57 - એમ સફરમાં આજ તમારો સાથ મળ્યો છે / ઉર્વીશ વસાવડા


એમ સફરમાં આજ તમારો સાથ મળ્યો છે,
રણમાં જાણે ફૂલોનો એક બાગ મળ્યો છે.

વીંટી વગરનો હાથ લઈ સ્મરણોને શોધું,
ભૂલી જવાનો મને જ્યારથી શ્રાપ મળ્યો છે.

એજ પુરાતન નગર મહીં ખોદ્યો જ્યાં પથ્થર,
ચરૂ ભરી કિસ્સાઓ ઠાંસોઠાંસ મળ્યો છે.

રોજ ચાંદની બારીથી ઘરમાં રેલાતી,
એવો વૈભવ ઘરમાં રહેવા કાજ મળ્યો છે.

કોકો સમયના કૂવે હોઠ ફફડાવ્યા ત્યાં તો,
શબ્દ ભરેલો પડઘો આપોઆપ મળ્યો છે.


0 comments


Leave comment