45 - ‘વિસરાતી વાણી’ / ૨. કલેજા કટારી / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
કલેજા કટારી રેરૂદિયા કટારી રેમાડી ! મુંને માવે લૈને મારી,વાંભું ભરી મુજને મારી જીવાલે મારે બહુ બળકારીહાથુથી હુલાવી રે.... માડી ! મુંને....કટારીનો ઘા છે કારીપાટા બાંધુ વારી રે વારીવૈદ ગયા હારી રે....હકીમ ગયા હારી રે... માડી ! મુંને.....ભાળી એની વેદના ભારીઘડીક ઘરમાં ને બારીમારી મીંટયુંમાં મોરારિ રે... માડી ! મુંને.....દાસી જીવણ ભીમને ભાળીવારણાં લઉં વારી વારીઆજ દાસીને દિવાળી રે... માડી ! મુંને.....
આપણાં સંત કવિઓએ પોતાની આંતરિક મનોદશાનો પરિચય આવાં પ્રતીકાત્મક ભજન દ્વારા કરાવ્યો છે. પરમ પ્રિયતમના વિરહને આ કવિઓએ કટારી, ખંજર, તીર, ભાલું કે લાકડી જેવાં અસ્ત્ર-શસ્ત્રોથી શરીર પર થતાં ઘાવ સાથે સરખાવીને પોતાનાં ભજનોમાં વાચા આપી છે.
દાસી જીવણ ‘દાસીભાવે’ ઇષ્ટની ઉપાસના કરનારા સંત છે. એમણે ચાર જેટલી ‘કટારી’ રચનાઓ આપી છે. જેમાં પાણીમાંથી માછલીને બહાર કાઢતાં તે જેવી તડપ, વ્યાકુળતા, વ્યથા ને દર્દ અનુભવે એવા દર્દની અનુભૂતિનું આલેખન જોવા મળે છે. ‘દેખન મેં છોટી લગે ને ઘાવ કરે ગંભીર...’ એવી કલેજાની આરપાર નીકળેલી કટારીની વેદનાનું નિરૂપણ કવિએ ઉપરના ભજનમાં કર્યું છે.
કટારી એક એવું હથિયાર છે કે જે નજીકથી મારી શકાય. અત્યંત સામીપ્ય ને નિકટતાનો ભાવ દર્શાવતું આ પ્રતીક અદભુત છે. ધાર્યું નિશાન પાડી શકવાની ક્ષમતા ધરાવતું આ સાધન ચોકસાઈની અપેક્ષા રાખે છે. પડખે રહીને હેતેથી હાથોહાથ હુલાવી શકાય. વ્હાલ દર્શાવતાં દર્શાવતાં વેગેથી વીંધી શકાય એટલી ખૂબી કટારીમાં છે. વળી કટારીનો ઘા થઈ ગયા પછી કટારી તો બહાર નીકળી જાય પણ એની વેદના ખૂબ લાંબો સમય ચાલે, બહારથી એનો ઘા શરીર પર દેખાય નહીં એવો નાજૂક હોય પણ અંદર કાળજું કપાઈ ગયું હોય – ચિરાઈ ગયું હોય. એના ઘાથી માણસ જલદી મરે નહીં પણ રિબાય. એ ઘા અંદરથી પાકે. વેદના વધતી જાય. ઉપર જોતાં રૂઝ આવી ગઈ હોય પણ અંદર ધારું વધ્યે જતું હોય. એમાં દર્દની તીવ્રતા વધુ ઘેરી બને તલવારનો ઘા પડે ત્યારે અંગ વેતરાઈ જાય, અંગ છૂટું પડી જાય, જ્યારે કટારીનો ઘા કાયાને કોતરી કાઢે છે.
એવી કટારીના ઘા જેના કૂણે કલેજે લાગ્યાં હોય એ અનુભવી સંત જ ગાઈ ઊઠે ને !
‘લાગ્યા કલેજે છેદ ગુરુકા
વેદ ન જાણે ઈ વાતું....!’
એની આંતરવ્યથા કેવી ભયંકર ને તીવ્ર હશે ! અહીં દાસી જીવણ ઉપર તો એના વહાલાએ વાંભું ભરીને (હાથ લંબાવીને ) કટારીના ઘા કર્યા છે. બળકારી હાથે હુલાવેલી આ કટારીની વેદના સહન થઇ શકે એવી નથી. એ વેદના શાંત કરી શકે એવું સામર્થ્ય પણ ક્યાં કોઈ વૈદ્ય કે હકીમ પાસે છે ! કોઈનું ગજું નથી એનો ઉપચાર કે ઈલાજ કરવાનું. શું ઔષધ આપે ? બહારથી જ્યાં કોઈ દરદ, કોઈ ઘાવ, કોઈ નિશાન, કોઈ લક્ષણ દેખાતાં નથી !
