8 - વર્ષો પછી આદિલસાહેબને મળતાં મિત્રોની અનુભૂતિ / ઉષા ઉપાધ્યાય


એક મજાની સાંજ દોસ્તને નામ
મળી છે સાબરતીરે.
વીતી વેળનું આભ ઘડીમાં
ગોરંભાતું નયને,
વળી, પલકમાં આજ મળ્યાની
‘હાશ’ ઘૂંટાતી નયને.

સ્મરણોની બે વાત વાત કૈં
થતી આજની ધીરે,
વળી, અચાનક ઊતરી આવે મૌન
મૌન પણ મલકે ધીરે.

આ સાબર સુક્કી સાવ અહો!
ને છતાં લાગતું એમ,
હિલ્લોળતાં નીર વચાળે
તડકો જાણે હેમ!

અને હ્રદયમાં ઊઠતી ભરતી-
એમ મળ્યા છે દોસ્ત
ગઝલનો મત્લા લઇને,
એ જ મધુરું સ્મિત મળ્યું છે આજ
ગઝલનો મક્તા થઇને.


0 comments


Leave comment