21 - અદૃશ્ય દીવાલો / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      શ્રાવણ જતો રહ્યો સાથે સાથે વરસાદ પણ લેતો ગયો. આકાશમાં ફિક્કાં વાદળો માંદલી ચાલે આગળ સરતાં હતાં.ભાદરવાની છેલ્લી ખેડ ચાલી રહી હતી. આષાઢ-શ્રાવણ ભરપૂર વરસ્યા હોવાથી ખેતરો પૂરી મસ્તીથી લહેરાઈ રહ્યા હતા. શેઢાઓ પર અર્ધું લીલું-અર્ધું પીળું ઘાસ હજીય તાજગીસભર લાગતું હતું. બે ગામને સાંકળતી સડક સિવાય લગભગ ચોમેર લીલોતરી દેખાતી હતી. રામજી ઊભડક પગે બેઠો બેઠો એલ્યુમિનિયમની ગોબાવાળી તપેલીમાં ઊકળતી ચાને જોઈ રહ્યો હતો. માટીના ત્રણ ઢેફાં ગોઠવી બનાવેલા ચૂલામાં હવાયેલી સાંઠીઓ ઓચિંતી ધુમાઈ જતી ત્યારે ઘડીભર તપેલી દેખાતી નહીં. રામજીની મા તપેલી સામે જોઈ પછી ઊઠીને થોડી દૂર બે ચાસની વચ્ચે પડેલું ઘમેલું ઊંચું કર્યું. જમીનમાં અડધી દાટેલી દૂધની શીશીનું ઢાંકણ ખોલી સૂંઘી જોયું. પછી તેણે ઊકળતી ચામાં દૂધ રેડ્યું. ચા શાંત થઈ ગઈ. તેણે બે-ત્રણ સુક્કાં કરગઠિયાં ચૂલામાં નાખ્યાં. ચામાં ફરી જીવ આવ્યા. બેત્રણ ઊફણાટા આવી ગયા પછી ઓઢાણીનાં છેડાથી જલદી જલદી ઉતારી હળની ઊથલ દેવા ગયેલ પતિ સામે જોયું અને ચા થઈ ગઈ છે તેવો ઈશારો કર્યો.

      રામજી ચુપચાપ આ બધું જોઈ રહ્યો હતો. એને આજે આ બધી ક્રિયાઓમાં કોઈ રસ પડતો ના હતો. એ થોડી થોડી વારે ગામ બાજુ જોઈ લેતો હતો. થોડા સમય પછી આવનારી સુખદ ઘડીઓના વિચારે તેના ભીતર આનંદ ઊભરાતો. શેઢે આવી ગયેલા રામજીનાં બાપે બળદની બેય રાશને ગાંઠ મારી હળમાં ભેરવી દીધી અને હાથમાં રહેલી લાકડીથી દબાયેલી ચણીબોરની નાની ડાળખીઓ ભેગી કરી લાકડીમાં ટીંગાડીને લઇ આવી ચૂલા પર મૂકી દીધી. લીલી ડાળખીઓ ચૂલા પર શેકાઈને કાળી થઇ ગઈ. તેણે ઘડો નમાવી બે-ત્રણ વાટકા પાણી પીધાં. રજોટાયેલાં આંગળાંની છાપ સ્ટીલનાં વાટકા પર ઊપસી આવી. આ જોઈ રામને હરેશસાહેબ યાદ આવી ગયા. હરેશસાહેબ હંમેશાં કહેતા :
- પાણી ગાળીને પીવું જોઈએ. વાસણ માંજીને સાફ રાખવા જોઈએ. હાથ ધોઈ પછી જ ખાવું-પીવું જોઈએ.
      પોતાના બાપને જોઈ રામજીને વિચાર આવ્યો કે હરેશસાહેબ કહે છે એવું તો બાપા જરાય કરતા નથી. હરેશસાહેબનાં હાથ કેટલા ચોખ્ખા દેખાતા હોય છે. જ્યારે બાપાના હાથ તો.... તેને સહેજ ચીડ ચડી. રામજી સામે જોતાં તેની માએ કહ્યું :
- ચા સાથે રોટલો ખાવો છે ?
      જવાબમાં રામજીએ માથું ધુણાવ્યું. રામજીએ ચા પીવાનું શરુ કર્યું. એટલામાં તો તેના બાપે ચા પૂરી કરી. જાકીટના ખિસ્સામાંથી બીડી કાઢી મોઢામાં મૂકી. સળગતી સાંઠીને બીડીના છેડાને અડાડી. થોડી વારે એના મોં અને નાકમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. રામજી ચા પીતાં પીતાં પોતાના બાપાને જોઈ રહ્યો. તેને થયું :
- બાપા બીડી શા માટે પીતા હશે ? હરેશસાહેબ તો કે'તા હતા કે બીડી પીવાથી ફેફસાં ખરાબ થઈ જાય અને ટી.બી. થઈ જાય અને આખરે માણસ મરી જાય. તો શું બાપાને પણ....
      ના, ના. તેણે જોરથી મનમાં આવતા વિચારોને અટકાવ્યા. રામજી સામે જોતાં તેના બાપે કહ્યું :
- બપોરે ડેમ પર હાલ્યો હોત તો ના'ઈ લેત ને.
      જવાબમાં રામજી મલક્યો.
- આજે તો બાપા હું સાબુથી ઘેર ના'ઈશ.
      રામજીનો બાપ પત્ની સામે જરાક જોઈ હસતાં હસતાં બોલ્યો :
- તારા બાપેય કદી સાબુ નથી વાપર્યો.
      રામજી ગામ તરફ નજર કરી ચા પીવા લાગ્યો. રામજીના બાપે ઊભા થતાં પત્નીને ઉદ્દેશીને કહ્યું :
- આથમણે પુલિયા નીચે ઘાસ હજી સારું જ ઊભું છે. ત્યાંથી વાઢીને ભારી બાંધી લેજે. અને રામલા તું પેલા ખીજડા નીચે મૂકેલી સાંઠીઓનો એક ભારો બાંધી રાખજે. સાંજે લેતો આવીશ. દાતૈડું સાથે લેતો જજે. ઊધઈ લાગી હશે કદાચ.
      રામજીને કંઈક ન ગમ્યાનો ભાવ ચહેરા પર આવી ગયો. તેણે મા સામે જોયું. એ તો બધું સમેટતી હતી. રામજીએ ફરી ગામ તરફ નજર કરી. પછી કમને ગાડા પરથી દોરડી લઈ ખીજડા તરફ ચાલ્યો. એના મનની અધીરાઈ અજંપો કરાવતી હતી. હમેશાં વહાલા લાગતાં ખેતર, શેઢા, ગાડું આજે એને ગમતાં ન હતાં. દૂર દેખાતા ગામમાં જલદી પહોંચી જવાની તાલાવેલી હતી.

