52 - વરસાદ જોઈએ / ગૌરાંગ ઠાકર


સંગાથમાં તું હોય તો વરસાદ જોઈએ
એવું નથી તો ચાલને સાથે જ રોઈએ.

છત્રી ધરીને આપણી સામે જગત ઊભું,
ભીના થવાની જીદ છે તો જાત ખોઈએ.

વરસાદ એટલે કે ધરાને ચૂમે ગગન,
કેવી રીતે કહો અમે અપવાદ હોઈએ ?

મહેંદીનો રંગ લાલ ને ઘેરો જ આવશે,
વરસાદમાં બને તો હવે હાથ ધોઈએ.

ભીનો વખત કહે અહીં કૈં પણ ઊગી શકે,
ભીતરમાં માણસાઈનાં બસ બીજ બોઈએ.


0 comments


Leave comment