48 - પ્રણયને ધ્યાનમાં લીધો / ગૌરાંગ ઠાકર


અહીં સૌએ અલગ રીતે પ્રણયને ધ્યાનમાં લીધો,
ઘણાંએ ફૂલને માટે બગીચો બાનમાં લીધો.

તમે છૂટા પડ્યા ત્યારે પવન તો મંદ વાતો'તો,
ઘરે પાછા જવા નિર્ણય અમે તોફાનમાં લીધો.

તમે બારીમાં ઊભા રહીને કીધી છાંયડાની વાત,
અમે વાંસા ઉપર તડકો જુઓ ચોગાનમાં લીધો.

ભરી મહેફિલમાં સૌની દાદ પામ્યા એ જ કારણથી,
ગળે ડૂમો ભરાયો ત્યાં જ એને ગાનમાં લીધો.

અમે વરસાદના વારસ છીએ, ભીંજવશુ સૌને,
જગતનાં ઝાંઝવા છોડીને રસ ઇન્સાનમાં લીધો.


0 comments


Leave comment