      રામજીએ જલદી જલદી સાંઠીકડાનો નાનો ભારો બાંધી દીધો અને તે ગાડા પાસે આવ્યો. તેણે પાણી પીધું અને પુલિયા સામે જોયું. સડક પાસેના ખાડામાં બેઠે બેઠે ઘાસ વાઢતી માની પીઠ એને દેખાઈ. એની આંખોમાં ઉચાટ તરવરી ગયો. એને થયું - શું માએ હજી સુધી ઘાસ નહીં વાઢી લીધું હોય ? રોજ તો જલદી જલદી ઘેર વળી આવતી હોય છે. આજે ગામમાં કેટલી બધી ધામધૂમ હશે તેની શું ખબર નહીં હોય ? એ ગાડાની ઊંધ પર બેઠો બેઠો ગામને જોઈ રહ્યો. આખા ગામથી ઊંચા ઊભેલાં દહેરાસરને એ એકીટશે તાકી રહ્યો. એને લાગ્યું જાણે દહેરાસર ઘડીક નજીક આવે છે. ઘડીક દૂર જાય છે.

      રામજીએ ફરી પુલિયા તરફ જોયું. તેની મા ઘાસ વાઢવામાં વ્યસ્ત હતી. એ કંઇક રોષથી ઊઠ્યો અને ખેતર ખૂંદતો ખૂંદતો પુલિયા પાસે પહોંચ્યો. એનાથી ચીડથી કહેવાઈ ગયું :
- માડી હજી કેટલુંક વાઢવું છે ? આટલું ઘણું નંઈ થઈ રે ? આજે મારે વે'લા ઘેર પહોંચવાનું છે.
      પછી તેણે બાજુમાં પડેલ ચોફાળ પાથરીને તેમાં ઘાસ મૂકવાનું શરુ કર્યું. તેની મા પણ કાંઈ બોલ્યા વગર ચોફાળમાં ઘાસ મૂકવા લાગી. વઢાયેલું ઘાસ મુકાઈ ગયા પછી બેય જણાએ સામસામા છેડા પકડી ભારો બાંધ્યો. રામજીએ ટેકો દઈ માના માથા પર ભારો ચઢાવ્યો અને હવે તો ઘેર જવાનું જ છે એના વિચારે તેના પગ થનગનવા લાગ્યાં. એ દોડતોક ગાડા પાસે આવી ગયો. બપોરે વીણી રાખેલી ચોળાની ફળીઓથી ચડ્ડીના બંને ખિસ્સાં ભરી લીધાં. એની મા ગાડા પાસે પહોંચી ત્યાં સુધીમાં તો તેણે બે-ત્રણ વાર દહેરાસર તરફ જોઈ લીધું. તેની માએ ધમેલું માથે મૂકીને રામજીને કહ્યું - ચાલ.

