6 - દુષ્કાળ: 1987 / ઉષા ઉપાધ્યાય


હહૂકારતો ફુકારતો ઘૂઘવે સમંદર લૂ તણો,
સંતાપતો સંહારતો સૂસવે સમંદર લૂ તણો.

સંક્રાન્તિના સંઘાતની છે આ નિશાની શું જરા?
આષાઢમાં નહીં જળ અને ઘૂઘવે સમંદર લૂ તણો.

આ આભ રોતું રાતમાં ભેંકાર શું?
નિજ અશ્રુને ગળતી દિશાઓ રોજ શું?

રે પાલવેથી આંખ લ્હોતી ચૂપચાપ રોતી આ ધરા,
નેવાંથી નીતર્યુ જળ અને ઝરણાં નહીં આ શેરીમાં.

આ રાન વસતું પાસમાં કે રણ અરે?
હરિયાળીનો નીત કેફ ચડતો’તો મને?

વીંઝી અવશ રે હાથને પરદો હવાનો આ ચીરી,
શોધી રહું વ્યાકુળ બની, ખોવાઇ ક્યાં એ નીલપરી?

ચિંધાડતો ચિત્કારતો ખૂંદે ધરાને દૈત્ય-શો
ભય સ્વપ્નથી કંપાવતો ઊછળે સમંદર લૂ તણો.

નતનેત્ર દુર્બળ-શા, વિશ્વે જનેતા ખોઈ શું?
કે આષાઢમાં છે જળ, નદી-સરવર નહીં નયનો વિશે!


0 comments


Leave comment