2 - ગરમાળો / ઉષા ઉપાધ્યાય


લૂમેઝૂમે ખીલ્યા ખીલ્યા
      આ ગરમાળાને વૈશાખી વન તાકે રે...

આ અલ્લડ કોઈ છોરો છે? કે
     નર્યા છાકનો ફાટ્યો ફાટ્યો બોરો રે!
વન પૂછે સુક્કી નદિયુંને
     આ કયા વેરીનો ફટવી મૂક્યો છોરો રે!
કો હિલ્લોળાતા દરિયા-શા
     આ ગરમાળાને વૈશાખી વન તાકે રે...

વનની કોરી આંખો સળગે
      એમાં ટશિયા રાતાચોળ કસુંબી ફૂટે,
હશે-મૂકોને પૈડ હવે
      ક્હૈ પવન આંખ કૈં વનની લૂછે,
કો સોનેરી અંગારા-શા
      આ ગરમાળાને વૈશાખી વન તાકે રે...

પણ ગરમાળાને શું? એ તો એ... ય ઝૂમે
      ને જતી આવતી વનકન્યાની નજરું ચૂમે,
સોનપરીનાં ઝૂમણાં જેવાં
      ઝુમ્મર એનાં, હલે ડાળ ને નમણું ઝૂલે,
કો પતંગિયાંનાં ટોળાં-શા
      આ ગરમાળાને વૈશાખી વન તાકે રે...

બપ્પોરી વેળામાં એનો
      સોનાવરણો અમલ ઘૂંટાતો એવો ઊડે,
કે આ પા’થી હિલ્લોળ હવાનો
      તે પા’થી કલશોરભર્યુ મન ઊડે,
કો લખલખ થાતા સૂરજ-શા
      આ ગરમાળાને વૈશાખી વન તાકે રે...


0 comments


Leave comment