      રામજીને પગે જાણે પાંખો આવી. એ જલદી જલદી એના બાપ પાસે પહોંચી ગયો અને -
- બાપા અમે જઈએ છીએ હોં.
      કહેતોક સડક પર ઊભો રહી ખિસ્સામાંથી ચોળાની ફળીઓ કાઢી ખાવા લાગ્યો. થોડી વારે તેની મા સડક પર આવી ગઈ.

      ખેતરથી ગામ બે-ત્રણ માઈલ છેટે હતું. રસ્તો આમ સૂમસામ હતો, પણ ભરપૂર લાગતો હતો. ચોમેર એક જીવંત હાજરી જણાતી હતી. અજાણ્યો માણસ પણ કંટાળે નહીં તેવું વાતાવરણ હતું. રામજી મા સાથે વાતો કરતો ચાલ્યો આવતો હતો, પણ તેનું મન ગામના ઊભેલા દહેરાસર અને તેની આસપાસ આજના વાતાવરણની કલ્પનામાં વિહરતું હતું. એ હજી સીમમાં હતો, પણ ચિત્ત તો ક્યારનુય ગામમાં પહોંચી ગયું હતું.

      આજે દહેરાસરને રંગીન ધજા-પતાકાઓથી શણગાર્યું હશે. આજુબાજુ ખૂબ જ ભીડ હશે. સાફસૂથરાં કપડાં પહેરેલા મહાજનો આમતેમ આનંદિત ચહેરે ફરતા હશે. એમનાં કપડાંમાંથી મીઠી મીઠી સુગંધ આવતી હશે. દહેરાસર પર બાંધેલા લાઉડથી આખું ગામ ગાજતું હશે. પોતાની સાથે ભણનારા કેટલાય છોકરાઓએ નવાં કપડાં પહેર્યા હશે.

      રામજીએ પોતાના ખમીસ તરફ જોયું. નિશાળમાંથી મળેલું ખાદીનું સફેદ ખમીસ મેલુંદાટ થઈ ગયું હતું. એના હૃદયમાં સહેજ દુઃખ થયું. છતાં એણે મનને મનાવ્યું કે, હોળી પર સીવડાવેલો' પટ્ટાપટ્ટી લેંઘો અને ખમીસ તો નવાં જેવા જ છે. એ પહેરી જવાશે.

      ગામની નજીક પહોંચતા જ એના કાન સરવા થઈ ગયા. એણે ધ્યાનથી સાંભળ્યું કે પેલો અવાજ આવે છે કે નંઈ ? એને ખાસ કાંઈ સંભળાયું નહીં. એના મનમાં ધ્રાસકો પડ્યો. એને થયું સરઘસ નિશાળમાં પહોંચી તો નહીં ગયું હોય ને ? એવું થાય તો તો બધું જોવાનું રહી જાય. એને પોતાની મા પર ચીડ ચડી. આજે ઘાસ વાઢવામાં મોડું ન કર્યું હોત તો ક્યારેય પહોંચી જવાત. તે એની માથી આગળ આગળ ચાલવા લાગ્યો. હવે તો ગામ સાવ નજીક જ હતું. ખેતરનો રસ્તો નિશાળ પાસેથી જ પસાર થતો હતો. રામજીની આંખો પહેલાં નિશાળમાં જ જઈ ચડી. તે દોડતો દોડતો નિશાળની બાઉન્ડરીની પાળી પાસે પહોંચી આવ્યો. નિશાળમાં ખાસ કોઈ દેખાતું ન હતું. બે ત્રણ જણા વ્યવસ્થા માટે કદાચ આવ્યા હતા. ગામમાંથી શોરબકોર સ્પષ્ટ સંભળાતો હતો. કદાચ સરઘસની તૈયાર જ થતી હશે. આવું વિચારી રામજી ઘેર પહોંચી જવા ઊંચોનીચો થઈ ગયો.

