14 - શમણાં કેરો સાળવી / ઉષા ઉપાધ્યાય


સખી, ઓલ્યો વણઝારો વરણાગી
     આવ્યો કોણ જાણે ક્યા ગામથી,
મુંને જાળવી લીધી તારવી
     સરખી સાહેલિયુંના સાથથી
     વાત્યું ઈ વાયરે વે’તી જાય.

સખી હું તો શેરીએ ઊડતી હાલું
     ઈને અડખેપડખે ભાળું,
હું તો વગડા વચ્ચે મ્હાલું
     ઈને પાંદડે પાંદડે ન્યાળું
     વાત્યું ઈ વાયરે વે’તી જાય.

સખી મારી ચૂડલીઓ ઝલમલતી
     પગની ઝાંઝરીઓ રણઝણતી,
વળતી ડેલીએ ડોકાઉં અમથી
     કે મારી કાંબિયું મુને હસતી
     વાત્યું ઈ વાયરે વે’તી જાય.

સખી એનો વેશ તે ભલો ગરવો
     ઈ તો શેરીએ હાલે હળવો,
હળવો ધબકારો એક રુદિયે
     ઝમ્મર દીવડો કરે નરવો
     વાત્યું ઈ વાયરે વે‘તી જાય.

સખી મારાં સમણાં કેરો સાળવી
     એની પાઘ પીરોજી માળવી,
મારે ઓઢણે દીધો આળખી
     આખ્ખો ફાગણ ઈણે જાળવી
     વાત્યું ઈ વાયરે વે’તી જાય.


0 comments


Leave comment