2.2 - અંક : પ્રથમ - દૃશ્ય : દ્વિતીય / પૂરુ અને પૌષ્ટી / વીરુ પુરોહિત
અંક : પ્રથમ
દ્રશ્ય: દ્વિતીય
સ્થળ: પર્ણકુટિ
સમય : પ્રથમ દૃશ્ય પછીનો વર્ષાકાલ
(મેઘગર્જના અને વીજળીના ચમકારો વચ્ચે, પર્ણકુટિની બહાર આકાશભણી દૃષ્ટિ કરી, પૂરુ બેઠો છે. શર્મિષ્ઠા કુટિમાં છે. એકાદવાર એ કુટિરમાંથી બહાર દૃષ્ટિપાત કરે છે. કુટિરમાંથી શર્મિષ્ઠાનું ગાન શરૂ થાય છે .)
(ગાન)
મયુર ક્રીડા કરી, કેકારવથી ઈજન ધરે ઘનશ્યામને !
મુજ મંદિરમાં દીપ થરથરે
વ્યોમ વિષે ચપલા ચમકે,
ચાતક મારાં નયન તલસતાં
પ્રિયતમ મેઘરૂપે અટકે,
તરસ્યાને અભિષિક્ત કરો પ્રભુ ! કૂજન ધરો વન- ધામને !
(ટેકની પંક્તિ ક્રમશ : મંદ થતા સ્વરે ગવાતી રહે છે. સૂકાં પર્ણો કચડવાના ધ્વનિથી ચોંકી પૂરુ, તૂણીર અને ધનુષ્ય લઈ તે દિશામાં શરસંધાન કરે છે. થોડી ક્ષણોમાં યયાતિ અને દેવયાની પ્રવેશે છે.)
પૂરુ : માતાજી..... તાતશ્રી પધાર્યા છે!
(તૂણીર-ધનુષ્ય યથાસ્થાને ગોઠવી, યયાતિ ભણી આનન્દપૂર્વક દોડતાં)
માતાજી... તાતશ્રી પધાર્યા છે!
(યયાતિ ન બોલવા સંકેત કરે છે, કિન્તુ પૂરુ ‘તાતશ્રી’ કહી એને વળગી પડે છે.)
(શર્મિષ્ઠા દોડતાં પર્ણકુટિની બહાર સાનંદ આવે છે, પણ દેવયાનીને જોઈ સ્તબ્ધ થઈ ઊભી રહે છે.)
દેવયાની : શર્મિષ્ઠા ! આ શું સાંભળું છું હું ?!
શર્મિષ્ઠા : પૂરુ તો બાળક છે, મહારાણી ! આપ તો જાણો જ છો એની નટખટલીલા અંગે !
દેવયાની : (પૂરુને આશ્લેષમાં લઈ) પૂરુ, તું શા માટે એમને ‘તાતશ્રી’ કહે છે ?
પૂરુ : તેઓ જ મારા તાતશ્રી છે, માટે !
દેવયાની : (સરોષ) શર્મિષ્ઠા ! તેં દ્રોહ કર્યો છે, અસહ્ય છે આ ઘટના ! અસત્ય બોલી તેં છલના કરી છે. તું ક્ષમાને પાત્ર નથી..… તને દંડ મળવો જ જોઈએ!
શર્મિષ્ઠા : ક્ષમા કરો, મહારાણી ! કિન્તુ હું અસત્ય બોલી નથી !
દેવયાની : કેમ ? તેં જ મને કહ્યું હતું તે કે તારા ત્રણેય પુત્રો ઋષિપુત્રો છે ! … …
શર્મિષ્ઠા: મેં તો એમ જ ધાર્યુ હતું કે આપ ઋષિપુત્રી છો તેથી ઋષિ સાથે જ આપનું લગ્ન...
દેવયાની : છલના છે એ સર્વ… કલંકિની ! મેં તારા પર કૃપા કરી એ જ મારો દોષ હતો ! મેં જો ધાર્યું હોત તો કચની જેમ જ તને પણ શાપ આપ્યો હોત ! કિંન્તુ, ન જાણે ક્યાંથી મારામાં કરુણા જન્મી અને તને કુરૂપ બનાવવાનું ત્યજી માત્ર દાસી બનાવીને સાથે લાવી ! વાસ્તવમાં તું કોઈ કરુણાને પાત્ર જ નથી...
