7.2 - થોડી વાતો ગોડસે વિશે / સંવાદ / જ્વલંત છાયા


      તા.૩૦ જાન્યુઆરી, સમય સાંજે ૫:૪૫
      ફરિયાદીનું નામ : નંદલાલ મહેતા, સન ઓફ નાથાલાલ મહેતા.
      ગુનાની કલમ : આઈપીસી ૩૦૨
      સ્થળ : બિરલા હાઉસ, અંતર : પોલીસ સ્ટેશનથી બે ફ્લોંગ...

      ૧૯૪૮ના વર્ષમાં દિલ્હીના તઘલખ રોડ પોલીસ સ્ટેશનમાં લખાયેલો આ એફઆઈઆર ઈતિહાસના પાનાં પર અંકિત થઈ ગયો છે. મર્ડરની કોઈ પણ ઘટનાનો રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં આમ જ દર્જ થાય, પરંતુ આ ફરિયાદમાં પોલીસ રિપોર્ટની ભાષામાં કહીએ તો મરણ જનારનું નામ - મોહનદાસ કરમચંદ ગાંધી હતું અને આરોપીનું નામ હતું નથુરામ વિનાયકરાવ ગોડસે. ગાંધીજીની હત્યા પછી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ વાસ્તવિક વિગતો છે. શહીદ દિન તરીકે જે ઓળખાય છે તે ૩૦ મી જાન્યુઆરીનું મહત્વ શું છે ? એક જ લાઈનમાં સમજાવવું હોય તો ગાંધીજી જેવા અસામાન્ય માણસને ગોડસે જેવા સાધારણ વ્યક્તિએ ગોળી મારીને મારી નાંખ્યા, પરંતુ જેને કોઈ ઓળખતું પણ નહોતું તેવા નથુરામ ગોડસેને ગાંધીજી જતા જતા પણ અમર(તેના મૂળ અર્થમાં નહીં) જાણીતો કરતાં ગયા !! ૧૯૪૮નાં જાન્યુઆરીની ૩૦ મી તારીખ પહેલાં પણ મહાત્મા ગાંધીને જગત ઓળખતું હતું, અરે તેની પાછળ લોકો ચાલતા હતાં. આજે પણ ગાંધીઅન થોટ લાઈવ છે, 'બંદેમેં થા નહીં, બંદે મેં હૈ દમ' પરંતુ ગોડસે આ એક જ દિવસ નોંધપાત્ર બન્યો !! સ્વાભાવિક રીતે ગાંધીજી વિશેની જાણકારી પાઠ્યપુસ્તકથી લઈને મહાગ્રંથો, સંશોધનો, મ્યુઝિયમોમાં અને આર્કાઈવ્ઝમાં છે. અને ગોડસે ક્યાંય નથી, ગોડસે જરા પણ સેલિબ્રિટી નથી પરંતુ ડેફીનેટલી એક સબ્જેક્ટ છે.

      ૩૦ મી જાન્યુઆરીએ પ્રાર્થનામાં જવાના પોતાના સમયમાં વિલંબ થયો તેનો અફસોસ વ્યક્ત કરતા કરતા ગાંધીજી, મનુબેન અને આભાબેનના ખભ્ભે નિત્યક્રમ અનુસાર પ્રાર્થનાના મેદાન તરફ જતા હતા, લોકોનું અભિવાદન ઝિલવા તેમણે એ હાથ ઊંચા કર્યા ત્યાં જમણી બાજુથી લોકોને હડસેલીને કોઈક પાસે આવ્યું. ગાંધીજીને મોડું થતું હતું એટલે મનુએ એને પગે લાગતો રોકવા હાથ આડો ધર્યો. પેલાએ મનુને એટલા જોરથી ધક્કો માર્યો કે મનુના હાથમાંથી માળા અને થૂંકદાની ને ચશ્માંનું ખોળ ભોંય પર પડી ગયાં અને એ પણ ગડથોલિયું ખાઈ ગઈ. પણ એટલામાં પેલાનો ઝૂકેલો હાથ ઊંચો થયો અને એ માણસે સાતબોરની પિસ્તોલમાંથી ગાંધીજીની છેક નજીકથી ધડાધડ ત્રણ ગોળીઓ છોડી. પહેલી ગોળી પેટમાં જમણી બાજુએ ડૂંટીથી અઢી ઇંચ ઉપર વાગી હતી, બીજી ગોળી મધ્યરેખાથી એક ઇંચ જમણી બાજુએ સાતમી પાંસળીની નીચે વાગી અને ત્રીજી... ગાંધી ફિલ્મમાં જોઇને લખાયેલી આ વિગત નથી. ગાંધીજીના જીવનનો શાબ્દિક એક્સ-રે જેને કહી શકાય તેવું તેમનું જીવનચરિત્ર 'મારું જીવન એ જ મારી વાણી' નારાયણ દેસાઈએ ચાર ભાગમાં આલેખ્યું છે અને તેમાં જે રીતે ગાંધી જીવનનું વર્ણન છે તે અનન્ય, અદ્વિતીય છે, અતિરેક કરીને અંગત રીતે હું ત્યાં સુધી કહીશ કે ગાંધીજીની આત્મકથા ન વંચાય તો ચાલશે પરંતુ કોઈ પણ ભારતીય આ ચાર ભાગમાંથી પસાર થવું જોઈએ ! આ જીવનચરિત્રમાં તેમના મૃત્યુની ઘટના જીવંત રીતે વર્ણવાઈ છે તો ગોડસેના વિચારો અને વ્યક્તિત્વનો પણ તેમાંથી પરિચય મળે છે.

