7 - મહાનગર અમદાવાદ / ઉષા ઉપાધ્યાય


જાવ અહીંથી જાવ રે મનવા નગરી છે આ
     ચકાચૌંધ કરનારી જુઠ્ઠી શાનબાનની.

ભરી આંખમાં તેજ આભનું વસે શૃંગ પર
      મળે નહીં એ પંખીરાજ આ મેદાનોમાં,
અહીંયા સૌને સૌનાં સોનાપિંજર ગમતાં
      પાંખ સમેટે આભ ન બનતું મેદાનોમાં... જાવ...

મ્હેરામણનાં ઘુઘવાટાને ઘૂંટી નયનમાં
      ગરવી ચાલે ચૂગે સહજ જે ઝળહળ મોતી,
નથી નથી આ ભરી સભામાં એક્કે પંખી
      ગાંઠેથી ના છોડ તું મનવા નવલખ મોતી. જાવ...

માયાવી છે મ્હેલ આ મનવા ચલો સિધાવો
      મ્હોરાંનો છે ખેલ આ મનવા ચલો સિધાવો,
જુઠ્ઠા છે સૌ વેશ રે નવા ચલો સિધાવો
      આ નથી આપણો દેશ રે મનવા ચલો સિધાવો. જાવ...


0 comments


Leave comment