      ફળિયામાં પહોંચતાં જ તેણે ઘર તરફ દોટ મૂકી. ઘરમાંથી જલદી જલદી પાણીનો હાંડો ઉપાડી જેમતેમ કરી વાળમાં પહોંચાડ્યો. ઉતાવળે ખમીસના બટન કાઢતાં એક બટન તૂટીને નીચે પડ્યું. ઘરની વળગણી પર લટકતો ગમછો લઈ ફરી વાડામાં દોટ મૂકી. વાડામાં મૂકેલી છીપર પર ઊભા રહી આજુબાજુ જોઈ લીધું અને કોઈ જોતું નથી તેની ધરપતથી તેણે ચડ્ડીના બટન ખોલી નાખ્યા. ચડ્ડી સ....ર...ર... કરતી નીચે પડી. એ ઊભડક પગે જ બેસી ગયો અને આડેધડ ડબલાથી પાણી શરીર પર રેડવા લાગ્યો. બાજુના પથ્થર પર મૂકેલો ગમછો અડધો તો ભીંજાઈ જ ગયો. તેણે બેઠે બેઠે જ શરીર લૂછ્યું. પછી ગમછો વીંટીને ઘરમાં આવ્યો ત્યારે તેની મા ધમેલું ઉતારી ઓટલા પર થાક ખાતી હતી. તે કંઈક રોષથી બોલ્યો :
- હજી બેઠી છો ? મારા નવાં કપડાં લાવ. મોડું થાય છે.
- ગોતી લે ને ભાઈ !
      રામજીની માના અવાજમાંથી થાક નીતરી રહ્યો હતો. રામજી ઘરમાં જઈ ટ્રંક ખોલી કપડાં ફેંદવા લાગ્યો. એ કપડાં પહેરી બે-ત્રણ દાંતા તૂટેલા દાંતિયાથી માથું ઓળતો હતો ત્યાં એના કાને તબલાં અને ઝાંઝનો અવાજ અફળાયો.
- હું જાઉં છું મા. કહેતાંક એ ભાગ્યો.
      સરઘસ દહેરાસરમાંથી નીકળી ગામ વચ્ચે પહોંચી આવ્યું હતું. સફેદ બળદને નવડાવી તેમના ઉપર આભલા ભરેલ ઝૂલ ઓઢાડવામાં આવી હતી. સીસમના રેંકડા પર સાંગી ઢાળી ઉપર સપ્તરંગી માફા સાથે વેલડું શોભી રહ્યું હતું. વેલડાની આગળ બગલાની પાંખ જેવા સફેદ ધોતિયાં અને તેવાં જ ઉપવસ્ત્રો ધારણ કરેલા મુનિરાજો ધીમી ગતિએ ચાલતા હતા. મુનિશ્રીઓની આગળ વણિક કન્યાઓ તબલાં અને ઝાંઝનાં તાલ પર ચામર ઢોળતી નૃત્ય કરતી આવતી હતી. વેલડાની પાછળ સુંદર વસ્ત્રોમાં સજ્જ સન્નારીઓ માથે મોતી ભરેલ નાળિયેર મૂકેલા કળશ લઇ ગાતી ગાતી ચાલતી હતી. વેલડાની અંદર એક વયોવૃદ્ધ મુનિશ્રી બેઠા હતા. સફેદ ધોતિયાં-ઝભ્ભા અને લેંઘા-ઝભ્ભામાં શ્યામ પણ સોહામણા લાગતા સદગૃહસ્થોના ચહેરા પર આનંદ ઝગમગતો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

      રામજી ચકળ-વકળ આંખે આ બધું જોતો જોતો સરઘસ ભેગો ચાલ્યો આવતો હતો. એને આ બધુંય ગમતું હતું છતાં પોતે બધાથી ક્યાંક અલગ પડે છે તેવો વિચાર પણ ક્ષણેક આવી જતો હતો. આવું થતું હતું ત્યારે ઘડીક એ ઉદાસ થઈ જતો, પણ પાછો સમૂહ આનંદમાં ભળી જતો હતો. એના સહપાઠીઓ આજે નવાં નવાં વસ્ત્રોમાં સજ્જ હતા, પણ તે રોજના જેવા લાગતા ન હતાં. હમેશાં ચોકલેટ આપી બદલામાં દાખલા ગણી આપવાનું કહેતો ચંદ્રેશ આજે તો જાણે ઓળખતો પણ ન હતો. રામજીને સહેજ ખૂંચ્યું પણ એ તરત ભૂલી ગયો.