(પૂરુ તૂણીર-ધનુષ્ય ગ્રહણ કરે છે... કિન્તુ, માત્ર એક તીરની ફણા હથેળીના મધ્યભાગે ટેકવી, બીજો છેડો જમીન પર રાખી તેના પર દબાણ વધારતો જાય છે. તીર ધનુષ્ય આકાર વળે છે. કોઈનું એના ભણી લક્ષ્ય નથી.)
મારી ધારણા હતી કે મારું રાણીપદ નિહાળી તું ક્ષણે ક્ષણે બળી મરીશ ! મારી સત્તાના બળ સમક્ષ વિવશ બની તું વારંવાર મારા પગ પકડી દાસત્વથી મુક્ત થવા મને વિનવતી રહીશ ! અને હું… હું તારી અસહાયતા પર, તારા દુર્દેવ પર સતત અટ્ટહાસ્ય કરતી રહીશ !
(અટ્ટહાસ્ય)
(સ્વગત) કિંન્તુ… . . સત્તા પ્રાપ્ત કરવાની મારી અદમ્ય લાલસા.... અને એથીયે વધુ તો સત્તા પ્રદર્શનનો મારો વ્યામોહ આજે મને જ ગ્રસી ગયો ! હું મેં જ રચેલા ચક્રવ્યૂહમાં અસહાય બની અટવાઈ પડી છું… ઓહ !!!
(પ્રત્યક્ષ)
કલંકિની ! ફુલટા ! લુચ્ચી ! તેં મારું સર્વસ્વ હરી લીધું છે!
(પૂરુ જે તીરને દબાણ કરતો તે ‘કડાકા’ સાથે તૂટે છે, તેની હથેળીમાંથી રક્ત ટપકી રહ્યું છે.)
શર્મિષ્ઠા : (જમીન પર બેસી, વળગી) પૂરુ! વત્સ!
દેવયાની : (યપાતિ પ્રતિ) અને તમે... પિતાજીને આપેલા વચનનો ભંગ કરીને અક્ષમ્ય અપરાધ કર્યો છે !
(વિરામ)
આજ પર્યંત હું તો મનોમન ગર્વ કરતી હતી, મારાં સૌભાગ્ય વિષે... મને અપાર શ્રધ્ધા હતી, મારા અખૂટ પ્રેમ પર !! કિંન્તુ..… તમે અગ્નિ ચાંપ્યો છે. મારાં સૌભાગ્યને ! મારો પ્રેમ, મારી આશા, મારું ગૌરવ, મારો વિશ્વાસ... સઘળું છિન્નભિન્ન કરી નાખ્યું તમે...
(યયાતિને પકડી હચમચાવતાં)
શા માટે ? શા માટે ?? આવું શા માટે કર્યું તમે ?
(સ્વર ફાટી જાય છે.)
શું હું આપના માટે ક્રીડનક છું... વાસનાતૃપ્તિનું ?!
(કલ્પાંત કરતાં ભાંગી પડી, બેસી જાય છે.)
યયાતિ: દેવિ ! મનુષ્ય માત્ર વિધિનો દોરવ્યો દોરવાય છે ! આપ શાંત ચિત્તે મનન કરશો તો...
દેવયાની : શાંતિ જ મારી તો નષ્ટ થઈ ગઈ છે ! (ડૂમાતા) અરેરે ! આપની અનેક ‘ના’ છતાં, મે જ હઠ કરી આ સ્થળે આગમન કર્યું.... ઓહ પ્રભુ ! આપણે ક્યારેય અહીં આવ્યાં જ ન હોત તો કેટલું સારું હતું ! અથવા ક્ષણાર્ધ પહેલાં જ મને મૃત્યુ ભેટ્યું હોત તો પણ કેટલું સારું હતું !
