11 - સોમલ / ઉષા ઉપાધ્યાય


દરિયાનાં થોક થોક ઊછળતાં મોજાંમાં
     તરફડતું કોણ આજ આટલું?
સૂરજના સોનાની નથડી પહેરાવીને
     સોમલ ઘૂંટે છે કોણ આટલું?

ઓ રે! જળ રે મૂંઝાય
     એની લહેરો ઝંખવાય,
     એના ભીતરમાં મ્હોરેલી ચાંદની વિલાય.

જળના તરાપાને જળમાં ઝૂલવતા એ
     વાયરાનું ગામ ક્યાં શોધવું?
વાસંતી સૂરોની વેણી ગૂંથીને હવે
     મૌનને ઘૂંટે છે કોણ આટલું?

ઓ રે! જળ રે કંતાય,
     એનાં મોતી નંદવાય,
     એના ભીતરમાં ફૂટેલી પાંખો કપાય.

દરિયાનાં થોક થોક પછડાતાં મોજાંમાં
     રવરવતું કોણ આજ આટલું?
     ઓ રે! તરફડતું કોણ આજ આટલું?


0 comments


Leave comment