20 - શૂળ / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      સરિતાએ ગેલેરીનો કેઠેડો પકડી નીચે જોયું.
     ઘરેણાંથી લદાયેલી સ્ત્રીઓ, મેક-અપમા શોભતી યુવતીઓ ક્યાંક નજર ઠેરવવા મથતા યુવાનો, અકળાતા યુદ્ધો, અમથાં અમથાં આંટા મારતા ફોટોગ્રાફર, છેલ્લાં ફિલ્મી ગીતોના બરાડા પાડતાં સ્પિકરો, વાસણોનો ખખડાટ, ટેબલ-ખુરશીના કર્કશ અવાજ અને આ બધામાં ભળી જતો વિધવિધ માનવસ્વર

      આખી સમાજવાડી વિચિત્ર ઘોંઘાટથી ગાજી રહી હતી.
      સરિતાએ નીચે ટહેલતા, ઊભેલા, બેઠલા ઓળખીતા અને અજાણ્યા એવા તમામ ચહેરા પર નજર ફેરવી. તેણે ખૂણેખાંચરેથી જોઈ લીધું. આખરે નિરાશ થઈ મેઈન ગેઈટ તરફ જોયું.

      મેઈન ગેઈટ પાસે ટેબલ પર પાથરેલા સ્વચ્છ ઓછાળ પર મૂકેલી મોટી થાળીમાં મુખવાસ વ્યવસ્થિત ગોઠવતા નણબોયાને રાજીવ કશીક સૂચના આપતા હતા.

      સરિતા ખિન્ન થઈ રાજીવને જોઈ રહી.
      સહેજ ભરાયેલા શરીર પર મરુન સફારી શોભતું હતું. હાથમાં મોટું પાઉચ, કપાળેથી સરીને એક લટ આંખની ભ્રમર પાસે પરસેવાથી ચીપકી ગઈ હતી. શરીરથી ઉંમર પરખાતી ન હતી. સરિતા રાજીવની દોડધામ જોઈ રહી હતી. રાજીવ ઝડપથી આમતેમ સૂચના આપતા, સૌને સત્કારતા તમામ વ્યવસ્થા પર નજર રાખતાં હતા.

      સરિતાએ વિચાર્યું.
હજીય કામ કરવાની ઝડપ તો એવી ને એવી જ છે. તેમાંય નિર્ણયશક્તિ તો હજી પણ...
     તે વખતે પણ કેટલી ઝડપથી તેમણે જ નિર્ણય લીધો હતો. અને કેટલી ઝડપથી બધું નક્કી કરી લીધું હતું. પોતે તો હજી કાંઠે બેસી વહેતાં પાણીમાં પગ બોળી પાણીનો સરસરાટ માણતી હતી. બધું બહુ મજાનું લાગતું હતું. હા, અધકચરી સમજની દૃઢતા હતી ખરી. હજી તો છબછબિયાં જ હતાં, પણ તેમણે જ કૂદી પડવાનું આહવાન આપ્યું અને હું કૂદી પડી. આગળ-પાછળનું કશુંય વિચાર્યા વગર. કશીય પરવા કર્યા વગર. મંજિલ વિશે તો વિચાર્યુય ન હતું. બસ પડ્યો બોલ ઝીલી લેવામાં જ સર્વસ્વ દેખાતું હતું. ગર્વ પણ થતો હતો. એ વખતે તો કશુંક પરાક્રમ કર્યા જેવું લાગ્યું હતું.

      જોકે આજ સુધી ક્યાં પડ્યો બોલ ઝીલ્યો નથી ? છતાં.....
      લગ્ન પહેલાંની પેલી મધુર સૃષ્ટિ સાથે હોવાનું સુખ સગર્વ અડોઅડ ઊભા રહ્યાનો આનંદ. બધુંય વહી ગયું, કાણા પાત્રમાંથી પાણી વહી જાય તેમ.

      સર્વસ્વ એટલે શું ?
      સરિતાના અસ્તિત્વને ફરતે મોટું કૂંડાળું રચાઈ ગયું. તેણે નિરાશ આંખે ઉપર જોયું. ડિસેમ્બરના ફિક્કા આભમાં એક નાની નિસ્તેજ વાદળી ચુપચાપ સરતી હતી હતી.

