53 - માણસ થવાય છે / ગૌરાંગ ઠાકર


જળથી વરાળ થઈ પછી વાદળ થવાય છે
મારામાં શું થયા પછી માણસ થવાય છે ?

મનની તરસ વિશે તમે એને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને એ મૃગજળમાં જાય છે.

સૂરજ આ સાંજનો મને એવું કહીને જાય,
ઊંચાઈ પર તો ક્યાં અહીં કાયમ જિવાય છે ?

તડકો ગયો ને છાંયડાથી કામ ના રહ્યું,
એવી સરળ રીતે અહીં માણસ ભૂલાય છે.

એને દીવાનખંડની શોભા બનાવું પણ,
આખું તળાવ મત્સ્યના મનમાં જણાય છે.

મૃત્યુની પળમાં આમ તો ઝાઝું કશું નથી,
એકાદ શ્વાસથી અહીં અટકી પડાય છે.


0 comments


Leave comment