4 - મોરપીંછ-શી નજરું તારી / ઉષા ઉપાધ્યાય


પરવાળાં-શાં નયને, ઝળહળ ઝળહળ મોતી કોર
એનો જરા કરી દે તોલ...

ચિતર્યા સરખી કાયા, ને છે
પથ્થર સરખી આંખો,
મોરપીંછ-શી નજરું તારી,
મળતાં ફૂટે પાંખો,
માનવીયુંના મેળા વચ્ચે મળતી નજરું
બનશે રે ફૂલદોલ...

બંધ હોઠમાં કેદ કરેલી
અઢળક વાતો ઝૂલે,
તું પૂછે તો ચાસપંખીના
રંગ પાંખના ખૂલે,
પારિજાતનાં ફૂલો જેવી ઝરતી
દઇ દે એક ઘડી અણમોલ...

તેં જ ભીડ્યા છે દરવાજા
તો તું આવીને ખોલ,
જૂઇ-કમળી પાંખડીઓને,
ચંદ્રકિરણથી ખોલ,
પરોઢિયે આ ફૂલપાન પર ઝરમરતા
કૈં ઝાકળ જેવું બોલ...


0 comments


Leave comment