યયાતિ: દેવિ! અકારણ અશાંત ન થાઓ ! અકારણ જ આત્માને દુ:ખ ન આપો ! આવો, આ રમણીય વનની શોભા...
(દેવયાનીનો બાહુ પકડી ઊભી કરવા પ્રયત્ન કરે છે.)
દેવયાની : (છેડાઈને) સ્પર્શ કરશો નહી..… મને ડર લાગે છે ! એ અપવિત્ર સ્પર્શ મારે હવે ત્યાજ્ય છે...
(કલ્પાંત કરતાં)
તાતશ્રી ! પધારો તાતશ્રી ! આપની અતિપ્રિય કન્યાની આ અવદશા નિહાળવા આપ કેમ પધારતા નથી...?! તાતશ્રી ! અનેક શરથી વીંધાયેલી હરિણી જેવી હું આક્રંદ કરી રહી છું…. જે વૃક્ષને હું વેલી પેઠે વીંટળાઈ ને સુખ અનુભવતી હતી તે વૃક્ષ તો વિષવૃક્ષ નીકળ્યું, તાતશ્રી ! અને છતાં આપ.,……
(ધૂસકે ધૂસકે રડતાં બેસી જાય છે.)
(આકાશમાં ભયંકર ગડગડાટ ..... વીજચમકારો..... યયાતિ અને શર્મિષ્ઠા સ્તબ્ધ બની ક્યારેક એકબીજા ભણી તો કયારેક આકાશ ભણી નિહાળે છે… પૂરુ, શર્મિષ્ઠાને વળગીને ઊભો છે.)
શુક્રાચાર્ય: (ઝડપી પગલાં ભરતાં પ્રવેશી)
દેવયાની ! વત્સ !
(દેવયાનીના મસ્તકે હથેલી પસવારે છે. દેવયાની શુક્રને વળગી પડી, માત્ર ‘તાતશ્રી' બોલ્યા કરે છે.)
હું સમાધિસ્થ હતો તે વેળાએ મેં દેવયાનીને આકંદ કરતાં સાંભળી છે !
(કોઈ કશું બોલતું નથી)
દેવયાની ! શાંત થાઓ ! અને સર્વ વૃતાંત મને કહો !
(શર્મિષ્ઠા-યયાતિ શુક્રનાં ચરણરપર્શ કરવા આગળ વધે છે.)
દેવયાની : લેશ પણ સમીપ આવશો નહીં ! બન્નેની અપવિત્ર છાયાથી પણ તિરસ્કાર થાય છે મને!
શુક્રાચાર્ય: વત્સ, શાંત થાઓ ! અને સર્વવૃતાંત કહો મને !
દેવયાની: મારી સાથે છલ થયુ છે, તાતશ્રી ! મારી સાથે દ્રોહ થયો છે !
શુક્રાચાર્ય: કોણે કર્યો છે દ્રોહ ? કોણે કરી છે છલના ?
દેવયાની : તાતશ્રી ! શર્મિષ્ઠા મારી સાથે દાસીરૂપે આવી; કિંન્તુ મારા સ્વામીની હૃદયરાજ્ઞી બની બેઠી છે... અને... અને મારા સ્વામી પણ મારા નથી રહ્યા !
શુક્રાચાર્ય: શું આ સત્ય છે ?
(બન્ને ભણી જૂએ છે - શર્મિષ્ઠા નતમસ્તક છે.)
યયાતિ : એ સત્ય છે ! કિન્તુ, રાજધર્મના પાલન અર્થે મારે આમ કરવું પડયું !
દેવયાની: (કટાક્ષપૂર્વક) રાજધર્મ ! પિતાજીને વચન આપ્યા પછી વચનભંગ કરવો, એ જ શું આપનો રાજધર્મ છે ?!
