15 - આવ / ઉષા ઉપાધ્યાય


વગડા વાટે નેન ઘટાએ ઘેઘૂર ઝૂમી લઈએ,
લાગણિયુંના મોલ વચાળે વાયરો બની વહીએ,
     આવને વાલમ આજ તો અવની આભ થઇને મળીએ.

શમણાં સાટે ઝૂરવું લઈ એવડું જાગી લઇએ,
આયખાના આ રાન વચ્ચે ફૂલવેલ થઈને રહીએ,
     આવને વાલમ આભલે રૂડો ચાંદ થઈ ઝલમલીએ.

કોડને ઘાટે છલછલતી એક નાવ થઈને સરીએ,
તારા-મારાની ગાંઠને છોડી ફોરમ ફોરાં થઈએ,
     આવને વાલમ જૂઇને નેણે નેહ થઈને ઝરીએ.

મોર ને મેના કોયલ કાબર કીર થઈને કૂજીએ,
વડવાયુંના દોર સંગાથે આભને અડવા જઇએ,
     લે હાલને વાલમ કૂજતી આખી સીમ થઈને ઊડીએ.


0 comments


Leave comment