7 - મને યાદ છે / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

રાયડાના પીળચટ્ટા પાંદડાએ ઝીલેલી ઝાકળની ધાર મને યાદ છે
રજકાના ક્યારામાં ટૂંટિયું વાળેલી એક ઠંડી સવાર મને યાદ છે.

આંબાની ડાળીએથી ખરતો ઉનાળો
અમે બાજરાના પાને ઝીલ્યો’તો
આખુંયે ગામ જ્યારે છાંયડા પીતું’તું
ત્યારે કેસૂડો વગડે ખીલ્યો’તો.

કેસરિયા રંગ સાથે હોળી ખેલીને અમે ભાંગેલી જાર મને યાદ છે
રજકાના ક્યારામાં ટૂંટિયું વાળેલી એક ઠંડી સવાર મને યાદ છે.

ડાંગરના ક્યારાને અડકેલું ચોમાસું
આંખો ફાડીને ખૂબ વરસ્યું’તું
અજવાળા સૂરજના વાદળમાં બંધ
એને જોવાને ફળિયું કૈં તરસ્યું’તું

એક નાનકડી દીવીને સથવારે પીધેલો ઘેરો અંધાર મને છે
રજકાના ક્યારામાં ટૂંટિયું વાળેલી એક ઠંડી સવાર મને યાદ છે.

0 comments

Leave comment