અતિશય વેદનાથી ત્રાસી જઈને ઘડીક ઘરમાં ને ઘડીક બહાર એમ આમતેમ આથડતા આ સંતની મીટ્યુંમાં-નજરમાં મોરારિ કેદ થઈ ગયો છે. એનો જ પરમ સંતોષ છે. હરિનો વિજોગ તો છે પણ સાથોસાથ એનું સામીપ્યને સાયુજ્ય પણ અનુભવે છે. એ જ છે સંતોની વાણીની ખૂબી !
ઊંડી ઊંડી ઊતરતી જતી આ પીડા દ્વારા થતી પ્રાપ્તિનું રહસ્ય જ્યારથી સદગુરુ ભીમસાહેબે બતાવી આપ્યું છે, ત્યારથી દરરોજ દીપાવલીપર્વનો આનંદ અનુભવતા દાસી જીવન એનાં વારી વારી વારણા લે છે અને પરમાત્મમિલનના આનંદમાં પલટાયેલી આ પીડા, તડપન, વ્યથા એક સુંદર ઊર્મિકાવ્યના રૂપમાં આપણી સામે આવે છે.
પ્રભુ સામેનાં આવાં વિરહનિવેદનો આપણા દરેક ભજનિક સંત-કવિઓએ આપ્યાં છે. વનના હરણને કોઈ પારધીએ તીર માર્યું હોય, તીર શરીરની આરપાર નીકળી ગયું હોય ને હરણના તરફડાટ દ્વારા જે વેદના અનુભવાતી હોય એવી વેદનાનો મીરાએ અનુભવ કરીને ગાયું :
‘રે મેરે પાર નિકસ ગયા,
સાજન માર્યા તીર;
વિરહ ઝાળ લાગી ઉર અંતરિ,
વ્યાકુલ ભયા શરીર....’
દાસી જીવણે પણ એવી જ વેદના અનુભવી હશે એ હકીકતની પ્રતીતિ ઉપરના ભજનમાંથી થાય છે. સંગીત અને નાદતત્વને સથવારે કવિ પોતાના નિજી સંવેદનને વાચા આપવા તળપદા લોકબોલીના શબ્દોનો સમુચિત ઉપયોગ કરે છે.
દરેક પંક્તિમાં વર્ણાનુપ્રાસ અને સૂક્ષ્મ નાદસગાઇ જોવા મળે છે. ‘માડી ! મુંને માવે લૈને મારી...’ કે ‘માટી મીટ્યુંમાં મોરારિ રે ...’ પંક્તિઓમાં થતું ‘મ’ વર્ણનું આવર્તન મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે. ‘કટારી’ શબ્દને અનુસરતા ‘મારી’ ‘બળકારી’, ‘કારી’, ‘વારી’, ‘હારી’, ‘ભારી’, ‘બારી’, ‘મોરારિ’, ‘ભાળી’ અને દિવાળી’ જેવા શબ્દો અનાયાસે મનોહર પ્રાસયોજન ખડું કરે છે. કવિને કોઈ મહેનત નથી લેવી પડતી. આ કવિતાકલા માટે શબ્દની એક એક ખૂબીથી આ સંતકવિ પરિચિત છે. એમાંયે પોતાની અંતરવેદનાને વધુ ગાઢ-પ્રગાઢ બનાવવા વાંભું ભરી મુજને મારી....’ જેવો શબ્દપ્રયોગ આલેખીને તો હદ કરી નાખી છે. અન્ય સંત-કવિઓની ‘કટારી’ રચનાઓમાં કદાચ કોઈને પરમ પિયુએ આટલા વેગથી કટારી નથી હુલાવી. આંખના પલકારામાં સોંસરવી નીકળી જાય એટલી ત્વરાથી ફાસ્ટ બોલરની તીવ્ર ઝડપે અતિશય જોર કરીને હરિએ ઘા કર્યો છે, ને એની વેદના ‘મા’ સિવાય કોને કહી શકાય ! નારીસહજ કરુણમધુર ભાવ જન્માવવામાં કવિ અહીં પૂર્ણ સફળ થાય છે જે કવિ સર્જનશીલ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.
0 comments
Leave comment