5 - વૈશાખ / ઉષા ઉપાધ્યાય


દોમ દોમ અજવાળાં વરસે
      ગંધ કપૂરી ઊડે..
ઝળહળતા તડકાની પીંછી
      ફરતી ધરતી અંગે,
રંગારો આ સૂરજ હળવે
      કોના મનને રંગે!
દોમ દોમ અજવાળાં વરસે
      ગંધ કપૂરી ઊડે...

ગરમાળો ગુલમ્હોર કેસૂડો
      નીમ-મંજરી મહેકે,
મઘમઘતી આંબાની ડાળે
      સમય મધુરું ચહેકે!
દોમ દોમ અજવાળાં વરસે
      ગંધ કપૂરી ઊડે...

સુક્કાં વન સુક્કી વનરાજી
      હોલારવથી ભીંજે,
વંટોળાતી સીમ અરે શું
      પાંખ ધૂળિયા વીંઝે !
દોમ દોમ અજવાળાં વરસે
      ગંધ કપૂરી ઊડે...

ખાલીખમ શેરી ને ફળિયે
      થોડું જીવન ધબકે,
વૈશાખી બપ્પોર ઝૂલે છે
      નેવાંની આ ઠીબે.
દોમ દોમ અજવાળાં વરસે
      ગંધ કપૂરી ઊડે..0 comments


Leave comment