59 - રસ્તાની જાણ છે / ગૌરાંગ ઠાકર
શ્રદ્ધા હવા ઉપર હતી એનું પ્રમાણ છે,
આ ખારવા વિનાનું અમારું વહાણ છે.
ચારે તરફ ગયો હવે ભીતર પ્રયાણ છે,
તારા સુધી જતા મને રસ્તાની જાણ છે.
બીજું ગમે તે હોઈ શકે યાચના નથી,
મારા લખાણમાં ભલે તારાં વખાણ છે.
સૂરજ સવારની જુઓ નાંખી ગયો ટપાલ,
વાંચી શકાય તો બધાં એમાં પુરાણ છે.
તાળી ને વાહ-વાહની લખવી નથી ગઝલ,
આખી મનુષ્ય જાત તો લોહીલુહાણ છે.
0 comments
Leave comment