21 - ઠીક નથી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


તરસ્યે તરસ્યા તળાવ વાઢી ફાંટ ભરો, એ ઠીક નથી.
તમે તમારી તરસ વિશે કંઈ વાત કરો, એ ઠીક નથી.

ખરવું હો તો હાલ ખરો, ઓ પીળ ભરેલાં પત્તાંઓ,
અગન ભરેલા આંગણિયામાં રોજ ખરો, એ ઠીક નથી.

ધરવું હો તો મારી માફક આંખો ફાડી ધરો તમે,
ગળા લગોલગ ગાંજો પીને ધ્યાન ધરો, એ ઠીક નથી.

અમે અમારી પાંસળીઓમાં પથ્થર ખડકી નાખ્યા છે,
તમે રંજનો રેલો થઈને ત્યાંય ફરો, એ ઠીક નથી.

દ્વંદ્વ ભરેલી દૃષ્ટિ માથે ડહોળાયેલાં દૃશ્યો પટકી,
તમે ઊકલતાં અંધારાંની ઊંઘ હરો, એ ઠીક નથી.


0 comments


Leave comment