યયાતિ : નહીં દેવિ ! નિરુપાય અવસ્થામાં શરણે આવેલાંને આશ્વસ્ત કરવા, એ રાજધર્મ છે ! તે પ્રભાતે શર્મિષ્ઠા અત્યંત ત્રસ્ત હતા ! મેં એમને વેદનાનું કારણ પૂછ્યું તો એમના એકાકી જીવનની પીડાથી હું જ્ઞાત થયો ! મેં એકાકીપણાના નિવારણ વિષે પૂછ્યું અને એમણે પુત્રદાન માંગ્યું ! મેં એ દાન આપ્યું.... કશું જ અનુચિત કર્યું નથી મેં...… કશું જ નહીં !
શુક્રાચાર્ય : અનુચિત તો કર્યું જ છે, તમે ! રાજધર્મનો આશ્રય લઈ ગૃહસ્થધર્મનો ભંગ કર્યો છે. અને તમે પોતે જ આપેલાં વચનનો પણ ભંગ કર્યો છે - એનું શું ?
યયાતિ : ક્ષમા કરજો, આચાર્ય ! જે પદ વિશિષ્ટ છે, એ પદના ધર્મનું પાલન જ મહત્વનું છે ! અનેકાનેક મનુષ્યો ગૃહસ્થધર્મનું પાલન કરે છે, માત્ર મનુષ્યો જ નહીં પશુ-પક્ષીગણ પણ એમની મર્યાદામાં ગૃહસ્થધર્મ પાળે છે... કિન્તુ એ બધાં કૈં રાજધર્મ ન પાળી શકે...! હું રાજા છું, અને રાજધર્મનું પાલન મારું પ્રથમ કર્તવ્ય છે !
(વિરામ)
આચાર્યશ્રી ! આપ પણ આચાર્ય છો, અને અસુરોના આચાર્ય છો… આપનો ધર્મ છે કે, અસુરોનું સર્વપ્રકારે રક્ષણ કરવું ! આપ જાણતા જ હતા કે દેવો જ અસુરોના પ્રબળ શત્રુઓ છે...... છતાં બૃહસ્પતિના પુત્ર કચને સંજીવની વિદ્યાનું આપે જ્ઞાન આપ્યું ! અસુરોનું જ અહિત થાય એવું આપને શા માટે કરવું પડયું?
શુક્રાચાર્ય : હું વિવશ હતો.…. અનેક પ્રકારે વિવશ હતો !
યયાતિ: તો આચાર્યશ્રી ! મારું પણ તેમ જ સમજો !
દેવયાની: તાતશ્રી ! મને દેહત્પાગ કરવાની અનુજ્ઞા આપો ! હું નથી સહી શકતી આ અવમાનના!
શુક્રાચાર્ય: તમને સ્મરણમાં જ હશે કે વિવાહ પ્રસંગે તમે દેવયાની પ્રતિ કોઈ અપરાધ ન કરવાનું મને વચન આપ્યું હતું !
યયાતિ: મને જ્ઞાત છે, કિન્તુ હું વિવશ હતો !
શુક્રાચાર્ય: તમને એ પણ સ્મરણમાં હશે જ કે મેં તમને શર્મિષ્ઠા સાથે પ્રણયફાગ ખેલવાનો નિષેધ કર્યો હતો !
યયાતિ : મને જ્ઞાત છે, કિંતુ હું વિવશ હતો !
શુક્રાચાર્ય : તો પછી તમને એ પણ સ્મરણમાં હશે જ કે આવું કંઈ પણ બનતાં તમે મારા શાપ સિવાય કશું જ પ્રાપ્ત નહીં કરો, એમ મેં જણાવ્યું હતું !
યયાતિ : મને જ્ઞાત છે, કિંતુ હું વિવશ હતો !
(શુક્ર અત્યંત ક્રુધ્ધ બની યયાતિ ભણી દૃષ્ટિપાત કરે છે. આકાશમાં ગડગડાટ વધે છે, બિહામણાં વીજચમકારો વચ્ચે, કમંડલમાંથી જલાંજલિ લઈ, શુક્ર-તાર સ્વરે...)
