3 - વાદળામાં ખીલેલું પોયણું / ઉષા ઉપાધ્યાય


સખી, સાચું યે હોય
    કદી ખોટું યે હોય
     અરે! આંગણાને આવેલું
        ઝોકું યે હોય!

ચાંદનીના ચોક કદી
    પૂરીએ ને આંગળિયે
     ફરફોલા સાત સાવ
        ઊઠી રે જાય!

સખી, સાંભળ્યું ના ક્યાંય
    કદી માન્યું ના જાય
     તો યે ટેરવાંમાં આભ
        આખું બળતું રે જાય!

પૂનમની છોળ કદી
    ઊછળે ને ચાંદલિયો
     આકાશે આગ થઇ
        ઊગી રે જાય!

સખી, અફવા યે હોય
    કદી સપનું યે હોય
     તો યે જળનું આ પોત
        લ્હાય બળતું રે જાય!

સખી, આવું યે હોય
    સખી તેવું યે હોય,
     અરે! વાદળામાં ખીલેલું
        પોયણું યે હોય!


0 comments


Leave comment