13 - ઉપાલંભ / ઉષા ઉપાધ્યાય


પહેલાં આંખો આપો પછી પાંખો આપો
     ને પછી છીનવી લો આખ્ખું આકાશ,
          રે! તમને ગમતાં શું આટલાં પલાશ!

કોરી હથેળીમાં મહેંદી મૂકીને પછી
     ઘેરી લો થઇને વંટોળ,
આષાઢી મેઘ થઇ એવું વરસો, ને કહો
     કરશો મા અમથા અંઘોળ!
પહેલાં તડકો આપો, પછી ખીલવું આપો
     ને પછી છીનવી લો સઘળી સુવાસ,
          રે! તમને ગમતાં શું આટલાં પલાશ!

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો
     કાનમાં પડી છે કેવી ધાક!
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો, ને કહો
     સૂરજના ટોળાંને હાંક!
પહેલાં પાણી આપો, પછી વહેવું આપો
     ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
          રે! તમને ગમતાં શું આટલાં પલાશ!


0 comments


Leave comment