9 - સહજના ઝૂલે / ઉષા ઉપાધ્યાય


મન ભરી અમે હેત કીધાં ને
       વન ભરી ગીત ગાયાં.
ઊડતાં પોપટવૃંદની સાથે
       આભને કંઠે છાયા.

પનવ પોઠની પીઠ પે ઝૂલે
       ઝાડના કૂણા છાયા,
ટેકરીઓએ કાનમાં નાખ્યા
      ફૂલના અત્તર ફાયા.

ઝરણું હળવે ચૂમતું ચાલે
      વનની લીલી કાયા,
મોરના મધુર કંઠમાં વહે,
       વનની રે જળમાયા.

અસલ મોજથી ગુંજતી ચલે
       વનની કોઇ જાયા,
છાલક એની પાંખમાં ઝીલી
      પતંગિયાં મલકાયાં.


0 comments


Leave comment