      આપણે જેને ગાંધીજીના હત્યારા તરીકે ઓળખીએ છીએ તે ગોડસે કોણ હતો અને શું વિચારતો ? ઇન્ટરનેટ પર સર્ચ કરતાં એટલું તો મળી જ જશે કે તેનો જન્મ ૧૯ મી મે ૧૯૧૦નાં રોજ પુનાના ઉકસાન ગામમાં થયો હતો અને ૧૫ નવેમ્બર ૧૯૪૮નાં દિવસે તેણે ફાંસી અપાઈ, તેનું નામ કેવી રીતે પડ્યું ? તેના જન્મ પહેલાં ત્રણ ભાંડુઓ મૃત્યુ પામ્યા હતા અને તેથી આ સંતાન પણ ઈશ્વરને પ્યારું થઇ જશે તેવા ડરથી તેણે શરૂઆતમાં દીકરી તરીકે ઉછેરાયો અને રામચંદને નાકમાં નથડી પહેરાવાઈ, નામ પડ્યું નથુરામ !! મેટ્રિક સુધી પણ ભણ્યો નહોતો. અવિવાહિત હતો અને બોલવા-ચાલવામાં સંભ્રાંત હતો. ગાંધીજીની હત્યા થઇ એ પહેલાં સાતેક વર્ષ અગાઉ તે અગ્રણી નામના અખબારનો સંપાદક હતો એને તેમાં ગાંધીજીની વિરુદ્ધ બેફામ લેખો લખતો. પુના હિંદુ મહાસભાનો સક્રિય સભ્ય હતો. મધ્યમ કદ, મજબૂત બાંધો, મોટું કપાળ, તીણું નાક, ઝીણા વાળ. અને તેણે કહ્યું હતું, 'ગયાં પચાસ વર્ષોમાં ભારતની બે જ વ્યક્તિના વિચાર પર મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક વીર સાવરકર અને બીજા ગાંધી !' આ બધું પણ ઠીક છે પરંતુ નથુરામ ગોડસે છેક ગાંધીજી જેવી વ્યક્તિને મારી શકે, હત્યા કરી શકે તેવું તો શું હતું તેના વિચારોમાં ? જો આપણે ગોડસેના વિચારો પર, તેની વિચારસરણી પર નિરીક્ષણ કરીએ તો આ હત્યા કરવા માટે તેની પાસે પોતાની માનસિકતા અને માન્યતા સિવાય કોઈ કારણ નહોતું. ગાંધીજીના તો જીવવાનું કારણ પણ દેશહિત હતું અને મૃત્યુનું કારણ પણ દેશહિત બન્યું, પરંતુ ગોડસેના આ અપકૃત્ય પાછળ કોઈનું ય હિત નહોતું - એવું ઘટના પછીનાં ૬૪ વર્ષે તો કહી જ શકાય !!