શુક્રાચાર્ય : સર્વ સ્થિતિ જ્ઞાત હોવા છતાં, તમારી વિવશતાને જન્મ આપનાર જે છે તે ‘કામ’ છે ! તેથી હું- જેણે ભગવાન શિવના ત્રિશૂલ પર બેઠક કરી હતી, શિવના ઉદરમાં પ્રવેશ કરી, લિંગદ્વારેથી જન્મ લઈ શુક્ર નામ ધારણ કર્યું છે તે વારુણિભૃગુ પુત્ર- તમને શાપ આપું છું કે : કામને જન્મ આપનારી તમારી યુવાવસ્થા તત્કાળ ક્ષીણ થાઓ ! ક્ષણાર્ધમાં જ તમને વૃધ્ધાવસ્થા પ્રાપ્ત થાઓ!
(અંજલિ છાંટે છે…)
(યયાતિ વેદનાની ચીસો પાડતો પર્ણકુટિમાં પ્રવેશે છે. પર્ણકુટિના અંધારગર્ભથી એની ર્માન્તક ચીસો સંભળાયા કરે છે. રંગમંચ ૫૨ ક્રોધિત શુક્ર ઊભા છે, શર્મિષ્ઠા એમને શાંત થવા વીનવી રહી છે, પૂરુ હતપ્રભ છે, દેવયાની સગર્વ શુક્રની જમણીબાજુ ઊભી છે.)
(ક્ષણો બાદ યયાતિ પર્ણફુટિની બહાર આવે છે. એ કમરેથી વળી ગયો છે, શ્વેતકેશ, ચહેરા પર કરચલીઓ અને કંપતા શરીરે પ્રવેશે છે.)
પૂરુ : (ચીસ પાડી) તાતશ્રી!
(યયાતિને વળગીને રડે છે. બધાની દૃષ્ટિ યયાતિ ભણી નોંધાઈ છે.)
(શર્મિષ્ઠા હથેલીથી ચહેરો ઢાકી અશબ્દ રુદન કરે છે…)
યયાતિ : (હથેલીથી આંખ ૫૨ છાજલી કરી)
(કંપતા સ્વરે) કોણ રુદન કરી રહ્યું છે ?
ઓહ... ! શિથિલ ગાત્રોને વહન કરવાં ઘણું જ કઠિન છે ! આ નબળાં ચરણો નથી ઊંચકી શકતાં શરીરને... મસ્તકના ભારથી તો જાણે હું બેવડ વળી જાઉં છું... આ હાથ પણ ક્યાં સુધી ધરી શકીશ આંખો પર ?! ઓહ પ્રભુ ! આ વૃધ્ધાવસ્થા અત્યંત દારુણ ! છે...
(શર્મિષ્ઠાનાં ડૂસકાં)
કોઈ રુદન કરે છે, શું ?
દેવયાની: (પાસે જઈ) દેવ ! આપની આ સ્થિતિ નથી સહી જતી !
(બન્ને હાથથી યયાતિના સ્કંધ પકડે છે.)
યયાતિ: દેવિ ! આપના સ્પર્શને શું થયું છે ? આજે પ્રથમની જેમ મને કેમ કોઈ રોમાંચ થતો નથી ? કેમ આપનાં અંગોમાંથી ઊઠતી સુગંધી મને વિહ્વળ નથી કરી મૂકતી ? ઓહ....દેવિ ! આ શું થયું...? …
(દેવયાની એને બાજઠ ૫૨ બેસાડે છે…)
શુક્રાચાર્ય : (સ્વગત) અનર્થ થઈ ગયો !
યયાતિ: આપનું કહેવું યથાર્થ છે, ગુરુવર્ય ! કામાવસ્થાથી જ મારા દ્વારા એ આચરણ થયું હતું ! કિંન્તુ, શાપરૂપે મળેલી આ વૃદ્ધાવસ્થાથી હું ત્રસ્ત છું… અત્યંત ત્રસ્ત છું, ગુરુવર્ય !
દેવયાની: મહાઅનર્થ થઈ ગયો, તાતશ્રી !
શુક્રાચાર્ય : વિધિને કોણ મિથ્યા કરી શકે છે ?
