12 - સાયુજ્ય - ૧ / ઉષા ઉપાધ્યાય


અલ્લડ તારી આંખ કહે છે ચાલ લે ભેરુ
     સંતાકૂકડી રમીએ.

હું વ્હેતી સુગંધ બનું; તું
     ઝીલી લે થૈ ફૂલ,
ફૂલ બની તું ખીલે ડાળીએ
     હું શબનમની ઝૂલ,
વન-ઉપવનની ધૂપછાંવમાં આવ સખીરી
     ઝરણાં સાથે ભમીએ.

તું કોયલનો ટહુકો થૈને
     આંબાડાળે ઝૂલે,
રાતું-નીલું પન બની મન
     સાથે તારી ઝૂલે,
ફોરમની આ ખુશ્બૂ સાથે ચાલ લે ભેરુ
     હળુહળુ ફરફરીએ.

તું શ્રાવણનું આભ બનીને
     ઝરમર ઝરમર વરસે,
ઝરણું થૈ હું ઝીલું તને
     તુ વ્હાલપ થૈને વરસે,
પંખીઓની ભીની પાંખે આવ સખીરી,
     તડકો થૈને સરીએ.


0 comments


Leave comment