      સરઘસ નિશાળમાં પહોંચ્યું. રામજી નિશાળમાં આવ્યો ત્યારે એના પગમાં જાણે જોમ આવ્યું. નિશાળમાં આવ્યો તો જાણે પોતાના ઘરમાં આવ્યો. નિશાળનું મકાન, લીમડા, મહેંદીની વાડ, જાણે બધુંય પોતીકું હતું. એ નિશાળમાં શિક્ષકોનો વહાલો હતો. એ હોશિયાર હતો એટલે બધા એનાં વખાણ કરતાં. એના વર્ગશિક્ષક હરેશભાઈ બધા છોકરા વચ્ચે એની પીઠ થાબકતા ત્યારે તેની છાતી ફૂલી જતી. રામજી નિશાળમાં જાણે રાજા હતો.

      વેલડું નિશાળ બહાર ઊભું રહ્યું. મુનિઓ આગળ થયા. પાછળ માનવભીડ. રામજી ઊભો રહ્યો. એને થયું જવાશે હવે ! આ તો મારી નિશાળ જ છે. અહીં મને ક્યાં કોઈ કે'નારું છે ? થોડી વાર પછી ભીડમાંથી મારગ કરતો કરતો એ આગળ વધ્યો. નિશાળના મધ્ય ખંડમાં પ્રભુજીને બેસાડ્યા હતા. બધાં બાંકડા ભીંતસરખા ગોઠવી દેવાયા હતા. એક ખૂણામાં હીરજી બાપા તબલાં લઇ બેઠા હતા. તેમની પડખે બે ઝાંઝવાળા બેઠા હતા. ખંડની બરોબર વચ્ચે બે છોકરીઓ ચામર લઈ તબલાંની થાપની રાહ જોઈ રહી હતી. નિશાળની લોબીમાં હજી ઘણી ભીડ હતી. રામજી ભીડ વચ્ચેથી ઘૂસી એક બાંકડા પર બેસી ગયો. બાંકડો એનો રોજનો પરિચિત જ હતો.

      થોડી વાર પછી તબલાં અને ઝાંઝનો અવાજ લયબદ્ધ વહેતો થયો. ચામર સાથે નૃત્ય શરુ થયું. રામજીના ચિત્તમાં સમગ્ર લયકારી વણાતી ગઈ. એ તાલમાં ખોવાતો ગયો.

      પણ....
      એને સમજ ન પડી કે કોણ એનો હાથ પકડી ઘસડીને ખંડ બહાર મૂકી ગયું. એ બહાવરો બની આજુબાજુ જોવા લાગ્યો. ક્યાંકથી એના કાં પર શબ્દો અથડાયા. હથોડાની જેમ.
- કાં કોણ હતું ?
- અરે ! જીવાનો છોરો હતો. હવે તો અહીં સુધી હાલ્યા આવે છે.
      રામજીના ગળામાં પીડાનો ધોધ આવીને અટકી ગયો. એને રડવું આવતું હતું. પણ એક ડૂસકુંય ગળામાંથી ન નીકળી શક્યું. એણે બહાવરો થઈ આમતેમ જોયું. આજુબાજુ બધા પ્રસન્ન ચહેરે ટહેલતા હતા. ઘડીભર તો શું કરવું તે પણ ન સૂઝ્યુ. એ ઊતરેલા ચહેરે પગથિયાં ઊતરી ગયો. ધીમા પગલે આગળ વધતાં એની નજર હરેશસાહેબ પર પડી. એનાથી એક ડૂસકું નીકળી ગયું. હરેશસાહેબે તો જોયું પણ નહીં ? આ વિચારે રામજીનું નાનકડું હૈયું કલ્પાંત કરી ઊઠ્યું. અજાણ્યા મુલકમાં મા-બાપથી વિખૂટા પડી ગયેલા બાળકની જેમ અચાનક તેની આંખોમાંથી અત્યાર સુધી રોકેલાં આંસુ એકધારાં નીકળી પડ્યાં. એ રડતી આંખે અને બળતાં હૈયે શાળાનું મેદાન છોડી ગયો. ઘર સુધી પહોંચતાં તો તેની સમગ્ર તાકાત હરાઈ ગઈ. ઓટલા પર બેસી પથ્થર પર મરચાં વાટતી માને જોઈ એના હૈયાના બંધ તૂટી પડ્યા. રામજીના ડૂસકાંથી સાંજની ઉદાસી ઘેરી બની ગઈ.
- આપણાથી અંદર ન જવાય દીકરા અંદર ન જવાય. કહેતી માએ આભ સામે જોઈ નિસાસો મૂક્યો.
- શા માટે ન જવાય ?
      રામજીનાં આંસુ ગુસ્સામાં ફેરવાઈ રહ્યાં હતાં.
[નવનીત સમર્પણ - જૂન ૧૯૯૫]


0 comments


Leave comment