2 - એક પુરાકથા સાંપ્રતનાં સંદર્ભમાં / પૂરુ અને પૌષ્ટી / પ્રા.માર્કન્ડ ભટ્ટ
યયાતિ-પૂરુની પુરાકથાને આધાર બનાવી ભારતીય ભાષાઓમાં અનેક નાટકો લખાયાં છે, ભજવાયાં છે. ગિરીશ કર્નાડનું ‘યયાતિ’ ઝટ સ્મરણમાં આવી ચઢે. નન્દકિશોર આચાર્યનું ‘દેહાન્તર’ પણ યાદ આવી જાય. સન્ ૧૯૯૬ના જુલાઈ-ઓગસ્ટમાં સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીએ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના સહયોગથી ‘નાટ્યલેખન’નો કાર્યશિબિર યોજ્યો જેના પરિપાકરૂપે આપણને મળ્યા – પારંપારિક ભવાઈના નૂતન આવિષ્કાર રૂપ પ્રવીણ પંડ્યા લિખિત ‘હાથીરાજા’ અને પુરાકથાને આધુનિક સંવેદન સાથે જોડતું વીરુ પુરોહિતનું ‘પૂરુ અને પૌષ્ટી’.
આ નાટકનું શિબિરમાં પ્રથમ વાચન અને તેની અંતિમ પરિણતિરૂપ પી.એસ.ચારીની વિશ્વરંગભૂમિદિન નિમિત્તે પ્રથમ પ્રસ્તુત... આ એક રોમાંચક નાટ્યયાત્રા છે, શિબિરાર્થીઓ માટે, સંચાલકો માટે અને તેની સાથે જોડાયેલા નાટ્યતજજ્ઞો માટે. નાટક બે અંકમાં વહેંચાયેલું છે. પ્રથમ અંકમાં બાળ પૂરુ સમક્ષ શર્મિષ્ઠા જે આત્મનિવેદન કરે છે. તે યયાતિ-શર્મિષ્ઠા-દેવયાનીનાં પુરાણપ્રસિદ્ધ વૃત્તાંતને દૃશ્યરૂપે આલેખે છે અને ઉચિત પૂર્વભૂમિકા રચે છે. યયાતિ અને શર્મિષ્ઠાનો પુત્ર પૂરુ, તે રહસ્યનું દેવયાની સમક્ષ ઉદઘાટન થાય છે. ક્રોધિત દેવયાનીનું તત્ક્ષણ પિતા શુક્રાચાર્યને આહવાન. શુક્રાચાર્ય દ્વારા યયાતિની યુવાવસ્થા ક્ષીણ થાય અને વૃદ્ધાવસ્થા લાધે તેવો અભિશાપ. દેવયાનીની આજીજીથી શુક્રાચાર્ય દ્વારા શાપવિમોચન –“યયાતિ નો કોઈ પુત્ર યુવાવસ્થા સમર્પી યયાતિની વૃદ્ધાવસ્થાનો સ્વીકાર કરે તો પુન: યૌવન પ્રાપ્ત થાય.” આમ પ્રથમ અંક પુરાકથાની પૂર્વભૂમિકા રચી આપે છે. અહીં કોઈ આધુનિક કે સાંપ્રત સંવેદન ડોકાતું નથી પણ પૂરુ જ્યારે યયાતિની વૃદ્ધાવસ્થા સ્વીકારે છે અને યયાતિ પુન: યુવાન થાય છે ત્યારે સંબંધોના સમીકરણ બદલાઈ જાય છે, જે આ નાટકમાં કેન્દ્રસ્થાને છે. યૌવનઝંખના એ આદિમ અને સનાતન વૃત્તિ છે , પણ એ જ્યારે દેહસીમા વટાવી જાય છે ત્યારે કેવાં વરવાં પરિણામો જન્માવે છે; પિતા-પુત્ર, પતિ-પુત્ર, પતિ-પત્ની વચ્ચેના સંબંધો સામે કેવા નવા પડકારો ઊભા થાય છે તેનું કાવ્યમય આલેખન નાટ્યકાર બીજા અંકમાં કરે છે. જે દેહને અતિક્રમી જાય તેને જ આત્માનું સૌન્દર્ય, નિતાન્ત સુખ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે એવો અહેસાસ થતાં યયાતિ પૂરુને યૌવન પાછું સોંપે છે અને પૂરુનો રાજ્યાભિષેક થાય છે. પૂરું પૌષ્ટીનાં પુન:મિલન સાથે નાટક પૂરું થાય છે.
આ આખુંય નાટક તેમાં પ્રયોજાયેલી કાવ્યનીતરતી ભાષાની દીપી ઊઠે છે. વાચિક અભિનયથી ઓપતા આ નાટકને દૃશ્યતત્વથી સભર બનાવવા માટે ભાઈ ચારીએ સારી એવી જહેમત ઉઠાવી એના સૌ સાક્ષી છે.
નાટ્યલેખન શિબિરમાં ઘૂંટાયેલું અને પ્રયોગપરીક્ષણમાં પાર ઊતરેલું આ નાટક પ્રકાશન પામી રહ્યું છે એનો અદકેરો આનંદ છે.
વીરુ પુરોહિત અને અસાઈત સાહિત્યસભાને અભિનંદન.
- પ્રા. માર્કન્ડ ભટ્ટ
વડોદરા
0 comments
Leave comment