      વારંવાર એમ કહેવાય છે કે પાકિસ્તાનને કરોડ રૂપિયા આપવા માટે ગાંધીજીએ સરકાર પર દબાણ કર્યું અને ઉપવાસ આદર્યા તેથી તેમની હત્યા થઈ. નારાયણદાદાના ગ્રંથના ચોથા ભાગમાં આ મુદ્દાની વિષદ છણાવટ છે. ગાંધીજીની હત્યાના પ્રયાસની છ ઘટના નોંધાઈ છે. તેમાંથી ત્રણ વખત નથુરામ એ પ્રયાસમાં સામેલ હતો. ચોથી ઘટના વખતે એટલા માટે નહોતો કે તેનું માથું બહુ દુઃખતું હતું. ૫૫ કરોડ વાળો મુદ્દો તો અગાઉના પ્રયાસોને ઢાંકવાનો પ્રયાસ હતો બાકી ૧૯૩૪થી ગાંધીજીની હત્યા માટે કોશિશો જારી હતી. ૩૪ માં પુનાની મ્યુનિસિપાલિટીએ ગાંધીજીનું સન્માન કર્યું ત્યારે તેમની કાર પર બોમ્બ ફેંકાયેલો, તેઓ અન્ય કારમાં હોવાથી બચી ગયા હતા. ૧૯૪૪૪માં પંચગિનીમાં વિશ્રામ કરી રહેલા ગાંધીજી સામે પુનાથી આવેલા એક ટોળાએ દેખાવ કર્યા હતા અને એક જણ છરો લઈને ધસી ગયો હતો. તે માણસ નથુરામ ગોડસે હતો. મણિશંકર પુરોહિત અને ભિ.દા. ભિસારેએ તેને રોકી રાખ્યો હતો, ગાંધીજીએ તેને મળવા પણ બોલાવ્યો હતો પરંતુ તે ગયો નહોતો. એ જ વર્ષે સપ્ટેમ્બરમાં ઝીણાને મળવા મુંબઈ જઈ રહેલા ગાંધીજીને રોકવા એક ટોળકી તૈયાર થઇ હતી અને તેમણે ગાંધીજીને પકડી રાખવાનું નક્કી કરતાં ગિરફ્તાર કરાયા હતાં. ટુકડીના નાયક થત્તે પાસેથી છરો પણ મળ્યો હતો. જે ટ્રેનમાં ગાંધીજી જઈ રહ્યા હતાં તેને ઉથલાવવા પણ પ્રયાસ થયો હતો !! ૨૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ પ્રાર્થનાસભામાં થયેલા બોમ્બબ્લાસ્ટની ઘટના જાણીતી છે, અને ૩૦ મીએ એ વર્ષોથી ચાલતા પ્રયાસોનો અંજામ આવ્યો. નથુરામે કોર્ટમાં કહ્યા અનુસાર તેણે ભાગવાનો પ્રયાસ નહોતો કર્યો પરંતુ નારાયણદાદાએ નોંધ્યું છે, 'બિરલા હાઉસના માળી રઘુએ તેને પકડી લીધો અને નાસવાનો પ્રયાસ કરતો હતો ત્યાં બીજા બે-ત્રણ જણ આવી ગયા, અલબત્ત ત્યારથી છેક ફાંસીના માચડા સુધી નથુરામનું એક જ રટણ હતું, કે તેને ગાંધીને માર્યાનો કોઈ અફસોસ નથી !! નથુરામ ગોડસે, એમ તો પૂનામાં એવું બન્યું હતું કે ડૉ.દિનશા નામના તબીબને ત્યાં એક વ્યક્તિ ગાંધીજી માટે એક કરંડિયો આપી ગયો અને કહ્યું, 'બાપુ માટે ફળો છે.' જ્યારે ખોલ્યો ત્યારે ખબર પડી કે તેમાં તો જોડા-ચપ્પલ છે - જૂના. બાપુએ કહ્યું, 'આ ચપ્પલો વેચી આવો. અને જે ચાર રૂપિયા મળ્યાં તે બાપુએ હરિજનફંડમાં આપી દીધા - એ કરંડિયો આપી જનાર હતો ગોડસે. તે વાત ગાંધીજીના પુત્રવધૂ સુશિલાબેને ચંદ્રકાન્ત બક્ષીને કરી હતી.