      તેણે સુક્કા હોઠ પર જીભ ફેરવી નીચે જોયું અને તે જ વખતે રસોડામાંથી નીકળેલા રાજીવની નજર અચાનક ઉપર ગઈ. બન્નેએ એકબીજા સામે જોયું. બેયની નજરમાં જુદી જુદી જાતના પ્રશ્નો હતા. સરિતાએ ઈશારાથી રાજીવને ઉપર બોલાવ્યો. ધડધડ અવાજથી પગથિયાં બૂટ નીચે કચડાઈ રહ્યાં. રાજીવ-સરિતા સામસામે આવી ગયાં. શું બોલવું તે સરિતાને તરત સૂઝ્યું નહીં. તેણે અચકાતાં કહ્યું :
- હું કહું છું કે હજી પણ...
- મને ખબર છે તું શું કહેવા માગે છે તે. એ વિશે ચર્ચા થઇ ગઈ છે અને હવે એ સમય પણ વીતી ગયો છે. મારે ઘણાં અગત્યનાં કામ છે અને તું આમ અત્યારે અહીંયા ઊભી છો તે સારું લાગે છે ?
      પગથિયાં ફરી બૂટનાં નીચે દબાઈને શાંત થઈ ગયાં.
      સરિતા સ્તબ્ધશી હોઠ ભીડીને ઊભી રહી. ડૂમાને ખાળવા મથતી રહી.

      જાનનો ઉતારો ઉપર હતો. પડખેના ઓરડામાં દસ-બાર જુવાનિયા જોરજોરથી હસતા હતા. સરિતાને એકલું એકલું લાગવા માંડ્યું. તેણે આસપાસ એક નજર ફેરવી નીચે જોયું.

      મેઈન ગેઈટ પાસેના ઓરડામાં આછેરા લીલા રંગના પડદા પાછળ પ્રકાશધોધ વહેતો હતો. વિડિયો ફિલ્મ ઉતારનાર કેમેરામેન કેમેરાને આગળ-પાછળ કરતો કશીક સૂચનાઓ આપતો હતો. બારણાં પાસે ઊભેલી છોકરીઓ મુગ્ધતાથી અંદર જોઈ રહી હતી. અવનીને જુદી જુદી મુદ્રામાં ઊભી રાખવા કેમેરામેન માંથી રહ્યો હતો. સરિતાને અવનીનો ચહેરો જરાતરા દેખાતો હતો. સરિતાએ ધારીને જોયું.

      અવનીના ચહેરા પર અવર્ણનીય સુખનું તેજ ચમકતું હતું. સાવ અંગત અને કાયદેસરનું સુખ. અવનીની અંદરની ખુશી ચહેરા પર ફૂટી નીકળતી હતી.

      સરિતાએ વિચાર્યું - પણ ત્યારે ?
      કશું જ વિચાર્યું નહીં. અન્ય કોઈ મારગ હોઈ શકે એ દિશામાં તો નહીં જ. બસ, રાજીવની ચાર અક્ષરની ચબરખી પર જિંદગી લખી દીધી. અને તે રાત....

      ધસમસતી ટ્રેન દક્ષિણ ગુજરાત તરફ ભાગતી હતી. મનમાં આવનારાં સુખની પાંખે ચડી ટ્રેનની સમાંતરે દોડતું હતું. અંધકારને ચીરતી જતી ટ્રેનને પૈડાંનો અવાજ મનમાં લયબદ્ધ આવર્તન પેદા કરતો હતો. ટ્રેનની બારીમાંથી દેખાઈ જતી દૂર દૂરના ગામની ટમટમતી બત્તીઓ જોઈ અનાયાસે એકબીજાં સામે જોવાઈ જવાતું હતું.

      શબ્દોની ક્યાં જરૂર હતી ?
      બે હથેળી વચ્ચે પરસ્પરમાં ભળી જતો જુદો જુદો પરસેવો કશીક હિંમત, કશાક કોલકરાર આપતો હતો. મનમાં કોઈ ખટકો કે દુઃખ તો હતાં નહીં, હા, સહેજ નહીં જેવી એક ચિંતા કવચિત્ ઝબકી જતી હતી કે
-પાછા જઈશું ત્યારે ?
      પણ સામે બેઠેલા કસાયેલા શરીર, કામણગારી જીભ અને તેજ મગજ સામે એ ચિંતા કશી વિસાતમાં જ ન હતી. બધું સમુસૂતરું જ પાર ઊતરશે એવો વિશ્વાસ જ હતો. ટ્રેનની બોગીના ઝાંખા પીળા અજવાશ વચ્ચે છલકતા હૈયે રાત વિતાવી. તેજોમય સવાર પડ્યું. બધું સમુસૂતરું જ પાર ઊતર્યું.

      પાંચ દિવસે પરત આવતી વખતે ઘણુંય વિચારેલું. આવનારી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો તેની મનોમન તૈયારીય કરેલી. મોટાભાઈના તેજ સ્વભાવનો ડર તો હતો જ. છતાં પડશે તેવા દેવાશે એવું વિચારી પરત આવ્યા ત્યારે બધુંય પૂર્વવત્ જ હતું.

