61 - મેઘધનુષ્યનાં ઢાળ પર / ગૌરાંગ ઠાકર
વરસાદમાં હું એટલે ભીંજાઈ જાઉં છું,
થોડો ઘણો મને પછી સમજાઈ જાઉં છું.
મારામાં શોધતાં તને ખોવાઈ જાઉં છું,
તેથી હવે હું ભીડમાં જોડાઈ જાઉં છું.
તારા વિશે તું કર કશું મેં તો કરી લીધું,
તારી અવેજીમાં બધે પૂજાઈ જાઉં છું.
ખિસ્સાં ભરીને વાદળો વરસાદ લઈ ગયાં,
વૃક્ષોની સાથમાં હું વલોવાઈ જાઉં છું.
દર્પણમાં રોજ જોઉં તો કૈં પણ થતું નથી,
તમને મળીને કેટલો બદલાઈ જાઉં છું.
એકાદ વાર ઠીક છે આ રોજનું થયું,
સુખની વહેંચણીમાં હું ભુલાઈ જાઉં છું.
0 comments
Leave comment