ઘેરા, ઘૂંટાયેલા પણ મીઠા કંઠે કહેતા : તમારા બંનેના મહાદેવજી સાચા છે હોં. ભગવાન છેવટે તો મનમાં વસે... છે... એવું ઘણું એ બોલતાં, પણ તે કાંઈ સમજાતું નહિ અને મહેશભાઈ સાથેના ઝઘડાનો અંત પણ ન આવતો. ઊલટું મનમાં શંકા જાગતી : બંને મહાદેવજી કાંઈ સાચા હોય ? પછી બાપુજીના ચુકાદામાં શંકા શી રીતે ઉઠાવાય એવો પ્રશ્ન થતો. છેવટે સમાધાન શોધાતું : ‘બાપુજીએ મારા મહાદેવજીને સાચા કહ્યા.’ મહેશભાઈ ઝાઝી દલીલો ન કરતા – ન કરી શકતા. એમને ચૂપ કરી દેવાનું ત્યારે મુશ્કેલ ન હતું. પછી બીજી રમતમાં આપોઆપ ગૂંથાઈ જવાતું....

      કેલેન્ડરમાંના શંકરનું ચિત્ર કેવું હતું : ઉગ્ર કે સૌમ્ય ? નીલકંઠને વિચાર આવ્યો. આટલી વારમાં તો એ વિગતો તે ભૂલી ગયો હતો. હવે એ વિગતો યાદ કરવાની જરૂર નથી, તેણે વિચાર્યું અને તે ઊભો થયો. ઘડિયાળમાં જોયું : નવ વાગી ગયા હતા. હજી તો દાઢી કરવાની હતી. પછી સ્નાન, પછી કપડાં બદલીને ઓફિસ, રસ્તે કોઈક હોટેલમાં... નિ:સહાયતાનો ભાવ તેણે થોડીક ક્ષણો માટે તીવ્રપણે અનુભવ્યો અને પછી તેણે ભૂંસી નાંખવાનો પ્રયત્ન કર્યો. પણ તરત ખ્યાલ આવ્યો : દાઢી માટે ગરમ પાણી જોઈશે... ગેસ... દીવાસળી... વાડકો... સાંણસી... હોઠ ભીંસીને તેણે દાઢી કરવાનો વિચાર માંડી વાળ્યો : કરકરાં જડબાં પર હાથ ફેરવી તે મનોમન બોલ્યો : દાઢી કર્યા વગર ચાલશે... અથવા સલૂનમાં... વળી વિચાર બદલાયો : પાણી ગરમ કરવાની યે મારામાં શક્તિ નથી?.. અને તે ખૂણામાંના ગેસનાં સિલિન્ડર પાસે ગયો. ખૂબ પ્રયત્ન પછી મેચબોક્સ શોધી, ગેસનું ચક્ર ઘુમાવ્યું, સ્વિચ ઓન કરી અને તે ભડકો થવાની રાહ જોઈ રહ્યો. પણ ભડકો ન થયો. તેણે નિ:શ્વાસ નાખ્યો. ગેસ પૂરો થઇ ગયો હતો. દીવાસળીની પેટીને ફગાવી દઈને તે ઊભો થયો. સ્ટીલના કબાટ પાસે આવી અરીસામાં જોઈ માથાં પર જરાક કાંસકી ફેરવી બૂટ પહેર્યા, વળી કંઈક યાદ આવ્યું એટલે પૈસાનું પાકીટ, ફાઉન્ટનપેન, એક-બે પુસ્તકો લીધાં અને રૂમમાં તાળું મારતાં પહેલાં ઉંબરમાં ઊભા રહી તેણે અંદર દૃષ્ટિ ઘુમાવી. નિષ્પ્રાણ, નિર્જન ખંડ.... ! વર્ષો પહેલાં સૂરા ગામમાં જોયેલું બોરસલીનું વૃક્ષ યાદ આવી ગયું, જે પાનખરમાં સુકાઈને ઠૂંઠા જેવું બની જતું હતું, ન પાંદડાં, ન પુષ્પો, ન છાયા; માત્ર રુક્ષ જમીન પર પડતા નિર્જીવ પડછાયાનો સાથ... નીકલંઠે બારણાં બંધ કર્યા અને તાળું મારી તે દાદર ઊતર્યો....

      ગલી વટાવીને રસ્તા પર આવતાં જ ‘નીલકંઠ ! આજે કેમ ઘેરથી આટલો બધો વહેલો નીકળી ગયો ?’ શબ્દો સાંભળતાં તેણે ઊંચે જોયું. સામે મહેશભાઈ ઊભા હતા. ચોળાયેલો પાયજામો, પાનના ડાઘાવાળી કફની, માથે વધી રહેલો ટાલનો વિસ્તાર, વારંવાર પલકારા મારતી આંખો.. કેમ કશો ઉમળકો નહોતો જાગતો ? કદાચ થોડોક અણગમો.... મહેશભાઈ બોલ્યા વિના તેની સામે તાકી રહ્યા. કદાચ તેઓ કોઈક વાત યાદ કરી રહ્યા હતા – મહાશિવરાત્રિની વાત તો નહિ છેડે ?.. વિચાર આવતાં જ ધ્રાસકો પાડવા જેવું થયું. ધારણા સાચી પડી. મહેશભાઈ બોલ્યાં : ‘અરે, સારું થયું તું મળી ગયો તે. હું તારા રૂમ પર જ આવતો હતો.’ અને હંમેશની જેમ વાતની લાંબી ભૂમિકા બાંધવા માંડી : ‘કેમ આટલો બધો વહેલો ઘેરથી નીકળી જાય છે ? ઓફિસે જલદી જવાનું છે ? કામ ખૂબ રહે છે ? ધ્યાન દઈને કામ કરજે હોં. આ તો નોકરી કહેવાય. બેકારી કેવી છે એ તો તું જાણે છે ને ? મેં છેલ્લા અઢી વરસથી એકે ય કેઝ્યુઅલ લીવ નથી લીધી... ઘરનાં કામ તો કેટલાં બધાં વધી ગયાં છે !... નાનાની બાબરી ઉતરાવવાની છે અને...’ મહેશભાઈ બોલ્યે ગયા અને નીલકંઠ અન્યમનસ્કપણે, એમની વાતનો એક શબ્દ પણ પામ્યા વિના, એમની સામે જોઈ રહ્યો – એમના પહોળા નાકની આસપાસ તપખીરનાં રજકણો બાઝેલાં હતાં. નીલકંઠને રમૂજી વિચાર આવ્યો. એને થયું : ‘લાવ, મહેશભાઈના નાક ઉપર જોરથી ફૂંક મારી આ બધી તપખીર ઉડાડી દઉં..’
(ક્રમશ:....)


0 comments


Leave comment