      જાણે કશું જ ન બન્યું હોય તેમ જીવતા હતા બધાય. બેય પક્ષે કોઈ પ્રતિભાવ આવ્યો નહીં ત્યારે આનંદથી તરબતર હૈયામાં એક જ સમજાય તેવી પીડા ધીમે ધીમે ઊભરવા લાગી.

      જાણે એક ઝાટકે બાદબાકી થઈ ગઈ અને મનમાં વિષાદનું બી વવાઈ ગયું.

      ધારેલું હતું એવું તો કશુંય ન બન્યું, પણ થોડા દિવસો બાદ મોટાભાઈનો કાગળ આવેલો. હલકીફૂલકી બ્લેડની તીક્ષ્ણ ધાર જેવો.
- તારે હવે આ પહેલાંનું કશું પણ યાદ રાખવાની કે યાદ કરવાની જરૂર નથી. બધું કાયદેસર થઈ શક્યું હોત, પણ હવે કશો અર્થ નથી.
      કાગળ વાંચી મનમાં હાહાકાર થઇ ગયેલો. ધરતીનું પડ ચીરી બહાર આવતા કોઈ પ્રવાહની જેમ ભીતરને આડી દેવાઈ ગયેલી શિલા હટાવી બધું બહાર આવવા લાગ્યું. જાણે અજાણ્યા દેશમાં વતન સાંભરતું હતું. લોહીમાં ફરતા એ દિવસો, એ આનંદ, એ સુખ, એ ચહેરા, એ પ્રસંગો સતત આંખો સામે આવી આવી થડકારો આપી ચાલ્યા જવા લાગેલા. દિવસો સુધી મનમાં દ્વંદ્વચાલ્યા કર્યું. છતાં તે વખતે એ બધી બાબતોને ભુલાવી દેતો બીજો પ્રવાહ પણ તેટલી જ ગતિથી સમાંતરે વહેતો હતો. દિવસભરનું થાકેલું મન રાત્રે સશક્ત બાહુઓમાં સમાઈ શાંત થઈ જતું હતું.

      ત્યારે તો એમ થતું હતું કે છોડ્યા કરતાં પામ્યાનું સુખ બમણું છે. બધોય વસવસો નીકળી જતો હતો.

      પણ આ બધું લાંબું ચાલ્યું નહીં.
      મનને શાંત કરતો પ્રવાહ ધીમે ધીમે ઓસરતો ગયો. આખરે તો આછીપાતળી સેર વહેતી હતી તે પણ સુકાઈ ગઈ. સુખ નામની નદી સુકાઈને ભઠ્ઠ થઈ ગઈ અને તેમાં ઊગી નીકળ્યા બાવળોના કાંટાળા ઝૂંડ.

      ક્યાં ખબર હતી કે નાતની ચૂંટણીમાં ભાઈ તરફથી મળેલી હારની કિંમત મારે ચૂકવવી પડશે. બધું જ ગણતરીપૂર્વક ચાલતું રહ્યું. ક્ષુબ્ધ થઇ ગયેલા ભાઈઓને વગોવવામાં કાંઈ જ બાકી ન રખાયું. દુઃખના ઓછાયામાં જિવાઈ ગયેલી ક્ષણોનો સુખદ ભૂતકાળ ડંખી જતો હતો. કશુંક કહેવાની ઈચ્છા તીવ્ર બની જતી હતી. અંદરથી વિરોધનો વંટોળ ઊઠતો પણ ખરો, છતાં સમગ્ર અસ્તિત્વને પડખે ફરતું પ્રભાવક તેજ ડારતું હતું.

     નવી ઓળખ થઇ શકી નહીં. જૂની ભૂંસાઈ ગઈ.
મમ્મી, તું આમ એકલી...?
      સરિતા સામે જોઈ રહેલી અવનીની આંખોમાં વિષાદ ડોકાઈ જતો હતો. તે સરિતાની હાલત લગભગ જાણતી હતી.

      અવની તેની બહેનપણી સાથે ક્યારે ઉપર આવી તેની સરત સરિતાને રહી નહીં. તે અવનીને ધારીને જોઈ રહી.