      શા માટે આ ખુન્નસ ? વર્ષોથી ? નથુરામ ગોડસે માનતો કે ગાંધુજી ફક્ત મુસલમાનોને પંપાળે છે, હિંદુઓને અન્યાય કરે છે. જેનો ગાંધીજીએ સતત વિરોધ કર્યો તે દેશ વિભાજન માટે નથુરામ ગાંધીજીને જ જવાબદાર માનતો ! મુસ્લિમ લીગનો એક તરફથી અંગ્રેજોની મદદ મળી અને બીજી તરફથી ગાંધીજીના નેતૃત્વ વાળી કોંગ્રેસના આશીર્વાદ મળ્યાં. રીતસર ઝેર ઓક્યું કહેવાય તેવી વાતો ગોડસેએ ગાંધીજી વિશેના પોતાના નિવેદનમાં કરી હતી, અને કરે. ગાંધીજીનો વિરોધ ન થાય તેવું ત્યારેય નહોતું. આજેય કદાચ ન હોય પરંતુ જેનો વિરોધ કરો તેને મારી નાંખવા એ કેવી વાત ? લડવું એ હક્ક છે, હત્યા પાપ છે. ગોડસેને દેશભક્ત ન કહી શકાય કારણ કે ગાંધીજીના અનેક પગલાં દેશના અનેક લોકોને કદાચ યોગ્ય નહીં લાગ્યાં હોય, ખુદ કોંગ્રેસીઓ પણ અનેક બાબતે સંમત નહોતાં તેથી કાંઈ કોઈની હત્યા થોડી કરાય ? મારી સાથે સંમત ન હોય કે મારી વાત સાચી ન માને તે જીવે જ કેમ ? એ તો તાલિબાની મનોવૃત્તિ થઈ !! અને ગોડસે પોતાના વિચારોને વળગી રહેવામાં ચુસ્તપણે માનતા તેની સાબિતી એ છે કે એક તબક્કે તેમને તેમના ગુરુ સાવરકરે સલાહ આપી તે પણ તેમને યોગ્ય ન લાગી તેથી તેમણે તેઓને મળવાનું પણ ઓછું કરી નાખ્યું. તેણે કહ્યું હતું, 'હિંદુ મહાસભામાં એટલી શક્તિ નહોતી કે બંનેને હરાવી શકે તેથી મેં ઘરડાં નેતાઓની સલાહ લીધા વગર ગાંધીવાદ અને મુસ્લિમ લીગ સામે લડવાનો કાર્યક્રમ બનાવ્યો.' (અકોર્ડીંગ  તું પુસ્તક - મારું જીવન)

      ગોડસે કે તેમના ભાઈ ગોપાલ કે અન્ય કોઈ પણ આ વાતને જસ્ટિફાઇ કરવાની કોશિશ કરે તો ય દુનિયા તે ન માને. પ્રથમ તો એ કે ગાંધીજીએ મુસ્લિમો વિરુદ્ધ પણ ભાષણ કર્યા હતાં, ઈનફેક્ટ તેમણે કોઈ વિરુદ્ધ નહીં માનવતાની તરફેણમાં, ન્યાયના પક્ષમાં, સત્યના સાથમાં પ્રવચનો અને કામ કર્યું. ગાંધીની હત્યા તો એવી કોઈ વ્યક્તિએ કરી હોય કે જેણે વિભાજનને લીધે સહન કર્યું હોત, જેમના ઘરબાર લૂંટાયા હતાં. જેમની જમીન છીનવાઈ ગઈ હતી. પરંતુ કાવતરાખોરોમાં આવું કોઈ નહોતું !! તો પછી ગાંધીજીની હત્યા શા માટે કરાઈ ? આ સવાલના જવાબ હોઈ પણ શકે અને ન પણ હોય. પરંતુ આવી રીતે હત્યા થયા પછી ય ગાંધીજી માર્યા ? ગોડસેની કલ્પના સાકાર થઇ ? સરકાર ફિલ્મના સંવાદને યાદ કરીએ તો ગાંધીજી એક વિચાર હતા અને માણસને મારતાં પહેલાં તેના વિચારને મારવો પડે, ગાંધીને ગોળી મારવી શક્ય હતી તો મારી, ગાંધી વિચારને કેમ વિંધશો ? ગોડસેનું જીવન ગોળી જેવું હતું, એક ધડાકો થયો અને ઓગળી ગયો - ગાંધીજીનું જીવન પુષ્પ જેવું હતું, ખરી પડ્યું પરંતુ તેમની મહેજ આજ પર્યંત છે !


0 comments


Leave comment