યયાતિ : ગુરુવર્ય ! વૃધ્ધાવસ્થાની આ વેદનાથી હું અત્યંત પીડા અનુભવી રહ્યો છું...અસહ્ય છે આ વેદના! ગુરુવર્ય ! જે ‘કામ’નું આ ફળ મને પ્રાપ્ત થયું છે, એ ‘કામ'ના ભોગથી હું હજુ તૃપ્ત થયો નથી ! અને જો આવી જ અતૃપ્ત અવસ્થામાં મારું મૃત્યુ થશે તો મારી દુર્ગતિ થશે ! તેથી આચાર્યવર ! મારી સદ્દગતિ અર્થે કૃપા કરી મને પુનઃ યુવાવસ્થા આપો ! મારો અપરાધ ક્ષમા કરો, કૃપાલુ ! મારી પ્રાર્થના સ્વીકારો... મને યુવાવસ્થા આપો !
(શુક્ર, દેવયાની ભણી નિહાળે છે.)
દેવયાની : તાતશ્રી ! અપરાધનો સ્વીકાર કરવો અને ક્ષમાની પ્રાર્થના કરવી એ અપરાધ મુક્તિનો માર્ગ ગણાય... પ્રાયશ્ચિત દ્વાર પાપવિમોચન થઈ શકે તો શાપવિમોચન પણ...
શુક્રાચાર્ય : અવશ્ય વત્સ !
(વ્પાઘ્રચર્મ ૫૨ આસન કરી, શુક્ર સમાધિસ્થ થાય છે. સર્વ પાત્રો ઉત્સુક્તાથી એમને નિહાળે છે.)
તારો કોઈ પુત્ર પોતાની યુવાવસ્થા તને સમર્પિ, તારી વૃઘ્ધાવસ્થાનો સ્વીકાર કરશે તો તને પુન: યુવાવસ્થા પ્રાપ્ત થશે…!
(યયાતિ-દેવયાની-શર્મિષ્ઠા પ્રણામ કરે છે. શુક્ર ઊભા થાય છે… આશીર્વાદ આપે છે... સ્વગત)
સત્ય જ કહે છે શાસ્ત્ર , સર્વ અનિષ્ટોનું મૂળ છે… અતિવ્યામોહ જ ! મને ગર્વ હતો કે સમગ્ર વિશ્વમાં એક હું જ સંજીવની વિદ્યાથી જ્ઞાત છું ! દેવો પણ મારી સમક્ષ તુચ્છ હતા…. મારા પ્રતાપથી દેવો કંપતા... મારી સત્તાની મહત્તાથી ઝંખવાતા... કિન્તુ.…… બૃહસ્પતિના પુત્ર કચને મારે સંજીવનીવિદ્યા શીખવવી પડી ! દેવયાની પ્રતિના અતિવ્યામોહે મને વિવશ ન કર્યો હોત તો આજે પણ વિશ્વમાં હું એક જ સંજીવનીસત્તા હોત...
શર્મિષ્ઠાને દાસત્વનો અભિશાપ પણ શું છે? માત્ર સંજીવનીસત્તા અને વ્યામોહનો જ પરિપાક... અને આજે પુન: એ જ મંત્રસત્તા અને વ્યામોહનું વરવું પ્રદર્શન.... યયાતિ ‘કામ'ને અધીન તો હું સ્નેહને ! ખરેખર ! સર્વ મનુષ્યો વૃત્તિઓના દાસ છે ! હું પણ...હા, હા, હું પણ... પ્રભુ મને ક્ષમા કરો.
(પ્રત્યક્ષ)
सर्वे सुखिन: सन्तु !
(દેવયાની અને શુક્રનું પ્રસ્થાન, તરત દેવયાનીનો પ્રવેશ - એની સાથે બે દાસ શિબિકા સાથે પ્રવેશે છે.)
દેવયાની : પૂરુ ! અમે પણ પ્રસ્થાન કરીએ! (પાસે જઈ પૂરુ નો ઘવાયેલ હાથ લઈ પંપાળી) તારો વ્રણ ત્વરિત ભરાઈ જાય એવી કામના કરું છું!