      જાણે એ જ સરિતા. બાવીસ વર્ષ પહેલાંની કમનીય દેહાકૃતિ ધરાવતી સરિતા. નવવધૂના શણગારમાં ઓપતી અવનીને જોઈ સરિતાને થયું.
- થોડા સમય પછી પોતીકું આંગણું છોડવું પડશે તેની વ્યથાની એકાદ રેખા અવનીના ચહેરા પર દેખાય જ છે છતાં ભીતરથી કેટલી રોમાંચિત છે ?
      સરિતાની આંખમાં ભીનાશ ફરી વળી.
- મમ્મી આજે...
      અવનીની આંખો છલકાઈ ગઈ. સરિતાએ તરત જાત સંભાળી લીધી. અવનીના ખભે હાથ મૂકી એની આંખોમાં જોતાં બોલી :
- કશું નથી બેટા, એ તો કાલથી હું ઘરમાં એકલી હોઈશ એ વિચારે જરા....
      ન ઈચ્છવા છતાં સરિતાને આંખો લૂછવી જ પડી.
      તે નીચે આવી.

      નીચે એ જ ટોળટપ્પાં અને ગોકીરો ચાલુ હતાં. સમાજવાડી આમ તો ઠીક મોટી હતી છતાં અત્યારે સાંકડી લાગી રહી હતી. લાગે જ ને ! શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિ રાજીવ પંડ્યાની એકની એક દીકરી પરણતી હતી. આવનારાં સૌ ભૂલ્યા વગર આવ્યા હતાં. રાજીવે જાતે યાદ કરી કરીને એક એક કંકોતરી લખી હતી. છેલ્લે તો કંકોતરી પણ બીજી વાર છપાવવી પડી હતી.

      મોટા સમૂહ વચ્ચે જાણે એકલી પડી ગયેલી હતી સરિતા.
      ચારે બાજુ રાજીવનાં મિત્રો, સગાં-સંબંધીઓ, સહકાર્યકરો, સ્નેહીઓ કંઈકેટલાય, જેને સરિતાએ કદી જોયા પણ ન હતા. આ ઉપરાંત અવનીનું સર્કલ.

      આ બધામાં મારું કોણ ?
      સરિતાને ભીતરથી વેધક પ્રશ્ન ઊઠ્યો. તેની ઉદાસ આંખો આમતેમ ફરી વળી. ગળામાં કશુંક વારંવાર અટવાતું અનુભવ્યું. થોડા દિવસ પહેલાનો પ્રસંગ આંખો સામે તરવરી રહ્યો.

      લગ્ન આડે માત્ર ચાર દિવસ રહ્યા હતા. સરિતાએ બધો ભયશરમ કોરાણે મૂકી રાજીવને વિનંતી કરી.
- એક કંકોતરી મોટાભાઈને ન લખો ?
      કાળમીંઢ પથ્થરની જેમ બેઠેલા રાજીવ પાસે ભીખ માગતી હોય તેમ તેણે કંકોતરી લખવાની રાજા માગેલી. જાતે આપવા જવાની તૈયારીય બતાવેલી. પણ કોઈ બેફિકરો યુવાન રસ્તે પડેલા ખાલી ડબલાને લાત મારે તેમ કંકોતરી સાથે વખ જેવા શબ્દો કાળઝાળ થઈને પડ્યા ખોળામાં.
- લે તારી ઈચ્છા પૂરી કર. મારે તો નમતું નથી જ આપવું. પણ તું લખ. તને એમ લાગે છે કે એ લોકો આવશે ? અરે ! હડધૂત કરી કાઢી મૂકશે આંગણામાંથી ત્યારે કયું મોઢું લઈને આવીશ મારી પાસે ? અને તેમ છતાં એ લોકો તારી ખાતર આવશે તો તે વખતે લગ્નમંડપમાં મારી ગેરહાજરી હશે તે યાદ રાખજે.
      બસ, બધોય ગુસ્સો, આક્રોશ ઠરી ગયો. અગ્નિ પર વરસાદ પડે ને રાખ સુધ્ધાં વહી જાય તેમ વહી ગયું બધુંય આંખો વાટે. પણ કારી ઘા ખામી ચૂકેલા હૈયામાં ફૂટી નીકળ્યું કશુંક જુદું જ. આંખો સામે તરવરવા લાગ્યો સુખદ ભૂતકાળ !

      ગામમાં જ ઊભેલું બાળપણનું ઘર, મોટી ડેલીમાં છાંયો વેરતું લીમડાનું છટાદાર વૃક્ષ, ડેલીની ઓશરીમાં મોટો હિંચકો, હિંચકા પર ધીંગામસ્તી કરતાં બાળકો... અભ્યાસમાં ડૂબેલા ત્રણ કિશોરો, આંખમાં ઊગતાં શમણાંને સજાવવા તત્પર ઊભેલાં યુવાનો....

