62 - સાઝને સ્વર જ્યાં રૂઠ્યાં ત્યાં શું કરું આલાપનું ? / ઉર્વીશ વસાવડા


સાઝને સ્વર જ્યાં રૂઠ્યાં ત્યાં શું કરું આલાપનું ?
એ જ કારણ છે હૃદયમાં આટલા સંતાપનું.

વ્યર્થ આશા રાખમાં એવું કદાપિ નહીં બને,
વસ્ત્ર જે તુજને ગમે એ હોય તારા માપનું.

હાર તારી છે તું સ્વીકારી લે એને પ્રેમથી,
આપમાં કારણ અમસ્તું ગતજનમનાં પાપનું.

તીર છૂટ્યું ને ઘવાયું એક વાચાનું હરણ,
કોણ રામાયણ હવે રચશે ઋષિના શાપનું.

મારે ઈશ્વર નામથી મતલબ બીજો કોઈ નથી,
હો સ્મરણ તારું ને ઓઠું હોય એના નામનું.


0 comments


Leave comment