(શિબિકામાં આરુઢ થતાં પહેલાં યયાતિ શર્મિષ્ઠા પ્રતિ નિહાળે છે. એ રડી રહી છે - સમીપ આવી યયાતિનો ચરણસ્પર્શ કરે છે, યયાતિ તેને ઉઠાડે છે.)
યયાતિ : રુદન ના કરો, શર્મિષ્ઠા ! તમારૂ રુદન કંઈ મારી વેદનાનો ઉપાય તો નથી જ ! એથી તો મારી વેદનાની, મારી અસહાયતાની મને દ્વિગુણિત પ્રતીતિ થાય છે ! અને સાંભળો.…! થોડાં વર્ષોમાં જ મારા સર્વ પુત્રો યુવાન થશે… મને યુવાવસ્થા આપશે... અને પુન: હું યુવાન બનીશ !
સુખદ ભાવિની આકાંક્ષાએ મારી જેમ તમે પણ દુ:ખને વીસરવાનો યત્ન કરો, શર્મિષ્ઠા !
(શર્મિષ્ઠા માત્ર મસ્તક હલાવી ‘હા' ભણે છે. યયાતિ શિબિકામાં આરુઢ થઈ પ્રસ્થાન કરે છે.)
પૂરુ : (થોડી ક્ષણો શર્મિષ્ઠા ભણી જોઈ, અટ્ટહાસ્ય કરે છે.)
દુર્દેવ ગમે તે દિશાએથી આવે છે !
શર્મિષ્ઠા : તું... તારા તાતશ્રીનાં દુર્દેવને હસી રહ્યો છે ? આવી દુઃખદ ક્ષણોમાં પણ તને આનંદ મળે છે ? પૂરુ ! તું ક્રૂર છે !
પૂરુ : (હાસ્ય સાથે જ) નહીં માતાજી! હું તા દેવયાનીનાં દુર્દેવને હસી રહ્યો છું !
(ભાવ પલટી)
એનો દર્પ અંતે એને જ ડસી ગયો !
(વિરામ)
જે આમ્રવૃક્ષ પર પોતાનો માળો હોય તે વૃક્ષ પર ફળ બેસે અને ત્યારે જ કોકિલનો કંઠ પાકે... એ ફળનો એ સ્વાદ પણ ન લઈ શકે... અને અસહાય બની ચિત્કાર કરે, એ વેળાએ આપણને એ સ્વર્ગીય ગાન દ્વારા મળે છે, તેવો જ આનંદ… માતાજી ! તેવો જ આનંદ મને દેવયાનીની સ્થિતિ વિષે પ્રાપ્ત થાય છે !
માતાજી ! ફુત્કાર કરતા સર્પોને પોતાનાં આભૂષણ બનાવી મઘમઘ થતાં ચંદનવૃક્ષને પ્રભાતે જાણ થાય કે બધા જ સર્પો કાંચળી ઉતારી ચંદનવૃક્ષ ત્યજી ગયા છે… અને એ વૃક્ષ પોતાની કુરુપતા જોઈને છળી મરે... બસ એવી જ, ફુટુપતાથી છળી મરેલી દેવયાનીને જોઈને... હા... માતાજી ! દેવયાનીને જોઈને, મને અત્યંત આનંદ થાય છે !
(અટ્ટહારય)
(પૂરુ ધનુષ્ય અને તૂણીર લઈ શરસંધાન કરી ગોઠણભેર બેસી આકાશભણી એક, બે, ત્રણ તીર ફેંકે છે. એનું અટ્ટહાસ્ય ચાલુ જ છે. એ જયારે ચોથું તીર ફેંકવા જાય છે ત્યારે શર્મિષ્ઠા ચીસ પાડે છે : ‘પૂરુ!’ એ જ સમયે તીર છૂટે છે. એ પાંચમા તીરનું સંધાન કરે છે - શર્મિષ્ઠા સરોષ ચીસ પાડે છે : ‘પૂરુ!’ પૂરુની શરસંધાન તથા હાસ્યની અને શર્મિષ્ઠાની ચીસની મુદ્રામાં દૃશ્ય સ્થિર થાય છે.)
(અંધકાર)
0 comments
Leave comment