      કંઈકેટલુંય સરિતાની આંખો સામે ફરવા માંડ્યું. કોઈ પુરાણા સિક્કાને ઘસીને ઊજળો કરતાં તેની છાપ, સાલ, સંવત, બધું સ્પષ્ટ થતું જાય તેમ નવેસરથી બધું તાજું થવા લાગ્યું.

      છતાં લકવાગ્રસ્ત અડધા અંગ જેવી સ્થિતિને જોઈ રહ્યા સિવાય છૂટકો ન હતો.

      હૈયા સાથે થઈ ગયેલી છેતરપિંડીનો વસવસો રહી રહીને ઊભરાવા લાગ્યો. સરિતાએ બધું ભૂલવાનો પ્રયત્ન કર્યો. દબાવી જોયું મનને. જેટલું દબાવી હ્સકાતું તેટલું પણ બધું દાબી શકાયું નહીં અને એક ક્ષણે કાગળ પર રેલાઈ ગયું.

      કાગળ મોટાભાઈને હાથોહાથ આપવાના કેટલાય વિચાર આવી ગયા, પણ હિંમત ચાલી નહીં. ભાઈની ડેલીના કમાડની તિરાડમાંથી બંધ કવર સરકાવતી વખતે કોઈ પ્રચંડ શક્તિશાળી ચુંબક લોઢાને ખેંચે તેમ ડેલી ખેંચતી હતી. સરિતાએ માંડ માંડ સંયમ મેળવેલો.

      સરિતાની આંખો રહી રહીને સમાજવાડીમાં ફરતાં મલકતાંચહેરાઓ પર ફરવા લાગી. પળે પળે એની નિરાશા વધતી જતી હતી. એને રહી રહીને પ્રશ્ન થતો હતો કે સમય જતાં તો પથ્થર પણ પીગળે જ્યારે આ તો લોહી ! હું તેમની સગ્ગી બહેન છું એ પણ ભૂલી ગયા ? આટલી મોટી બાદબાકી ?

      છતાં સરિતા પાસે પોતાના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો.
      જમણવાર પતી ગયો. હાથમાં ગુલાબજાંબુનો થાળ લઈ જાતે પંગતે પંગતે ફરી રાજીવે એક એક વ્યક્તિને આગ્રહ કરી કરી ખવડાવ્યું.
- નહીં નહીં. બસ પંડ્યા સાહેબ ! ઉદગારો સાથે સૌએ મન ભરીને માણ્યું. આવેલ સૌ રાજીવની કુનેહ, સંબંધો અને ઉદારતાના ભરપેટ વખાણ કરતા હતાં. ટેબલ પર ચાંદલાના બંધ કવરનો ખડકલો થઇ ગયો હતો.
      ધીમે ધીમે સૌ વિખરાઈ ગયા. દિવસ ઢળતો જતો હતો.
      કુંટુંબીજનો અને જાનૈયાઓથી સમાજવાડી હવે પહોળી-પહોળી લાગતી હતી. બબ્બે પીડાનો બોજ ઉપાડી વલવલતી આંખે સરિતા આમતેમ જોઈ રહી હતી. તેની ઉદાસ આંખો રહી રહીને મેઈન ગેઈટ તરફ જઈને પાછી વળતી હતી. રાખે હજી પણ કંઈક બને તેની રાહમાં તે બધુંય વિસરી ગઈ હતી. એનું રડતું હૈયું વધારે નિરાશ અને આળું બનતું જતું હતું.

      સમય વિધિવિધાનોમાંથી મારગ કાઢી આગળ વધતો હતો.
      આખરે બધું સમેટાયું.

      જાનૈયા પોતપોતાનો સામાન સંકેલી ઊભા હતાં. ગોરમહારાજે કશીક સૂચનાઓ આપી. વિડિયો કેમેરાનો ફ્લેશ ઓન થયો. પતિની પાછળ ઊભેલી અવનીના આછાં ડૂસકાં વચ્ચે સરિતાનું ધોધમાર રુદન દીવાલોમાં અફળાઈ-વિખેરાઈ ગયું. આયખાભરની નિરાશાઓ અને વ્યથા રુદન વાટે નીકળતા હતાં.

      પણ ઘેરી ગમગીની વચ્ચે રબ્બર બેન્ડથી બંધાયેલા ચાંદલાનાં કવરોના મોટા થોકડામાં એક નામ વગરનું ગુલાવી કવર સરિતા સામે આછું આછું મલકતું હતું.

      સરિતાને આની કશીય ખબર ન હતી.
[નવનીત સમર્પણ, ફેબ્રુઆરી - ૧૯૯૭]


0 comments


Leave comment